કશ્યપ અને જાન્હવીનાં લગ્નને બે મહિના થયા હતા. બંને એકબીજાને પ્રેમ કરતાં હતાં. જાન્હવી દેખાવે ખૂબ જ સુંદર અને આકર્ષક હોવાથી તેને કોઇ સારા ડ્રેસિંગમાં કે તૈયાર થયેલી જોઇને જ કશ્યપને તેના પ્રત્યે આકર્ષણ થઇ જતું. ઘણી વાર બેડરૂમમાં જાન્હવી સેક્સી નાઇટગાઉનમાં તેની પાસે આવીને બેસે અને તેની છાતી પર માથું રાખીને બેસે તો પણ થોડી વારમાં જ કશ્યપ ઉત્તેજીત થઇ જતો અને તેનું લિંગ કડક થઇ જતું. સાથે જ થોડી સેકંડમાં સ્ખલન પણ થઇ જતું. કોઇ પણ પ્રકારના અંગોનો સ્પર્શ અનુભવ્યા વિના કે સમાગમક્રિયા વિના કશ્યપ સાથે આવું થતું હતું. જ્યારે જાન્હવીને શરીરસંબંધ બાંધવાની ઇચ્છા થાય તો કશ્યપ ફરી વાર લિંગ ઉત્તેજીત થાય ત્યાં સુધી તેની સાથે ફોરપ્લેનો સમય વિતાવતો અને પછી સમાગમની ક્રિયાને આગળ વધારતો. કેટલીક વાર એવું પણ બનતું કે તે જાન્હવીને પોતાની બીજી વારની ક્રિયા માટે સહકાર ન પણ આપી શકતો અને પોતે ઝડપથી સ્ખલિત થઇ ગયો છે તે કહી પણ શકતો નહીં. કોઇ પણ શારીરિક ક્રિયા વિના ફક્ત વિચારવાથી કે પછી મહિલાને જોઇને અથવા તો ફક્ત સામાન્ય સ્પર્શની અનુભૂતિ કરીને આપોઆપ સ્ખલન દ્વારા ચરમ આનંદ મેળવવો અલગ બાબત છે. સમાગમક્રિયા દરમિયાન ઓર્ગેઝમ પ્રાપ્ત થવું તે અલગ આનંદ છે. આ બંને ક્રિયામાં મળતો આનંદ પુરુષો માટે અલગ પ્રકારનો હોય છે. જ્યારે પુરુષો માનસિક રીતે ઉત્તેજિત થાય છે ત્યારે તેઓ ઉગ્ર ઉત્તેજનાનો અતિરેક અનુભવી શકે છે અને તેના કારણે તેઓને ઝડપી સ્ખલન થાય છે. જ્યારે પુરુષો જાતીય ઉત્તેજના અનુભવે છે, ત્યારે તેમનું શિશ્ન સખત અને ટટ્ટાર થઈ જાય છે. જ્યારે ઉગ્ર ઉત્તેજનાનો અતિરેક અનુભવે છે ત્યારે તેમના સ્નાયુઓ સંકોચાય છે અને સ્ખલન થાય છે. આ ઉપરાંત, પુરુષો હસ્તમૈથુન કરે છે ત્યારે તેઓ આપોઆપ ઓર્ગેઝમ અનુભવે છે. જ્યારે સેક્સ દરમિયાન છોકરાનું સ્ખલન થાય છે, ત્યારે તે સમાગમક્રિયા કરવાનું બંધ કરી દે છે. આ સમયે લિંગનો ટોચનો ભાગ વધુ સંવેદનશીલ હોય છે. જો તમે તેને સ્પર્શ કરો, તો તે ખૂબ જ અસ્વસ્થતા અનુભવી શકે છે. જ્યારે છોકરીઓ ઘણી વાર ઓર્ગેઝમ અનુભવ્યાં પછી પણ થોડા સમય માટે ક્રિયા ચાલુ રાખવાનું પસંદ કરે છે. સંવેદનશીલ ભાગ હકીકતમાં પુરષોનું આખું શરીર તેમને આનંદ આપી શકે છે, પરંતુ કેટલીક જગ્યાએ સ્પર્શ કરવાથી વધુ આનંદ મળે છે. પુરુષોમાં આ સ્થાનમાં તેમના શિશ્ન, અંડકોષ અને ખાસ કરીને લિંગનો ટોચનો ગુલાબી ભાગ છે. તે સાથે જ ગરદન, હાથ, છાતી અને નિતંબ પણ સંવેદનશીલ છે. છોકરાઓના શિશ્નમાં અચાનક તણાવ પણ આવી શકે છે. તેમાં શરમાવા જેવું કંઈ નથી અને તે કોઇ સંકેત પણ નથી કે સેક્સ કરવાનો સમય આવી ગયો છે. ઝડપી સ્ખલન અટકાવો કેટલીક વાર કેટલાક પુરુષો સંભોગ દરમિયાન ખૂબ જ ઝડપથી ઓર્ગેઝમ અનુભવે છે. સમાગમ ક્રિયા દરમિયાન બંનેને લાગે કે ખૂબ જ ઝડપથી સમાપ્ત થઈ ગયું છે તો મહિલાએ આવા સમયે પુરુષોની આ સ્થિતિને સમજવી જરૂરી છે. પુરુષ ફક્ત કોઇ મહિલાના સ્પર્શથી જ સ્ખલિત થઇ ગયો હોય તો ફરીથી તેમની સાથે વધારે સમય ફોરપ્લે દ્વારા વિતાવીને લિંગને સમાગમ માટે તૈયાર કરી શકો છો. થોડા સમયમાં સ્ખલિત થવાની ક્રિયાથી ડરવાની, ગભરાવાની, શરમાવાની કે પોતાને નબળા હોવાનું માનવાની જરૂર નથી. ઉગ્ર ઉત્તેજનાના અતિરેકમાં વિલંબ ન થાય તે માટે કેટલીક વાતોને ધ્યાનમાં રાખીને ચાલવું જરૂરી છે. એક ટેક્નિકમાં તમે સમાગમક્રિયા દરમિયાન વચ્ચે વચ્ચે બ્રેક લો એટલે કે ક્રિયા દરમિયાનની ગતિને ધીમી કરવાની છે. જેથી તમે ક્રિયાને વધારે સમય સુધી ખેંચી શકો છો. સાથે સાથે તમારું ધ્યાન શરીરના અન્ય ભાગો તરફ વાળો. શિશ્ન અને યોનિની ક્રિયાની સાથે શરીરના બીજા અંગોને પ્રાધાન્ય આપો. સમાગમ ક્રિયા સિવાય બીજું કંઈક વિચારો. ચુંબન ક્રિયાને મહત્ત્વ આપી શકો છો. શરીરના ભાગોને સહેલાવીને પંપાળી શકો છો. આ રીતે ધીરે ધીરે ક્રિયા કરતાં કરતાં પણ આ પ્રવૃત્તિ કરી શકો છો. આ રીતે તમે લાંબા સમય સુધી ક્રિયાનો આનંદ માણી શકો છો અને ઇચ્છો ત્યારે ઓર્ગેઝમ મેળવી શકો છો. સાથે જ તમારા પાર્ટનરને સંપૂર્ણ તૃપ્ત કરી શકો છો. સમાગમ પછી પણ આનંદ સમાગમ કર્યા પછી એકબીજાંની બાજુમાં સૂવું, એકબીજાનાં હાથમાં હાથ ભરાવવો, સ્નેહ કરવો અને સરસ વાતો કરવી એ સારી આદત હોય છે. ખાસ કરીને ઘણી મહિલાઓ માટે સમાગમ પછીની સેક્સ્યુઅલ એક્ટિવિટી ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. આ કારણે સમાગમ પછી તરત જ છૂટાં ન પડી જવું. કેટલીક વાર આ જ શરીર સ્પર્શ ફરીથી બંનેને બીજી સમાગમક્રિયા માટે તૈયાર કરવામાં મદદરૂપ બને છે. medha.pandya@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.