પેરેન્ટિંગ:બાળકોના સંપૂર્ણ વિકાસમાં મદદ કરે યોગની પ્રેકટિસ

16 દિવસ પહેલાલેખક: મમતા મહેતા
  • કૉપી લિંક

દરેક પેરેન્ટ્સ ઈચ્છે છે કે તેના બાળકો શારીરિક અને માનસિક બંને રૂપે સ્વસ્થ બને. હાલમાં બાળકોને મોટાભાગે ઘરમાં જ રહેવાની ફરજ પડી રહી છે ત્યારે બાળકોની ફિઝિકલ એક્ટિવિટી પર પણ ધ્યાન આપવામાં આવે. જો આ સમય દરમિયાન બાળકને નિયમિત રીતે યોગની પ્રેક્ટિસ કરાવવામાં આવે તો એ બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે. યોગ શીખવાની સાચી વય સામાન્ય રીતે પુખ્ત વયના લોકોમાં યોગ શીખવાનું અને યોગ કરવાનું વલણ જોવા મળે છે. જોકે યોગ શીખવાની સાચી ઉંમર છથી આઠ વર્ષની છે કારણ કે જ્યારે હાડકાં અને સ્નાયુઓ નરમ હોય છે, તેમને જે તરફ વાળવા હોય તે તરફ વાળી શકાય છે. જો બાળકોને 6થી 12 વર્ષની અંદર યોગ માટેની તાલીમ આપવામાં આવે તો તેમને ખૂબ ફાયદો થાય છે. શારીરિક વિકાસમાં મદદરૂપ બાળકોને રોજ સ્ટ્રેચ, પ્રાણાયામ, ભુજંગાસન, વૃક્ષાસન, તાડાસન, નટરાજસન જેવા આસનો કરાવવા જોઈએ. આમ કરવાથી બાળકોના શારીરિક વિકાસની સાથે સાથે માનસિક વિકાસમાં પણ વૃદ્ધિ થશે. યોગ કરવામાં સરળ હોય છે અને નિયમિત રીતે યોગ પ્રેક્ટિસ કરવાથી બાળકોનું શરીર સ્થિતિસ્થાપક બની જાય છે. બાળકોને નિયમિત સૂર્યનમસ્કાર, ધનુરાસન, માર્જારાસન, સર્પાસન, ગૌમુખાસન, તાડાસન, શવાસન જેવા આસન કરાવવાથી એ બાળકના સર્વાંગી વિકાસમાં મદદ મળે છે. બાળકની એકાગ્રતામાં વધારો યોગમાં ધ્યાન કરવાના ઘણા બધા પ્રકાર હોય છે. જેમાં કોઈપણ વ્યક્તિએ થોડીવાર માટે શાંત રહેવું પડે છે. આથી યોગ કરવાથી બાળકોની એકાગ્રતા અને સ્મરણ શક્તિમાં વધારો થાય છે. આના કારણે ભણવામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે. ભણતર કે અન્ય કોઈ કારણસર બાળકો તનાવ કે એન્ગ્ઝાયટી ડિસઓર્ડરની ઝપેટમાં આવી જાય છે. જોકે રોજ યોગ કરવાથી બાળકોની માનસિક સ્થિતિ મજબૂત બને છેે. ધ્યાનમાં રાખવાની બાબતો જો બાળક યોગ કરતું હોય તો એ હંમેશાં વડીલની દેખરેખમાં કરો. 6 વર્ષ સુધીના બાળકોએ એક યોગાસન 1 મિનિટથી વધુ ન કરવું. કુલ 15 મિનિટથી વધુ યોગ ન કરો.

અન્ય સમાચારો પણ છે...