ડેટિંગ ડાયરી:પ્રેમમાં આગ્રહ ન બને દુરાગ્રહ

ડિમ્પલ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સૌથી પહેલાં તો સામાન્ય રીતે બને છે એવી રીતે પરિવારજનોનો વિરોધ શરૂ થઇ ગયો અને અમારા મિલન પર પ્રતિબંધ લદાઇ ગયો

એ સમય એવો હતો જ્યારે કોઇ યુવાન સાથે પ્રેમ થાય તો અત્યારની જેમ માતા-પિતાને ખુલ્લેઆમ કહેવાતું નહોતું. મારા ઘરમાં પણ એવું જ બનેલું. મારી સાથે જોબ કરતો એ યુવાન મને ગમતો હતો અને એને પણ હું પસંદ હતી. અમારાં બંનેની જ્ઞાતિ સમાન હોવાથી મોટા ભાગે બંનેમાંથી કોઇનાં માતા-પિતાને અમારાં લગ્ન સામે વાંધો હોય એવી સંભાવના ઓછી હતી. છતાં અમે એક ન થઇ શક્યાં…. વાત એમ બની કે જ્યારે અમારાં બંનેનાં પરિવારજનોને અમારાં પ્રેમ વિશે ખબર પડી ત્યારે સૌથી પહેલાં તો સામાન્ય રીતે બને છે એવી રીતે પરિવારજનોનો વિરોધ શરૂ થઇ ગયો. આખરે મેં યેનકેન પ્રકારે મારા મોટા ભાઇને મનાવી લીધા અને તેમના કારણે ભાભી પણ અમારાં બંનેનાં લગ્ન માટે રાજી થઇ ગયાં. મોટા ભાઇએ પપ્પાને ખૂબ સમજાવ્યા અને છેલ્લે એ પણ કહી દીધું કે, ‘બહેન જો બીજા કોઇની સાથે લગ્ન નહીં કરે, તો શું આખી જિંદગી દીકરીને ઘરમાં બેસાડી રાખવાની? ’ એવી જ રીતે એણે પણ પોતાના પરિવારમાં પોતાની દીદીને આ​ જ વાત કરી અને થોડા સમય પછી બંનેનાં માતા-પિતા નરમ પડ્યાં. અમારી સગાઇ કરવાની મંજૂરી મળી ગઇ અને સગાઇ થઇ પણ ગઇ… જોકે સગાઇને થોડો જ સમય વીત્યો હતો અને મને એના સ્વભાવનો પરિચય થવા લાગ્યો. પ્રેમમાં જે એનો આગ્રહ લાગતો હતો, તેમાં હવે દુરાગ્રહ ભળ્યો. ક્યાંય જવું હોય અને હું ના કહું તો તરત એનો પિત્તો છટકે. ‘તું મને ના કેવી રીતે કહી શકે?’ ‘મારા મિત્રોની સાથે વાત કેમ ન કરે?’ જેવા નાના નાના પ્રશ્નો મારા જીવનમાં ઊભા થવા લાગ્યા. હું આવા નાની નાની બાબતોમાં પણ એના ખોટા દુરાગ્રહને લીધે અકળાતી. જોકે ધીરે ધીરે ખ્યાલ આવવા લાગ્યો કે આ એની આદત હતી પોતાનું જ ધાર્યું કરવાની. આ રીતે પરાણે કોઇ કામ કરવાની મને ઇચ્છા ન થતી કે ન તો મને એમાં આનંદ આવતો. આખરે એક દિવસ મેં મારાં ભાભીને વાત કરી ત્યારે ભાભીએ કહ્યું, ‘બહેન, હજી તો તમારાં બંનેની સગાઇ થઇ છે. અત્યારથી એ આવો આગ્રહ રાખે છે, તો તમારી આખી જિંદગી કઇ રીતે નીકળશે? તમને તો આ ઘરમાં ક્યારેય કોઇએ એક શબ્દ પણ ઊંચા અવાજે કહ્યો નથી. જ્યારે ત્યાં તો…’ અને મેં એ જ દિવસે નક્કી કરી લીધું કે હવે બસ! આજ પછી આ પ્રણય પ્રકરણ પર પૂર્ણવિરામ મૂકી દેવું એ જ હિતાવહ છે. એ દિવસે મેં ભાઇ મારફત મારાં મમ્મી-પપ્પાને જાણ કરી દીધી કે તેઓ ઇચ્છશે ત્યાં જ હું લગ્ન કરીશ. આજે અમારાં દાંપત્યબાગમાં બે સુંદર ફૂલો ખીલેલાં છે અને મને ક્યારેક વિચાર આવે છે કે મેં જેને પ્રેમ કર્યો હોત, એની સાથે લગ્ન કર્યાં હોત, તો આ બે ફૂલો આવાં ખીલેલાં હોત ખરાં?