રસથાળ:રસોડામાં ચલાવો મટર મેજિક

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તાજા વટાણાની સીઝન આવે એટલે તરત જ લીલા વટાણાની વિવિધ વાનગીઓ યાદ આવી જાય. આ વખતે માણીએ વટાણાથી બનતી સ્વાદિષ્ટ વાનગીઓ. આ વાનગીઓ રોજિંદી રસોઈમાં કંઇક નવો સ્વાદ અને હટકે સ્વાદ સાથે પરિવારને અચૂક ખુશખુશાલ કરી દેશે. વળી, આ વાનગીઓ બાળકોને પણ બહુ ભાવે છે એટલે તેઓ પણ એનો આનંદ માણશે.

- રિયા રાણા

સીઝનલ તાજા વટાણાને આ રીતે કરો ફ્રોઝન :
વટાણા સ્ટોર કરવા માટે તેને પાણીમાં ઉકાળો. પાણીમાં ઊભરો આવે ત્યારે તેમાં મીઠું અને ખાંડ નાંખો. આમાં પછી વટાણા નાખી બે વાર ઊભરો આવવા દો અને ગેસ બંધ કરી દો. પાણી ઠંડુ થાય એટલે પાણી સાથે જ વટાણાને નાના નાના પેકેટમાં ભરી ફ્રીઝરમાં પોલિથીનની થેલીમાં ભરી દો. આમ કરવાથી વટાણા લાંબા સમય માટે તાજા અને મુલાયમ રહેશે અને બગડશે નહિ.

લીલા વટાણાનું સેવ ઉસળ
સામગ્રી : લીલા વટાણા-200 ગ્રામ, તેલ-2 ચમચી, ટામેટાં-3 નંગ, જીરું-1 ચમચી, હિંગ-ચપટી, કાશ્મીરી લાલ મરચું પાઉડર-1 ચમચી, હળદર-અડધી ચમચી, ધાણાજીરું-1 ચમચી, આમચૂર પાઉડર-1 ચમચી, ગરમ મસાલો અથવા સેવ ઉસળનો મસાલો-1 ચમચી, મીઠું-સ્વાદાનુસાર, ચણાનો લોટ-1 ચમચી, સમારેલી કોથમીર-2 ચમચી, સમારેલા લીલાં મરચાં-2 ચમચી, આદુંનો ટુકડો-1 નંગ, સુકા લાલ મરચાં-1 નંગ, મીઠો લીમડો-4 થી 5 નંગ
રીત : કૂકરમાં વટાણાને ટામેટાંના ટુકડા સાથે બાફી લો. એક જ સીટી વગાડવી. ફરીથી એ જ કૂકરમાં તેલ મૂકી તેમાં જીરું, હિંગ, મીઠો લીમડાનો વઘાર કરો. બાફેલા વટાણા અને ટામેટાં સાથે હવે તેમાં મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, આમચૂર પાઉડર, ઝીણા સમારેલા આદુંં-મરચાં ઉમેરવા. ત્યારબાદ 2 કપ ગરમ પાણી ઉમેરી 5 મિનિટ માટે ધીમી આંચ પર ઢાંકીને ચડવા દો. 2 ચમચી પાણીમાં 1 ચમચી ચણાનો લોટ મિક્સ કરી આ મિશ્રણને કડાઈમાં ઉમેરી 5 મિનિટ બાદ ગેસ બંધ કરી સમારેલી કોથમીર ઉમેરી દો. આ સેવ ઉસળ પછી સમારેલી ડુંગળી તથા ગ્રીન ચટણી સાથે સરસ લાગે છે.

શાહી મટર પુલાવ
સામગ્રી : બાસમતી ચોખા-1 કપ, તાજાં લીલા વટાણા-અડધો કપ, ઘી-3 ચમચી, તજનો ટુકડો-1 નંગ, લવિંગ-6 નંગ, ઈલાયચી-3 નંગ, જીરું-1 ચમચી, તમાલપત્ર-2 નંગ, લીલાં મરચાં- 3 થી 4 નંગ, આદુંની છીણ-પા ચમચી, ડુંગળી લાંબી સ્લાઈસ કરી સમારેલી- 1 નંગ, ગરમ મસાલો-1 ચમચી, કાજુ ટુકડા-2 ચમચી, કાજુ પેસ્ટ-2 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, લીંબુનો રસ-1 ચમચી, કોથમીર-સજાવટ માટે
રીત : બાસમતી ચોખાને ધોઇને 1 કલાક પલાળી રાખો. કાજુની પેસ્ટ બનાવવા માટે 2 ટેબલ સ્પૂન કાજુના ટુકડાંમાં થોડું ગરમ પાણી નાખીને મિક્સરમાં પેસ્ટ બનાવી લો. પુલાવ બનાવવા માટે બઘી સામગ્રી તૈયાર રાખો. એક કૂકરમાં ઘી ગરમ કરી તેમાં તજ, લવિંગ, જીરું, ઈલાયચી, તમાલપત્ર ઉમેરી વઘાર કરો. ત્યારબાદ સમારેલી ડુંગળી, લીલાં મરચાં અને આદું ઉમેરી 1 મિનિટ માટે સાંતળો. કાજુનાં ટુકડાં નાખીને સોનેરી રંગના થાય ત્યાં સુધી સાંતળો. કાજુની પેસ્ટ ઉમેરીને 1 મિનિટ માટે સાંતળો. તાજાં લીલા વટાણા ઉમેરો અને 2 મિનિટ માટે સાંતળો. હવે પલાળેલા બાસમતી ચોખા ઉમેરી સાંતળો. ગરમ મસાલો, મીઠું, લીંબુનો રસ, જરૂરિયાત મુજબ પાણી ઉમેરી 2 સીટી વગાડો. કૂકર ઠરે એટલે પુલાવને સર્વિંગ બાઉલમાં કાઢી સમારેલી કોથમીર ભભરાવી સર્વ કરો. ગુજરાતી કઢી અથવા રાયતા સાથે ગરમાગરમ સ્વાદિષ્ટ શાહી મટર પુલાવ સર્વ કરો.

ઢાબા સ્ટાઈલ મટર પનીર
સામગ્રી : પનીર-250 ગ્રામ, વટાણા-1 કપ, ડુંગળી-4 નંગ, સમારેલા ટામેટાં-3 નંગ, લસણની કળી-10થી 12 નંગ, આદુંં-1 ટુકડો, તલ-1 ચમચી, સૂકું લાલ મરચું-1 નંગ, લાલ મરચું પાઉડર-દોઢ ચમચી, પંજાબી સબ્જી મસાલો-1 ચમચી, જીરું-પા ચમચી, હિંગ-ચપટી, મીઠું-સ્વાદ મુજબ, ઘી-4 ચમચી
રીત :
સૌપ્રથમ મિક્સરમાં ડુંગળી, લસણ, તલ તથા આદુંં નાખી ગ્રેવી બનાવો. ત્યારબાદ ટામેટાંની ગ્રેવી બનાવવી. વટાણા ગરમ પાણીમાં ઉકાળી ને તેમાં પનીરના ટુકડાઓ નાખી ઢાંકી દેવું. હવે એક પેનમાં ઘી ગરમ થાય એટલે જીરું તથા હિંગ ઉમેરી સૂકાં લાલ મરચાં, ચપટી લાલ મરચું અને ડુંગળીની ગ્રેવી ઉમેરી 3 મિનિટ માટે સાંતળી હવે તેમાં ટામેટાંની ગ્રેવી ઉમેરવી. સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું અને પંજાબી સબ્જી મસાલો ઉમેરી બરાબર હલાવતા રહેવું. ગ્રેવી ઉકળે એટલે તેમાં વટાણા અને પનીર પાણીમાંથી નિતારી ગ્રેવીમાં ઉમેરવા. આ ગ્રેવીને 5થી 7 મિનિટ ઢાંકીને ચડવા દો. છેલ્લે 2 ચમચી મલાઈ ઉમેરી 2થી 3 મિનિટ રાખી ગેસ બંધ કરો. ધાબા સ્ટાઇલ મટર પનીર સર્વ કરો.

લીલા વટાણાનો સૂપ
સામગ્રી : માખણ-1 ચમચી, લીલા વટાણા-500 ગ્રામ, બટાકા-1 નંગ, ટામેટાંં-2 નંગ, દૂધ-1 કપ, કોર્નફ્લોર-1 ચમચી, મરીનો ભૂકો-અડધી ચમચી, તજ પાઉડર-અડધી ચમચી, ક્રીમ-અડધો કપ, ડુંગળી-1 નંગ, મીઠું-સ્વાદ મુજબ
રીત : એક વાસણમાં પાણી મૂકી એ ગરમ થાય એટલે તેમાં લીલા વટાણા અને બટાકાના નાના ટુકડા અને સ્વાદ મુજબ મીઠું ઉમેરવું. શાક બફાઇ જાય એટલે તેમાં ટામેટાંંના ટુકડા ઉમેરવા. યોગ્ય બફાઈ જાય એટલે નીચે ઉતારી ઠંડું પડે એટલે લિક્વિડાઈઝ કરી ગાળી લેવું. કડાઈમાં માખણ ગરમ મૂકી તેમાં દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી ઉમેરવો. ઘટ્ટ થવા લાગે એટલે મરીનો ભૂકો, તજનો પાઉડર, 1 ચમચી ક્રીમ ઉમેરી ગરમ સૂપ પીરસવો.

અન્ય સમાચારો પણ છે...