વુમન ઇન ન્યૂઝ:રજિતા શાહ : મૂળ ગુજરાતની દીકરીએ બ્રિટનમાં મેળવી ઝળહળતી સફળતા

મીતા શાહ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલમાં બ્રિટિશ એકેડમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટ્સ (બાફ્ટા) બ્રેક-થ્રૂ 2021ની યાદીમાં મૂળ સુરતનાં પણ હાલમાં લંડન રહેતાં રજિતા શાહની પસંદગી થઇ છે. આ યાદીમાં યુ.કે.માં કામ કરતા 25 અભિનેતાઓ, દિગ્દર્શકો, નિર્માતાઓ, લેખકો, સિનેમેટોગ્રાફર્સનો સમાવેશ કરવામાં આવે છે. 2021માં આ સન્માન મેળવનારાં એકમાત્ર ભારતીય રજિતા શાહ છે. સુરત કનેક્શન રજિતા મૂળ સુરતના બિઝનેસમેન રાજન શાહ અને મિતા શાહનાં દીકરી છે. તેમને બહુ નાની વયથી ફિલ્મમેકિંગમાં રસ પડ્યો હતો. પૌરાણિક કથાના વિષયોમાં રસ ધરાવનાર રજિતા ફિલ્મ ઉદ્યોગ ક્ષેત્રમાં કરિયર બનાવવાં ઇચ્છતાં હતાં અને તેમનાં સપનાં પૂર્ણ કરવા માટે 16 વર્ષની ઉંમરમાં મુંબઇ આવી ગયાં. રજિતા ફિલ્મ નિર્માણ ક્ષેત્રે દિગ્દર્શક બનવા ઇચ્છતાં હતાં પણ પછી તેમને અહેસાસ થયો કે તેઓ પ્રોડક્શનનાં ફિલ્ડમાં વધારે સારું કામ કરી શકશે. રજિતાને ફિલ્મમેકિંગમાં રસ હોવાથી તેમણે યુ. એસ. સ્કૂલ ઓફ વિઝ્યુઅલ આર્ટ્સ અને રોયલ હોલોવે લંડન યુનિવર્સિટીનાં પ્રોડક્શન અને ફિલ્મ નિર્માણ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરવાનો વિકલ્પ પસંદ કર્યો. અભ્યાસ પછી તેમણે શોર્ટ ફિલ્મ અને દિગ્દર્શનમાં હાથ અજમાવ્યો પરંતુ આખરે પ્રોડક્શન ક્ષેત્રે કરિયર બનાવવાનો વિકલ્પ પસંદ કર્યો. પ્રોડક્શન કંપનીની શરૂઆત રજિતાએ પ્રોડક્શનમાં માસ્ટર્સના અભ્યાસ બાદ લંડનમાં સ્વતંત્ર પ્રોડ્યુસર તરીકે પોતાની મિરાજ ફિલ્મ્સ કંપની શરૂ કરી. આ પ્રોડક્શન હેઠળ પહેલી ફિલ્મ ‘ઝોહરા : અ મોરક્કન ફેરી ટેઇલ’નું નિર્માણ થયું. ત્યારબાદ 2020માં પ્રોડ્યુસ કરેલી ‘લવ સારાહ’ ફિલ્મને મળેલી સફળતા બાદ રજિતા શાહની ગણતરી ટેલેન્ટેડ પ્રોડ્યુસર તરીકે થવા લાગી છે. તેમણે ભારતમાં પણ ‘લડ્ડુ’ નામની શોર્ટ ફિલ્મ તૈયાર કરી હતી, જે વિવિધ કેટેગરીમાં સન્માનિત થઇ હતી. તાજેતરમાં કોવિડનાં નિયંત્રણો હળવાં થયાં ત્યારે UKમાં રિલીઝ થયેલી પહેલી ફિલ્મ મિરાજ ફિલ્મ્સની ‘લવ સારાહ’ હતી અને એને દર્શકોએ બહુ પસંદ કરી છે. પ્રોડક્શનનાં ફિલ્ડમાં મહિલાઓ રજિતા વર્ષોથી ફિલ્મ પ્રોડક્શન સાથે સંકળાયેલાં છે. આ ફિલ્ડમાં રહેલા પડકારો વિશે જણાવતાં તેઓ કહે છે કે, ‘નાનપણમાં મારાં દાદી અમને શ્રીકૃષ્ણની અને બીજી પૌરાણિક કથાઓ કહેતાં અને મને ધીમે-ધીમે સ્ટોરીટેલિંગમાં રસ પડવા લાગ્યો. જ્યાં સુધી પ્રોડક્શનના ફિલ્ડનો સવાલ છે ત્યાં સુધી ભારત તેમજ બ્રિટનમાં આ ફિલ્ડમાં બહુ ગણીગાંઠી મહિલાઓ છે કારણ કે આ ફિલ્ડમાં અનેક પડકાર છે અને અહીં જગ્યા બનાવવા માટે વર્ષો સુધી આકરી મહેનત કરવાની તૈયારી રાખવી પડે છે.’ ભવિષ્યનું આયોજન બાફ્ટા બ્રેક થ્રુની યાદીમાં થયેલી પસંદગી વિશે રજિતા શાહે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે ‘હું બે દાયકા કરતાં વધારે સમયથી કામ કરી રહી છું અને હવે મને મહેનતનું ફ‌ળ મળી રહ્યું છે. મારી પ્રોડ્યુસ કરેલી ફિલ્મ ‘લવ સારાહ’60 કરતા વધારે દેશોમાં લોકપ્રિય બની છે. હાલમાં હું બીજા કેટલાક પ્રોજેક્ટ પર કામ કરી રહી છું. મારું આયોજન 1923થી 1970ના સમયગાળા દરમિયાન UKની એક મહિલા ફૂટબોલરના વાસ્તવિક જીવન પર ફિલ્મ બનાવવાનું છે. જો ભવિષ્યમાં કોઇ પ્રોજેક્ટની જરૂરિયાત હશે તો હું ચોક્કસપણે ટેલેન્ટેડ ભારતીય કલાકારો સાથે કામ કરવાનું પસંદ કરીશ. હું જ્યારે કરિયરની શરૂઆત કરી રહી હતી ત્યારે હું બોલિવૂડને સારી રીતે ઓળખતી નહોતી. જોકે મને જ્યારે બોલિવૂડની ફિલ્મોમાં રસ પડવા લાગ્યો ત્યારે મેં અમેરિકામાં ફિલ્મમેકિંગનો અભ્યાસ શરૂ કરી દીધો હતો.’

અન્ય સમાચારો પણ છે...