પેરેન્ટિંગ:બાળકોની સુરક્ષા માટે યોગ્ય ઇન્ટરનેટ સિક્યોરિટી જરૂરી

20 દિવસ પહેલાલેખક: મમતા મહેતા
  • કૉપી લિંક

હાલમાં દરેક વયની વ્યક્તિના જીવનમાં ડિજિટલ દુનિયાએ પગપેસારો કરી દીધો છે. બાળકોમાં પણ આ ડિજિટલ દુનિયા પ્રત્યે ભારે આકર્ષણ પ્રવર્તી રહ્યું છે. બાળકોની કુમળી આંગળીઓ સ્માર્ટફોનની સ્ક્રિન પર બહુ ઝડપથી ફરી રહી છે અને તેઓ ઇન્ટરનેટના માધ્યમથી ગેમ્સ, મૂવી, કાર્ટુન અને ક્યારેક-ક્યારેક સોશિયલ મીડિયાની મજા માણે છે. હવે તો બાળકો સ્કૂલનું હોમવર્ક, અસાઇનમેન્ટ તેમજ પ્રોજેક્ટનું કામ પણ ઓનલાઇન કરવા લાગ્યા છે. બાળકો ઇન્ટરનેટ વિશેની ઘણી વસ્તુઓ જાણવા લાગ્યા છે પણ તેઓ ભાગ્યે જ એના નકારાત્મક પાસાઓથી માહિતગાર હોય છે. આ પરિસ્થિતિ બહુ ખતરનાક છે અને બાળકને ઇન્ટરનેટથી નુકસાન ન થાય એ માટે બાળકોને ઇન્ટરનેટ સાથે જોડાયેલા જોખમની માહિતી હોવી જ જોઇએ. આમ, બાળકની સુરક્ષા માટે યોગ્ય ઇન્ટરનેટ સિક્યુરિટી હોવી જરૂરી છે. ઇન્ટરનેટ સેફ્ટી જરૂરી ઇન્ટરનેટ એ માહિતીનો દરિયો છે. એ શોપિંગથી માંડીને શિક્ષણ સુધીના જીવનના દરેક મહત્ત્વના ક્ષેત્રમાં ઇન્ટરનેટ મદદરૂપ થાય છે. જોકે પૂરતું ધ્યાન રાખ‌વામાં ન આવે તો ઇન્ટરનેટના દુરુપયોગથી ખતરનાક પરિણામ પણ મળી શકે છે અને તમે ઓનલાઇન છેતરપિંડીનો ભોગ પણ બની શકો છો. આવું ન થાય એ માટે બાળકોને ઇન્ટરનેટ વાપરતી વખતે રાખવી પડતી સતર્કતા વિશે માહિતી આપોે. બાળકો માટે બનાવો નિયમ જો તમારું બાળક ઇન્ટરનેટ બ્રાઉઝ કરી રહ્યું હોય તો એને એકલું ન છોડો. બાળક શું કરી રહ્યું છે એનું ધ્યાન રાખો. બાળકને ઇન્ટરનેટ સાથે જોડાયેલી પ્રાઇવસી વિશે જણાવો અને તેમને સ્પષ્ટ શબ્દોમાં કહી દો કે ઇન્ટરનેટ કે સોશિયલ મીડિયા પર ઘરનું સરનામાની, માતા-પિતાના કામની તેમજ ભાઇ-બહેન વિશેની માહિતી શેર ન કરો. બાળક જે પાસવર્ડનો ઉપયોગ કરતું હોય એના વિશે માહિતગાર રહો પણ બાળકને આ પાસવર્ડ સિક્રેટ રાખવા માટે સમજાવો. ઓનલાઇન મિત્રતાને રાખો દૂર બાળકોને સમજાવો કે ઇન્ટરનેટની દુનિયા રિયલ દુનિયા કરતા સાવ અલગ હોય છે. બાળકોને સમજાવો કે પોતાની જાતને ક્યારેય આ ઓનલાઇન દુનિયાનો ભાગ ન બનાવે. ઓનલાઇન મિત્રો સાથે એક અંતર અને પ્રાઇવસી જાળવો અને તેમને ક્યારેય રૂબરૂ મળવાની તૈયારી ન બતાવો. હકીકતમાં ઓનલાઇન મિત્રો ભાગ્યે જ વિશ્વાસપાત્ર હોય છે. સમય નિર્ધારીત કરો બાળકની ઓનલાઇન ગતિવિધિ પર નજર રાખો અને તેમના માટે સમય નક્કી કરો. બાળક સાથે સારી રીતે ચર્ચા કરીને સંયુક્તપણે ઓનલાઇન એક્ટિવિટી માટે સમય નક્કી કરો. આ સિવાય બાળકોને સમજાવો કે એક વખત એ સોશિયલ મીડિયા પર કંઇ પણ પોસ્ટ કરી દેશે તો એને હટાવવાનું મુશ્કેલ થઇ જશે એટલે કંઇ પણ પોસ્ટ કરતા પહેલાં સાવધાન રહેવું જરૂરી છે. આમ, બાળકને સમજાવો કે કંઇ પણ પોસ્ટ કરતા પહેલાં સારી રીતે વિચારવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...