તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૂડ એન્ડ માઇન્ડ:પેરીમેનોપોઝલ સિમ્પ્ટમ્સ

ડો. સ્પંદન ઠાકરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

42 વર્ષનાં પ્રીતિબહેનની તબિયત છેલ્લા કેટલાક દિવસથી નરમગરમ રહેતી હતી. હાલમાં જ તેમની જોબ છૂટી ગઇ હતી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અવારનવાર આવું બનતું રહેતું હતું. નોકરી અને ઘર બંને સંભાળતા હોવાથી તેમનું ધ્યાન વિભાજીત રહેતું હતું. બીજી જોબ તરત મળી જતી હતી. પરંતુ આ વખતે નોકરી છૂટ્યાં બાદ પ્રીતિબહેનનાં માથે જાણે આભ તૂટી પડ્યું! તેમના પતિ વિશાલભાઇ પણ આ વખતે પહેલી વાર પત્નીનાં વર્તનમાં કંઇક એબ્નોર્મલ રિએક્શન જોઇ રહ્યા હતા. તેઓ જરાક પણ વાત કરવા જાય તો પ્રીતિબહેન ગુસ્સે થઇ જાય. પછી થોડી વારમાં રડવાં લાગે, માફી માગે પછી ચાલુ વાતચીતમાં ફરી પાછાં અકળાઇ જાય. રસોઇ કરતાં કરતાં અચાનક બેડરૂમમાં જઇને સૂઇ જાય. ગેસ પર મૂકેલું દૂધ ઊભરાઇ જાય. આખી રાત ઊંઘ ન આવે. ચહેરા પર બળતરા થાય. શરીરમાં આગ લાગી હોય એવી ચીસો પાડે. વિશાલભાઇ સમજાવીને શાંત કરવાનો પ્રયત્ન કરે તો વધારે ચીડાઇ જાય. બીજા દિવસે સવારે એ પોતે જ કહે કે કાલે મેં જે વર્તન કર્યું હતું તે ખોટું હતું. હવે એવું નહીં કરું. આવું બધું ચાલતું જ રહે. એકાદ અઠવાડિયાં સુધી ધીરજ ધર્યા બાદ વિશાલભાઇએ પત્નીને ડોક્ટર પાસે લઇ જવાનું નક્કી કર્યું. આટલાં વર્ષોમાં પ્રીતિબહેન જે રીતે ઘરને સંભાળી રહ્યાં હતાં તેના લીધે પરિવારમાં શાંતિ અને સ્થિરતા હતી. ફેમિલીમાં કોઇને પણ સાઇકોલોજિકલ હિસ્ટ્રી ન હતી. માત્ર જોબ છૂટી ગઇ એ કંઇ એટલું મોટું કારણ ન હતું. તેઓ આવી પરિસ્થિતિમાંથી ઘણી વખત પસાર થયાં હતાં પણ તેમણે આટલી તીવ્ર પ્રતિક્રિયા પહેલાં ક્યારેય નહોતી આપી. ભૂતકાળમાં આના કરતાં પણ વધારે કપરો સમય પ્રીતિબહેને વહન અને સહન કરી બતાવ્યો હતો. ક્યારેય આટલાં મોટા મૂડ સ્વિંગ્સ જોવાં મળ્યાં ન હતાં. ફેમિલી ડોક્ટરે વિગતવાર હિસ્ટ્રી જાણ્યા પછી કહ્યું, ‘પ્રીતિબહેનને પેરીમેનોપોઝલ સિમ્પ્ટમ્સ દેખાઇ રહ્યાં છે. એમને ગાયનેકોલોજિસ્ટ અને સાઇક્યિાટ્રિસ્ટ પાસે લઇ જાવ.’ મેનોપોઝ એટલે માસિકસ્ત્રાવ બંધ થઇ જવો. આપણે માત્ર આ એક જ ઘટનાને ધ્યાનમાં લઇએ છીએ પરંતુ માસિકસ્ત્રાવ બંધ થઇ જાય એનાં થોડાંક વર્ષ પહેલાંથી બીજાં કેટલાંક ચિહ્નો અને અસરો દેખાવા માંડે છે. એને પેરીમેનોપોઝલ સિમ્પ્ટમ્સ કહે છે. આ દરમિયાન શરીરમાં હોર્મોનલ ચેન્જિસ ખૂબ જ વધી જાય છે. ઇસ્ટ્રોજન લેવલ ઘટવાનું ચાલુ થવાનાં લીધે હેપી હોર્મોન્સ પર અસર પડે છે. જેના લીધે તીવ્ર મૂડ સ્વિંગ્સ આવે છે. આ માટે ગાયનેકોલોજિસ્ટ દ્વારા હોર્મોન રિપ્લેસમેન્ટ થેરપી અને સાઇક્યાટ્રિસ્ટ દ્વારા એન્ટિડિપ્રેશન્ટ અને ટોક થેરપી આપવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં પરિવારની હૂંફ અને કાળજી ચમત્કાર જેવું કામ કરે છે. જો ધીરજપૂર્વક સારવાર કરવામાં આવે તો ફાયદો થાય છે. મૂડમંત્ર ઃ અતિ સંવેદનશીલ વ્યક્તિને ધ્યાનપૂર્વક સાંભળીને કેર અને હૂંફથી ટ્રીટ કરવામાં આવે તો તેનાથી વધારે સારી સારવાર બીજી કોઇ હોય ન શકે.drspandanthaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...