પેરેન્ટિંગ:માતા-પિતાની મોટી ચિંતા બાળકોમાં વધી રહેલી સ્થૂળતા

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થૂળતા બાળકના વિકાસને અવરોધે છે. પુખ્તોમાં જોવા મળતા રોગો બહુ નની વયે સ્થૂળ બાળકોમાં પણ દેખા દે છે

- મમતા મહેતા

સ્થૂળતા એક શારીરિક સ્થિતિ છે જેમાં શરીરમાં સારા એવા પ્રમાણમાં ચરબી જમા થઇ જાય છે. છેલ્લા કેટલાક સમયમાં બાળકોમાં આ સ્થૂળતાનું પ્રમાણ વધ્યું છે અને હવે આ મુદ્દો માતા-પિતાની ચિંતાનું કારણ બન્યો છે. હકીકતમાં છોકરા કે છોકરીનું વજન તેમની ઉંમર અને ઊંચાઈ મુજબના આદર્શ વજન કરતા 20 ટકા જેટલું વધુ હોય તો તે બાળકને સ્થૂળ કહી શકાય. સ્થૂળતાને કારણે બાળકને શારીરિક અને માનસિક સમસ્યાઓ થઇ શકે છે.

બીએમઆઇ ચકાસો બોડી માસ ઈન્ડેક્સ (Body Mass Index) એટલે કે બીએમઆઇ એ બાળકની ઊંચાઈ અને વજનનો ગુણોત્તર છે જેનાથી ખબર પડે કે તમારા બાળકનું વજન હકીકતમાં તેની ઊંચાઈના પ્રમાણમાં જરૂર કરતાં વધારે છે કે નહીં. જોકે BMI ચોક્કસ રીતે શરીરની ચરબીનું માપ નથી કાઢતું. જો બાળકનું BMI વધારે આવે તો શરીરની ચરબીની ટકાવારી ચકાસવી જોઇએ જેથી ખ્યાલ આવે કે વધારે પડતી ચરબી કે બોર્ડરલાઈન ચરબીની સ્થિતિ નથી તો નથી ને? જે બાળકો નાની ઉંમરમાં વધુ વજનવાળા છે તેમની કિશોરાવસ્થા કે પ્રૌઢવસ્થામાં સ્થૂળ થવાની શક્યતાઓ વધારે છે.

શારીરિક નિષ્ક્રિયતા જવાબદાર બાળકોમાં સ્થૂળતા વધવા માટે શારીરિક નિષ્ક્રિયતા ખૂબ જ મહત્ત્વનું પરિબળ છે. ઘણા અભ્યાસ દર્શાવે છે કે જે બાળકો ટીવી જોવામાં અને વીડિયો ગેમ્સ રમવામાં વધુ સમય પસાર કરે છે તેઓ સ્થૂળ બને એવી શક્યતા વધારે હોય છે. જોકે જો માતા-પિતા મેદસ્વી હોય તો બાળક સ્થૂળ બની જાય એવી શક્યતા રહે છે. જો માતાને ડાયાબિટીસ હોય તેના બાળકો વધુ વજનવાળા હોઈ શકે છે.

શારીરિક અને માનસિક અસર સ્થૂળતા બાળકના વિકાસને અવરોધે છે. તેમના ભવિષ્યને ધૂંધળું બનાવે છે. પુખ્તોમાં જોવા મળતા રોગો સ્થૂળ બાળકોમાં પણ દેખાય છે. ડાયાબિટીસ, હૃદયરોગ અને હાઈ બી.પી. જેવા રોગો સ્થૂળ બાળકોને ભોગ બનાવે છે. સ્થૂળકાય બાળકો સામાન્ય બાળકોની તુલનાએ ઓછા ખુશ રહે છે. આત્મવિશ્વાસના અભાવે આવાં બાળકો અનિદ્રા, હતાશા અને તાણનો ભોગ બને છે.

ધીરજ જરૂરી સ્થૂળતા સમય જતા વિકસે છે અને રાતોરાત એને દૂર નથી કરી શકાતી. આમાં રાતોરાત બદલાવ આવશે એવી અપેક્ષા ન રાખવી. એ અવાસ્તવિક છે. સ્થૂળતા ફક્ત તમારા બાળકની સમસ્યા નથી. તે એક એવી સમસ્યા છે કે જેને ઉકેલવા સમગ્ર પરિવારને સામેલ કરવો જ જોઈએ. સાપ્તાહિક ધોરણે તમારા બાળકના ખોરાકમાં ફેરફાર અને કસરત માટે ટૂંકા ગાળાના ધ્યેય નક્કી કરો. તમારા બાળક માટે તંદુરસ્ત ખોરાક અને શારીરિક પ્રવૃત્તિની પસંદ કરો. સારું પરિણામ મેળવવા બાળકના ડોક્ટર કે આહારશાસ્ત્રીની પણ મદદ લઇ શકાય છે.

અન્ય સમાચારો પણ છે...