વુમન ઇન ન્યુઝ:પી.ટી. ઉષાએ મેળવી IOAનાં પ્રથમ મહિલા પ્રમુખ બનવાની સિદ્ધિ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

રિટાયર્ડ ઇન્ડિયન ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લેટ પી.ટી. ઉષા ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. IOAના 95 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલા પ્રમુખ બન્યા છે અને આ સિદ્ધિ પી.ટી. ઉષાએ મેળવી છે. પી.ટી. ઉષાનું નામ ભારતીય એથ્લેટ્સના ઇતિહાસમાં સુવર્ણઅક્ષરે લખાયેલું છે પણ તેમણે આ સ્થાન પર પહોંચવા માટે ભારે મહેનત કરી છે . કેરળમાં જન્મ પિલૂવાલકંડી થેક્કેપરમબિલ ઉષા (પી.ટી. ઉષા)નો જન્મ 27 જૂન, 1964ના દિવસે કેરળના તટીય શહેર કોઝીકોડના કોથલી ખાતે થયો હતો. તેમના પિતા ઈ. પી. એમ. પ્યાથલની પાયોલીમાં કાપડની દુકાન હતી અને તેમના માતાનું નામ લક્ષ્મી હતું. ઉષા ચોથા ધોરણમાં હતાં ત્યારથી તેમણે દોડવાનું શરૂ કર્યું હતું, શાળાના શારીરિક શિક્ષણના ટીચરે ઉષાની ડિસ્ટ્રિક્ટ ચૅમ્પિયન છોકરા સાથે સ્પર્ધા કરાવી હતી. એ છોકરો અને ઉષા એક જ સ્કૂલમાં ભણતાં હતાં. એ સ્પર્ધા ઉષા જીતી ગયાં હતાં. એ પછીનાં કેટલાંક વર્ષો સુધી તેઓ જિલ્લાસ્તરની દોડ સ્પર્ધા તેમની સ્કૂલ માટે જીતતા રહ્યાં હતાં. ઉષા 13 વર્ષનાં થયાં અને કેરળ સરકારે છોકરીઓ માટે શરૂ કરેલા સ્પૉર્ટ્સ ડિવિઝનમાં જોડાયાં ત્યારે તેમની ખરી કારકિર્દી શરૂ થઈ હતી. હકીતમાં પી.ટી. ઉષાનો ઉછેર તેમના પૈતૃક ગામ પાયોલીમાં થયો હતો અને એટલે જ તેમને ‘પાયોલી એક્સપ્રેસ'નું ઉપનામ પણ આપવામાં આવ્યું હતું. સ્પોર્ટ્સની સિદ્ધિઓ સ્પૉર્ટ્સ ડિવિઝનની સ્કૂલમાં પી.ટી. ઉષાની મુલાકાત તેમના દંતકથારૂપ પ્રશિક્ષક ઓમ નામ્બિયાર સાથે થઈ હતી. એ મુલાકાત પછી પી.ટી. ઉષાની કરિયરમાં વેગ આવ્યો હતો. નામ્બિયારને પી.ટી. ઉષામાં સ્પાર્ક દેખાયો હતો. તેમણે પી.ટી. ઉષાને પ્રોત્સાહન આપ્યું અને દમદાર એથ્લેટ બનવામાં મદદ કરી. પિતાનો મોટો ફાળો પી.ટી. ઉષા બાળપણમાં બહુ પાતળી અને નબળી હતી. આ કારણોસર તે બહુ બીમાર રહેતી હતી. આ કારણે તેના પરિવારજનોને તેની બહુ ચિંતા સતાવતી હતી. તે વારંવાર બીમાર પડી જતી હોવાથી એને અનેક વાર સ્કૂલમાંથી રજા લેવી પડતી. પી.ટી. ઉષા અને એ બધા મળીને છ ભાઈ-બહેન હતાં અને બધાનો સારી રીતે ઉછેર કરવાનું કામ બહુ મુશ્કેલ હતું. આમ, છતાં તેમના પિતાએ બાળકોનાં શિક્ષણ અને સર્વાંગી વિકાસમાં પૂરતો રસ લીધો. એક ઇન્ટરવ્યૂમાં પરિવારના સપોર્ટ વિશે વાત કરતા પી.ટી. ઉષાએ જણાવ્યું છે કે, ‘મારા એક કાકા સ્કૂલમાં શિક્ષક હતા. તેથી સ્પૉર્ટ્સમાં ભાગ લેવાની પરવાનગી માતા-પિતા પાસેથી મેળવવાનું મારા માટે થોડું સહેલું બની ગયું હતું. મને મારા પરિવારે ટેકો આપ્યો એટલું જ નહીં, પણ ટ્રેનિંગ માટે પણ પ્રોત્સાહન આપ્યું હતું. મારા પિતા મેદાન પર આવતા હતા. હું વહેલી સવારે દોડવા જતી અને મેદાનમાં સંખ્યાબંધ કૂતરાં હતાં તેથી મારા પિતા કૂતરાંઓને ભગાડવા માટે લાકડી લઈને બેસતા હતા. મારો પરિવાર હંમેશાં મારા સપોર્ટમાં રહ્યો છે.’ સિઓલમાં સપાટો દક્ષિણ કોરિયાના સિઓલમાં 1986માં યોજાયેલી એશિયન ગેમ્સમાં પી.ટી ઉષાએ ચાર ગોલ્ડમેડલ જીત્યાં હતાં અને પોતાના નામે મોટી સિદ્ધિ મેળવી લીધી હતી. તેઓ 400 મીટર વિઘ્ન દોડ, 400 મીટર દોડ, 200 મીટર અને 4 બાય 4000 મીટર રીલે દોડ એમ ચારેય સ્પર્ધામાં એક-એક ગોલ્ડ જીત્યાં હતાં. 100 મીટર દોડમાં તેઓ બીજા ક્રમે રહ્યાં હતાં. ભારત એ સમયે કુલ પાંચ ગોલ્ડમેડલ જીત્યું હતું અને એ પૈકીના ચાર પી. ટી. ઉષા જીત્યાં હતાં. તેમની આ સિદ્ધિ અભૂતપૂર્વ ગણાય છે.

પી.ટી. ઉષાએ મેળવેલી સિદ્ધિઓ
માત્ર 13 વર્ષની વયે 1977માં પી.ટી. ઉષાએ કેરળમાં યોજાયેલી નેશનલ એથ્લિટ કોમ્પિટિશનમાં એક નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો.
16 વર્ષની વયે તેમણે 1980માં મોસ્કો ઓલિમ્પિક્સમાં એથ્લિટ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. આ પછી તેઓ ઓલિમ્પિકમાં ભાગ લેનારાં સૌથી નાની વયની મહિલા બની ગયાં હતાં.
તેઓ ભારતના પહેલા મહિલા એથ્લિટ બન્યા જેમણે એથ્લિટ કોમ્પિટિશનમાં ભાગ લીધો અને ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવ્યું.
લોસ એન્જલસ ઓલિમ્પિકમાં 400 મીટર વિઘ્ન દોડમાં ભાગ લઇને પછી આ દોડ 55.42 સેકંડમાં પૂરી કરીને ભારતનો નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો.
34 વર્ષની વયે તેમણે 1998માં બીજિંગમાં યોજાયેલ એશિયન ગેમ્સમાં ભાગ લીધો અને મોટી વયે રેસ જીતનાર ભારતીય મહિલાની સિદ્ધિ મેળવી.
1983માં ઉષાને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો અને 1985માં તેમને દેશનો ચોથા ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...