કવર સ્ટોરી:મોટિવેશનલ સ્પીકર્સની વાતો કરતાં સાઇક્યિાટ્રિસ્ટનાં પ્રિસ્ક્રિપ્શન સો દરજ્જે સારાં!

એક મહિનો પહેલાલેખક: એષા દાદાવાળા
  • કૉપી લિંક

આજે મારે તમને બધાને એક સવાલ પૂછવો છે તમે દિવસમાં કેટલીવાર મોટિવેશનલ વાતોની કેપ્સ્યૂલ ગળો છો? મોટિવેશનલ વિચારો સાંભળતા રહેવાનું તમને વ્યસન થઇ ગયું છે? કોઇપણ મુશ્કેલીમાં મૂકાઓ કે તરત જ મોટિવેશનલ વિડીયો સાંભળવા કે મોટિવેશનલ બાબા કે બાબીઓને વાંચવા બેસી જાવ છો? તો કડવી અને સ્વીકારવી પડે એવી વાસ્તવિકતા એ છે કે તમે ડિપ્રેશનનાં દર્દી છો અને તમને મોટિવેશનલ બાબા કે બાબીઓ કરતા કોઇ સારા સાઇકિયાટ્રિસ્ટ અને સાઇકોલોજિસ્ટની સખત જરૂર છે. જીવનમાં મોટિવેશનની જરૂરત પડતી હોય છે એની જરાયે ના નથી. કદમ ધ્રૂજી જાય ત્યારે, છાતીમાં વાવાઝોડાં ફૂંકાય ત્યારે, પરસેવે રેબઝેબ થઇ જવાય ત્યારે, બંધ થઇ ગયેલા દરવાજાઓ વચ્ચે એકાદો દરવાજો ખોલવાનો હોય ત્યારે, આંસુઓની નદીમાં સપનાંની અસ્થિ વહાવવાની હોય ત્યારે, મરી ગયેલી ઇચ્છાઓની ઠંડી પડી ગયેલી ચિતાને ખુલ્લી આંખે જોયા કરવાની હોય ત્યારે... ફિનિક્સ પંખીનાં ઉદાહરણોની, માથું ઉઠાવી ખુલ્લી આંખે દુનિયા જોનાર શાહમૃગની કહાનીઓની, રણમાં ઉગાડેલાં વૃક્ષનાં ગીતોની, બે અવતરણ ચિહ્નો વચ્ચે લખાતા ક્વોટેબલ ક્વોટ્સ જરૂરી થઇ પડે છે, પણ મોટિવેશનનો આવો ઓવરડોઝ ઊંઘની ગોળીના ઓવરડોઝ કરતા પણ વધારે નુકસાનકારક સાબિત થતો હોય છે. આપણે ત્યાં ઘણાં એવા લોકો છે જે રોજ સવાર પડ્યે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ઠલવાતા મોટિવેશનલ દરિયામાં મોઢું ધોઇ આવે છે. ખાસ સમજવા જેવી વાત એ છે કે આવી મોટિવેશનલ વાતોની આદત સારી નથી. સાઇકોલોજી એવું કહે છે કે જ્યારે તમે મોટિવેશનલ વાતો સાંભળો છો ત્યારે એ સાંભળવામાં ખૂબ સારી લાગે છે. ફ્લેટ થઇ ગયેલા ટાયરમાં જે રીતે હવા ભરીએ એમ એ આપણી અંદર હવા ભરી આપે છે પણ જ્યારે એ વાતોને જીવનમાં ઉતારવાની આવે ત્યારે એ ઉપયોગમાં આવતી નથી. ‘ક્યારેય કોઇનાથી ડરવું નહીં...!’, ‘જીવનમાંથી લોભને માઇનસ કરી દો!’, ‘સફળ થવા માટે રાત-દિવસ જોયા વિના બસ કામ, કામ અને કામ કરો!’, ‘જીવનમાં પ્રેમ એ એક અવસ્થા છે, પ્રેમમાં મળવું જરૂરી નથી!’, ‘પ્રેમ તો જરૂરિયાતોથી પર હોય…!’, ‘કોઇનું સાંભળવાનું નહીં... એ જ કરો જે તમે નક્કી કર્યું હોય...!’ વગેરે વગેરે વાતો ફેસબુકનાં સ્ક્રીન પર કે યુ-ટ્યૂબની ચેનલમાં જ સારી લાગે, એને ડિટ્ટો જીવનમાં ઉતારવી અઘરી હોય છે. આવી વાતો તમને એક કૈફમાં રાખે છે. વાસ્તવિકતા સાથેનું તમારું જોડાણ કાપી નાંખે છે. હવે જ્યારે તમે આવી વાતો રોજ સાંભળ્યા કરો છો, રોજ એની આદત પાડો છો ત્યારે તમે એને જ સાચી માનવા માંડો છો અને તમારી સાથે રહેતી વ્યક્તિઓ પાસેથી એવી જ અપેક્ષાઓ પણ રાખવા માંડો છો. સાઇક્યિાટ્રિસ્ટ્સ કહે છે કે એક હદ કરતા વધારે મોટિવેશનલ વાતો સાંભળતા રહો છો ત્યારે તમારી સાઇકિક એનર્જી જુદી દિશામાં કાર્ય કરવા માંડે છે. મોટિવેશનલ વાતો સાંભળી તમે જે બનવાનું નક્કી કરો છો એ અત્યારે તમે જે છો એનાંથી સાવ વિરુદ્ધ દિશાનું હોય છે અને જેને કારણે ધીમે-ધીમે તમે ડિપ્રેશનમાં સરતા જાઓ છો. સાત દિવસમાં સાત કિલો વજન ઉતારો, ફલાણો મંત્ર બોલો અને પૈસા કમાઓ, છ જ દિવસમાં સિક્સ પેક બનાવી લો, ફલાણી વાર્તા સાંભળો અને તમારો સ્ટ્રેસ દૂર કરો વગેરે વગેરે વિડીયો તમે યુ-ટ્યૂબ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જોતા રહો છો. આ વિડીયો તમારી પાસે એક ઇમ્પલસિવ ગોલ સેટ કરાવે છે પણ આવા ગોલ અવાસ્તવિક હોવાને કારણે તમે એને પૂરા કરી શકતા નથી. નવાઇ લાગે એવી વાત એ છે કે આવા ગોલ પૂરા ન કરી શકનાર ઘણાં લોકો વાસ્તવિકતા સમજવાને બદલે, એને સ્વીકારવાને બદલે નવા વિડીયો કે નવા સ્પીકર્સની શોધમાં લાગી જતા હોય છે. અમેરિકામાં ચાર્લી નામના એક છોકરાએ એક દિવસ એક મોટિવેશનલ વિડીયો સાંભળ્યો. એ વિડીયોનું ટાઇટલ હતું, લેટ્સ થિંક બિગ...! ચાર્લીને એ વિડીયોમાં મજા પડી. એ પછી એણે આવા અનેક વિડીયો જોયા અને પચ્ચીસ-ત્રીસ મોટિવેશનલ પુસ્તકો પણ વાંચી નાંખ્યા. આ બધું કર્યા પછી ચાર્લીએ પોતાનાં જીવનમાં ફેરફાર લાવવાનાં શરૂ કરી દીધા. થિંક બિગ…એટલે એ નાનો વિચાર કરતો જ નહીં. પાંચ હજાર ડોલર એને નાના લાગવા માંડ્યા હતા. એણે મિલિયન્સ ઓફ ડોલર વિશે વિચારવાનું શરૂ કરી દીધું હતું. થિંક બિગ એન્ડ યુ કેન ચેન્જ યોર એનર્જી એન્ડ યુ કેન ડુ વોટએવર વોન્ટ્સ ટુ ડુ વગેરે વગેરે મોટિવેશનલ વાક્યોએ એનાં મનમાં એવી હવા ભરેલી કે એ વાસ્તવિકતાથી દૂર થતો રહ્યો. એ નાનું વિચારતો જ નહીં. એની કેપેસિટી કરતા એણે વધારે ઇચ્છા કરવા માંડી અને નિષ્ફળ થતો રહ્યો. આખરે એ ડિપ્રેશનમાં જતો રહ્યો અને અત્યારે એક કાઉન્સેલરની ટ્રીટમેન્ટ લઇ રહ્યો છે. મોટિવેશનલ વાતો સાંભળવામાં ખૂબ સારી લાગે પણ એ બધી જ વાતો તમે તમારા પર એપ્લાય કરી શકો નહીં. હું જેવી રીતે મારા ડિવોર્સમાંથી બહાર આવી શકી એવી રીતે બધા આવી શકે નહીં. હા, મારી વાતથી ડિવોર્સનાં પેઇનમાંથી બહાર નીકળવાની હિંમત ચોક્કસ કેળવી શકે પણ એ હિંમત કેળવ્યા પછીની બધી પ્રોસેસ એમણે જાતે કરવી પડે. મોટિવેશનલ વાતો કિક જરૂર આપી શકે પણ જેટલા સમયમાં દારૂનો નશો ઉતરી જાય એનાથી પણ ઓછા સમયમાં આવી વાતોનો નશો ઉતરી જતો હોય છે. જો તમને તમારા સંબંધોમાં, તમારી નોકરીમાં, તમારા ધંધામાં, સફળ થવા માટે, ગુસ્સાને શાંત રાખવા માટે, સ્વભાવને બદલવા માટે, વજન ઓછું કરવા માટે-રોજે રોજ મોટિવેશનલ વિડીયો જોવાની કે મોટિવેશનલ વાતો સાંભળવાની આદત પડી ગઇ હોય તો એ આદતને બદલી નાખજો ! બીજી એક વાત ખાસ યાદ રાખજો કે મોટિવેશન એ જ વ્યક્તિ આપી શકે જે કરવતથી વહોરાયું હોય, જેની છાતીએ તિરાડો પડી હોય, જેણે સામી છાતીએ ઘા ઝીલ્યા હોય...! આજકાલ અનેક ઐરા-ગૈરા-નથ્થુગૈરાઓ મોટિવેશનલ વાતોની દુકાન ખોલીને બેસી ગયા છે. મોટિવેશનના આવા ફર્જી માલથી સાવધ રહેજો અને એટલું ચોક્કસ યાદ રાખજો કે બિલાડીના ટોપની માફક ઊગી નીકળેલા મોટિવેશનલ સ્પીકર્સની વાતો કરતા સાઇક્યિાટ્રિસ્ટે લખેલાં પ્રિસ્ક્રિપ્શન સો દરજ્જે સારા હોય છે! dadawalaesha@gmail.com

અન્ય સમાચારો પણ છે...