ફેશન:રાસ-પૂર્ણિમાએ સજીધજીને ગોરી જમાવે ગરબાની રમઝટ

4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 19 ઓક્ટોબરના દિવસે શરદ પૂનમનો તહેવાર છે અને આ દિવસે ગરબાની શોખીન યુવતીઓ સજીધજીને રાસ રમે છે. યુવતીઓ લેટેસ્ટ ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને ચણિયાચોળી પસંદ કરતી હોય છે

શરદ પૂનમને રાસ-પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. 19 ઓક્ટોબરના દિવસે શરદ પૂનમનો તહેવાર છે અને આ દિવસે ગરબાની શોખીન યુવતીઓ સજીધજીને મન મૂકીને રાસ રમે છે. માન્યતા છે કે આ રાત્રે દરેક ગોપી માટે ભગવાન કૃષ્ણે એક-એક કૃષ્ણ બનાવ્યા અને આખી રાત આ કૃષ્ણ અને ગોપીઓ નાચતાં રહ્યા, જેને મહારાસ કહેવામાં આવે છે. યુવતીઓ અવનવા સ્ટાઇલિશ ચણિયાચોળી પહેરીને ગરબે ઘૂમવાનું પસંદ કરે છે. યુવતીઓ સ્ટાઇલ અને ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને લેટેસ્ટ ડિઝાઇનનાં ચણિયાચોળી પસંદ કરતી હોય છે. }ગામઠી ડિઝાઇનનો ટ્રેન્ડ આ વર્ષે ચણિયાચોળીમાં ગામઠી ડિઝાઈનની ચણિયાચોળી ભારે ડિમાન્ડમાં રહી છે. ચણિયાચોળીમાં દર વર્ષે ડિઝાઈન અને ફેશન બદલાય છે અને અ વખતે ગામઠી સ્ટાઇલનો ટ્રેન્ડ બહુ લોકપ્રિય બન્યો છે. ગામઠી ડિઝાઇનમાં ચણિયાચોળીથી માંડીને પુરુષો તેમજ સ્ત્રીઓ માટેનાં કેડિયાં તેમજ ઘેરદાર ઘાઘરો બહુ ડિમાન્ડમાં છે. }જરસી મટીરિયલની બોલબોલા આ વર્ષે ગરબા રમવાના માટેનાં આઉટફિટમાં જરસી મટીરિયલનો ઉપયોગ કરવાનો ટ્રેન્ડ વધ્યો છે. આ મૂળ રાજસ્થાની મટીરિયલ છે. આને અડવાથી એ એકદમ સોફ્ટ સિલ્ક જેવું લાગે છે. તેની શાઇનિંગ ખૂબ જ સુંદર હોય છે. આ મટીરિયલ ઉપર પેચ લગાવીને ચણિયાચોળી તૈયાર કરવામાં આવે છે. આ ચણિયાચોળી દેખાવે સિલ્કના હોય એમ લાગે છે પણ આમ છતાં એનો લુક ટ્રેડિશનલ છે. જરસી મટીરિયલની ચોલીમાં તમે ગમે એવું વર્ક કરાવી શકો છો. }બાંધણી કે લહેરિયું પ્રિન્ટ બાંધણી કે લહેરિયાંની પ્રિન્ટવાળા ચણિયાચોળી સાથે કોન્ટ્રાસ્ટ મેચિંગનો અથવા મલ્ટિ કલરનો બાંધણીનો અથવા લહેરિયાવાળો દુપટ્ટો સુંદર લાગે છે. જો તમે બાંધણી કે લહેરિયું ન પસંદ કરવા માંગતા હોવ તો તમને ગમતાં વર્કના દુપટ્ટાનું કોમ્બિનેશન પણ કરાવી શકો છો. આ બંને કોમ્બિનેશન આ પ્રકારના ચણિયાચોળીમાં સુંદર લાગે છે. }કચ્છી ભરત અને આરી વર્ક કોડી અને ઊનનાં ફૂમતાં હવે લોકપ્રિય નથી. આ વર્ષે કચ્છી ભરત અને આરી વર્કની બોલબાલા છે. આ બન્ને વર્ક કર્યા બાદ દેખાવમાં સુંદર લાગે છે. ફરક એટલો જ છે કે કચ્છી વર્ક કર્યા બાદ ગાર્મેન્ટનું વજન થોડું વધી જાય છે, જ્યારે આરી વર્ક હલકું-ફૂલકું હોય છે. આરી વર્ક કરાવી શકાય અથવા એના બોર્ડર અને નેકના પેચ તૈયાર પણ મળે છે જે ડાયરેક્ટ ચોલી પર લગાવી શકાય. આરી વર્કમાં ઝીણું મિરરવર્ક હોય છે અને કચ્છી વર્કમાં થોડી મોટી પેટર્ન સાથેનું મિરરવર્ક હોય છે. રંગબેરંગી દોરાથી કરેલું કચ્છી વર્ક ઘાઘરા પર ખરેખર શોભી ઊઠશે. }પ્રિન્ટેડ ચણિયાચોળી આજકાલ પ્રિન્ટેડ ચણિયાચોળીનું ચલણ વધી રહ્યું છે. સિલ્ક અને પોલિસિલ્ક મટીરિયલ પર પ્રિન્ટેડ ચણિયા માર્કેટમાં અપ છે. તેમાં ઝીણી મહેંદી ડિઝાઈન, ફુલપત્તી અને વિક્ટોરિયલ ડિઝાઈન સૌથી વધુ પસંદ થઈ રહી છે. આજની યુવતીઓ પ્રસંગોમાં ભારે વજનવાળી ચણિયાચોળી પહેરવાને બદલે આવી લાઈટવેઈટ પણ દેખાવમાં ભારે અને આકર્ષક લાગે તેવી પ્રિન્ટેડ ચણિયાચોળી પહેરવાનું પસંદ કરે છે. આ ચણિયાચોળીની ખાસિયત એ છે કે તેને દરેક વખતે ડ્રાયક્લીન કરાવાની જરૂર નથી પડતી તેને તમે ઘરે પણ વોશ કરી શકો છો. તેનું મેઈન્ટેનન્સ પણ ઓછું છે. તે પહેરીને તમે રિલેક્સ રહી ફરી શકો છો. તેમાં વર્ક ઓર્નામેન્ટસમાં ભરાઈ જશે તેવી ચિંતા રહેતી નથી.

અન્ય સમાચારો પણ છે...