તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેરેન્ટિંગ:બાળકને સજા આપો પણ સમજી-વિચારીને...

મમતા મહેતા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળકને ખુલાસાની તક આપ્યા પછી એને સજા શું કામ આપવામાં આવી છે એની સ્પષ્ટતા બાળક સાથે થવી જરૂરી છે

દરેક બાળક ક્યારેક તો માતા-પિતા દ્વારા આપવામાં આવતી સજાનો સામાનો કરી ચૂક્યું હોય છે. બાળક બહુ તોફાન કરતું હોય કે એનું વર્તન અયોગ્ય હોય ત્યારે તેની કેળવણીનાં ભાગરૂપે માતા-પિતા દ્વારા કડક પગલાં ભરવામાં આવે છે. હકીકતમાં સજાની વિભાવના ખોટી નથી પણ આ સજા સમજીવિચારીને આપવામાં આવી હોવી જોઇએ. યોગ્ય સજા બાળકને પશ્ચાતાપની તક આપે છે. સજા એ કોઈ ક્રૂરતા નથી, પણ સજા મનને કેળવવાં માટે છે. દરેક માતા-પિતા ઇચ્છે છે કે, તેમનું બાળક શાલીન, સંસ્કારી, આજ્ઞાકારી હોય, પરંતુ સારો વ્યવહાર શિખવાડવા માટે જરૂરી નથી આપણે દરેક વખતે તેમની ભૂલો શોધી બાળકને ધમકાવીએ. જો બાળક સાથે હંમેશાંં કડક વ્યવહાર કરવામાં આવે તો બાળકને લાગે છે કે માતા-પિતા તેની સાથે નથી. તેની કોઇ પણ વાત પર વિશ્વાસ નહીંં કરે. આ સ્થિતિમાં બાળક માતા-પિતા સાથે વાતચીત કરવાનું ઓછું કરી નાખે છે. બાળક ચીડિયું બની જાય છે. ઘણી વાર પેરેન્ટ્સ સામે વિદ્રોહી પણ બની જાય છે. }ગુસ્સામાં ન લો નિર્ણય : બાળક કોઈ ભૂલ કરે ત્યારે ઉતાવળમાં ઉગ્રતાની લાગણીથી પ્રેરાઇને સજા કરીને કોઈ ફાયદો થતો નથી. બાળક પર ગુસ્સે થઈને હાથ ઉપાડી દેવો એ સજા આપવાનો સૌથી સહેલો રસ્તો છે પણ આનાથી બાળકનાં માનસ પર બહુ નકારાત્મક અસર પડે છે. બાળક પર હાથ ઉપાડવાથી એ માર તો ખાઇ લે છે પણ જે માર ખાય છે એ જ મારતાં શીખે છે. ઘણી વાર એવું બને છે કે બાળકનાં તોફાનને રોકવા, તેની ભૂલને સુધારવા માટે આપણે તેમની સાથે કડક વ્યવહાર કરીએ છીએ. સંતાનને અનુશાસનમાં લાવવા માટે દબાણ કરીએ છીએ જેની અસર બાળક પર થોડીક વાર સુધી કે થોડાક કલાક સુધી રહે છે. પાછું સંતાન હતું તેવું ને તેવું થઇ જાય છે. હકીકતમાં બાળમાનસ બદલાઇ રહ્યું છે એટલે માતા-પિતાએ પણ પોતાની માનસિકતા બદલવી પડશે. }સાંભળો બાળકની વાત : બાળક દ્વારા નોંધપાત્ર ગેરવર્તન થાય ત્યારે પહેલાં એ પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરો. બાળકને ખુલાસાની તક આપ્યાં પછી એને સજા શું કામ આપવામાં આવી છે એની સ્પષ્ટતા બાળક સાથે થવી જરૂરી છે. આવી રીતે વર્તવાથી બાળકને તમારા વર્તન પર વિશ્વાસ પડશે અને ખાતરી થશે કે તેના મમ્મી પપ્પા કાચા કાનનાં નથી, તેથી લાગતા વળગતા સહુને સાંભળીને યોગ્ય નિર્ણય કરશે. સજા આપવાની પ્રક્રિયા દરમિયાન બાળક સાથે પૂરતી સહાનુભૂતિથી વર્તવું જોઈએ. બાળક ખરાબ નથી પણ ગુનો ખરાબ છે, એ વાત પકડી રાખી બાળક પાસે કબૂલ કરાવવું જોઈએ કે એ વર્તન સ્વીકાર્ય નથી. } બાળક નથી પેરેન્ટ્સની સંપત્તિ : માતા-પિતા બાળકો કરતાં દરેક સ્થિતિમાં મજબૂત હોય છે જેથી તેઓ આસાનીથી બાળકોને સજા આપી શકે છે. કેટલાક પેરેન્ટ્સ તો બાળકો પર પોતાનો અધિકાર દર્શાવવા માટે બાળકોના દરેક વર્તનને નિયંત્રિત કરતાં હોય છે જે સદંતર ખોટું છે. આ વર્તનથી અજાણપણે જ બાળકોના મનમાં માતા-પિતા માટે ડર બેસી જાય છે. તેમનો આત્મવિશ્વાસ નબળો પડતો જાય છે. માતા-પિતાએ સમજવું જોઇએ કે બાળક તેમની સંપત્તિ નથી. બાળકને તમારી વાત મનાવવા માટે કે તેને સુધારવા માટે, સાચા રસ્તા પર લાવવા માટે તેને ડરાવવાનો અને ધમકાવાનો એક જ રસ્તો નથી.

અન્ય સમાચારો પણ છે...