પેરેન્ટિંગ:સંતાનો વચ્ચે બોન્ડિંગ વધારવામાં પેરેન્ટ્સનો રોલ છે ખાસ

મમતા મહેતા14 દિવસ પહેલા
  • કૉપી લિંક

પેરેન્ટિંગ એક બહુ મોટી જવાબદારી છે. એક ખુશહાલ પરિવારમાં પરિવારનાં તમામ સભ્યો વચ્ચે પ્રેમ, કાળજી અને આદરની લાગણી હોવી જરૂરી છે. પરિવારમાં જો એક કરતા વધારે બાળકો હોય તો તેમની વચ્ચે સારું બોન્ડિંગ હોય એ બહુ જરૂરી હોય છે. બાળકો વચ્ચે બોન્ડિંગ મજબૂત બને એમાં માતા-પિતાનો રોલ બહુ ખાસ હોય છે. તમે તેમને એકબીજા પ્રત્યે પ્રેમ રાખવાનો શાબ્દિક બોધ આપો એટલું પૂરતું નથી. તેમના એકબીજા સાથેના સંબંધો મજબૂત બને એ માટે વિશેષ પ્રયાસ કરવા પડે છે. તેમને ટીમવર્ક અને એકબીજાનો આદર કરતા શીખવો અને આ રીતે તેમની વચ્ચેના સંબંધ મજબૂત બની શકે છે. બે બાળકોની સરખામણી ન કરો : કોઇ વસ્તુ તમને વારંવાર કહેવામાં આવે તો એ વાતનું મનમાં દૃઢીકરણ થતું રહે છે. બાળકનું મન તો અત્યંત સંવેદનશીલ હોય છે અને એટલે એને ઉદ્દેશીને કહેવાયેલી કોઈ પણ વાતનો એની પર બહુ ઊંડો પ્રભાવ પડે છે. બાળકનાં મન પર નેગેટિવ કમેન્ટની બહુ જલ્દી અસર પડતી હોય છે. બાળકોની આ પ્રકારની માનસિકતાને ધ્યાનમાં રાખવી જોઇએ અને ક્યારેય બે સંતાનોની જાણ્યે કે અજાણ્યે સરખામણી ન કરવી જોઇએ. ‘તું તારા ભાઇ જેવો કેમ નથી?’ કે પછી ‘તારી બહેન પાસેથી તારે કંઇક શીખવું જોઇએ’ જેવા નિવેદનો કરવાથી બાળકનાં મન પર નકારાત્મક અસર પડે છે અને માતા-પિતાની આ‌વી જ કમેન્ટ્સને કારણે બે સંતાનો વચ્ચે મજબૂત બોન્ડિંગ નથી સર્જાતું અને તેઓ મનોમન એકબીજાની ઇર્ષા કરવા લાગે છે. ટીમવર્ક શીખવો : જો તમે ઇચ્છતા હો કે તમારાં બાળકો એકબીજા સાથે સારી રીતે વર્તન કરે અને તેમના સંબંધો મજબૂત બને તો તેમને ટીમવર્કમાં સાથે કામ કરવાનું શીખવો. તેઓ ટીમવર્કમાં કામ કરી શકે એ માટે તેમને પેન્ટિંગ પ્રોજેક્ટમાં કામ કરવાનું પ્રોત્સાહન આપો અથવા તો સાથે મળીને ‘લેગો હાઉસ’ બનાવવાનો પ્રોજેક્ટ સોંપો. આવી રીતે તેઓ સાથે મળીને સમસ્યાનો ઉકેલ શોધતા શીખશે. આ સિવાય તમે તેમને સાથે મળીને કચરા-પોતાં કે પછી વાસણ ગોઠવવા જેવું કામ સોંપો. તમે બાળકોની ટીમ બનાવીને તેમની સાથે ઝડપથી કામ કરવાની રેસ પણ લગાવી શકો છો. સિબલિંગ સાથે મૈત્રી : બાળકોનું મન અત્યંત નિર્મળ હોય છે. તેઓ બહુ જલ્દી એકબીજા સાથે મિત્રતા કેળવી શકે છે. તેમને ભાઇ કે બહેન સાથે પહેલાં મિત્રતા કેળવવાનું પ્રોત્સાહન આપો. જો તેમની વચ્ચે મિત્રતા હશે તો તેઓ એકબીજાની ખામી અને ખૂબીને સારી રીતે સમજી શકશે. તેમની વચ્ચેનું આ બોન્ડિંગ મોટા થયા પછી પણ જળવાઇ રહેશે. ‘અલોન ટાઇમ’ જરૂરી : વયસ્કની જેમ જ બાળકોને પણ પોતાના ‘અલોન ટાઇમ’ની જરૂર હોય છે. ક્યારેક સતત સાથેને સાથે રહેવાથી પણ એકબીજાનો અભાવ થઇ જાય છે. જ્યારે બાળક પોતાના ભાઇ-બહેનથી અલગ એકલાં કે બીજા બાળકો સાથે સમય પસાર કરે છે ત્યારે તેને પોતાના ભાઇ કે બહેનનો અભાવ સાલે છે અને એની કિંમત સમજાય છે. આમ, જો તમે ઇચ્છતા હો કે તમારા બાળકો વચ્ચે સારું બોન્ડિંગ હોય તો સતત તેમને એકબીજાની સાથે રહેવાનો આગ્રહ કરવાને બદલે પોતપોતાની ગમતી પ્રવૃતિ એકલાં કરવાની તક આપો. આનાથી તેઓ એકબીજાની વધારે નજીક આવશે.

અન્ય સમાચારો પણ છે...