તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વુમનોલોજી:અસમાનતા અને ડિપ્રેશનની શક્યતા

મેઘા જોશી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જે પુરુષ અને સ્ત્રીમાં નિર્ણયશક્તિ, આત્મવિશ્વાસ, નીડરતા અને હિંમત જેવા લક્ષણો જોવા મળે છે તેમને ડિપ્રેશન થવાની શક્યતા ઘટે છે

સ્ત્રી અને પુરુષ બોલાય, વંચાય, લખાય કે સંભળાય ત્યારે માત્ર ‘નર’ અને ‘માદા’ જેવાં લિંગભેદ દર્શાવતાં બે શરીરો નહીં, પરંતુ આમ સરખાં અને આમ નક્કર તફાવત દર્શાવતાં બે વ્યક્તિત્વો, બે સ્વભાવો, બે ભિન્ન વર્તન પ્રકારો અને બે વ્યાખ્યા તાદૃશ થાય છે. આદમ અને ઇવથી શરૂ કરો કે xx અને xy ક્રોમોઝોમનાં બંધારણથી શરૂ કરો...સ્ત્રી-પુરુષ દરેક વ્યક્તિને અલગ- અલગ લેન્સના ચશ્માં પહેરીને અલગ-અલગ રીતે દેખાય છે. સ્ત્રી-પુરુષની સમાનતા અને અસમાનતા તેમજ ન્યાય-અન્યાયની ચર્ચા વચ્ચે માનસિક સ્વાસ્થ્યના એક અગત્યના મુદ્દા અંગે ચર્ચા થાય તે જરૂરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ ડિપ્રેશન વૈશ્વિક સમસ્યા છે. સ્ત્રીસહજ સ્વભાવ અને પુરુષસહજ લક્ષણોના ક્યા તફાવતને ડિપ્રેશન જેવી માનસિક બીમારી સાથે સીધો સંબંધ છે તેનું મનોવૈજ્ઞાનિક સંશોધન થયું. સ્ત્રી લાગણીશીલ હોય, સંવેદનશીલ હોય કે ભાવનાત્મક હોય તો પુરુષમાં પણ લાગણી, ભાવના અને સંવેદના હોય જ. જો સ્ત્રી અને પુરુષની લાગણીની સરખામણી કરવાની આવે તો કોઈ પણ પ્રકારના તોલમાપ વગર આપણે સ્ત્રીની લાગણી અંગે વિશ્વાસપૂર્વક કહી શકીએ છીએ. સ્ત્રીને લાગણીશીલ અને પુરુષને રુક્ષ કહીને આપણે ઈમોશનની આંટીઘૂંટી અને તેનાથી થતી માનસિક ગેરવ્યવસ્થાને દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ વાસ્તવિક ચિત્ર વિજ્ઞાન અને સંશોધનને માને છે...આપણી માન્યતાને નહિ. સ્ત્રીને પુરુષની સરખામણીમાં હતાશાનો ભોગ બની ડિપ્રેશન જેવા માનસિક રોગ થાય એવી શક્યતા વધુ હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે દરેક સ્ત્રીમાં પુરુષ જેવાં અમુક લક્ષણો અને દરેક પુરુષમાં સ્ત્રી જેવાં લક્ષણો હોય છે. આ લક્ષણોનાં સંતુલનનું કોઈ માપન નથી અને તે છતાં જળવાઈ જાય છે. આજે વિશ્વમાં કોરોના મહામારીની જેમ માનસિક રોગમાં સૌથી વધુ વ્યાપ ડિપ્રેશનનો જોવા મળે છે. આથી સમયાંતરે તેનાં લક્ષણો, તેની ગંભીરતા તેમજ સૌથી વધુ ખતરો હોય તેવા સમાજના વર્ગના જીવન અંગે સંશોધન થાય તે જરૂરી છે. કોઈ એક વ્યક્તિ બાયોલોજિકલી માદા હોય એટલે હતાશાની શક્યતા વધી જાય? ડિપ્રેશનનાં સંશોધન દરમિયાન સ્ત્રીના મનોસામાજિક રોલ અંગે સૌથી વધુ ચર્ચા થઇ. ચાઈનીઝ સાયલોજિકલ સોસાઈટીના પ્રોફેસર હોંગ લીનાં સંશોધનમાં ચાલીસ વર્ષમાં વધી ગયેલા ડિપ્રેશનના કેસ અને તેમાં લૈંગિક તફાવતના મુદ્દા અંગે મનોવૈજ્ઞાનિક કસોટી સાથેનાં તારણ અને કારણ સમજવા જેવાં છે. સ્ત્રીઓ વધુ લાગણીશીલ હોય છે. સેકન્ડ જેન્ડર હોવાને કારણે સમાજમાં થતાં શોષણ, અંત:સ્ત્રાવી ગ્રંથિઓની અનિયમિતતા, અભિવ્યક્ત નહીં થઇ શકવાની સ્થિતિ વગેરે ડિપ્રેશનનાં કારણો હોય તે સૌ જાણે છે. ડિપ્રેશન અને લૈંગિક તફાવતના અભ્યાસમાં સમાજ, ઉંમર, શિક્ષણ અને સંસ્કૃતિ જેવાં પરિબળો પણ અગત્યનાં છે. તાજેતરનાં સંશોધન સ્ત્રી અને પુરુષને અલગ પાડીને પારંપરિક અને રૂઢિગત વ્યાખ્યા નથી આપતાં. સ્ત્રી અને પુરુષમાં રહેલાં સ્ત્રૈણ લક્ષણો અને પૌરુષ લક્ષણોને ધ્યાનમાં રાખીને ડિપ્રેશનનો તુલનાત્મક અભ્યાસ થયો. જે પુરુષ અને સ્ત્રીમાં નિર્ણયશક્તિ, આત્મવિશ્વાસ, નીડરતા, જતું ન કરવાની ટેવ અને હિંમત જેવા લક્ષણો વધુ જોવા મળે છે તેમને ડિપ્રેશન થવાની શક્યતા ઘટે છે. જો એક સ્ત્રી અને પુરુષ બંનેમાં મસ્ક્યુલાઇન લક્ષણો વધુ હોય તો ડિપ્રેશન થવાની શક્યતા ઓછી રહે છે. ડિપ્રેશન જેવા મનોરોગનું પ્રમાણ ઘટે તે માટે વધુ અભ્યાસ થાય અને વધુ સમજ વિકસે તે જરૂરી છે. meghanajoshi74@gmail.com

અન્ય સમાચારો પણ છે...