કવર સ્ટોરી:બીજાની જિંદગી બગીચો નથી, એમાં લટાર મારવાનું બંધ કરો!

14 દિવસ પહેલાલેખક: એષા દાદાવાળા
  • કૉપી લિંક

જેમને હું ક્યારેય મળી જ નથી એવા લોકો મને મારા ચારિત્ર વિશે અભિપ્રાય અને જ્ઞાન આપી રહ્યા છે. એ સૌ મને ‘ગોલ્ડ ડિગર’ કહીને બોલાવી રહ્યા છે. એમને એવું લાગે છે કે આ બધુ જ મેં પૈસા પડાવવા માટે કર્યું છે. મારે એ તમામને કહેવું છે કે હે! બુદ્ધિશાળી જીવો, હું સોનાથી પણ વધારે ઊંડે ઉતરી શકું છું કારણ કે મને સોના કરતાં પણ વધારે સફેદ ડાયમંડ પસંદ છે અને સૌથી અગત્યની વાત એ છે કે હજી પણ સફેદ ડાયમંડ્સ હું મારા ખુદનાં કમાયેલા પૈસે જ ખરીદું છું! ઇન્સ્ટાગ્રામ પર સુસ્મિતા સેને આ પોસ્ટ શેર કરી. જે લોકો સુસ્મિતાને ક્યારેય રૂબરૂ મળ્યા જ નથી અથવા તો જીવનમાં ક્યારેય રૂબરૂ મળવાના જ નથી એ તમામે લલિત મોદી સાથેના એના સંબંધો પર અભિપ્રાયો આપ્યા. એના ચારિત્ર પર, એની દાનત પર આંગળીઓ ઉઠાવી. કોઇએ એને લુઝ કેરેક્ટરની કહી તો કોઇએ એના સંબંધને પૈસા પડાવવાના ધંધા છે એવું કહી નવાજ્યા. મારો સવાલ એ છે કે આપણે ન તો સુસ્મિતાનાં સગા-વ્હાલાં છીએ કે ન તો લલિત મોદીના કાકા-મામા-ફોઇ-ફુઆ થઇએ છીએ. સુસ્મિતા એ લલિત મોદીને પરણે કે કલ્પિત મોદીને પરણે આપણી જિંદગીમાં કોઇ જ ફરક પડવાનો નથી. તો પછી એની અંગત જિંદગીમાં આટલા બધા ડોકિયાં કેમ? સુસ્મિતા એક સેલિબ્રિટી છે. સેલિબ્રિટીની જિંદગી આપણા માટે અડી ન શકાય એવી રાજકુમારી જેવી રહી છે. આપણે ફાટી આંખે, ખુલ્લા મોઢે એમની જિંદગી વિશે કલ્પનાઓ કર્યા કરીએ છીએ. એમની લાઇફ સ્ટાઇલની આપણને ઈર્ષ્યા થાય છે. એમના જેવાં કપડાં, એમના જેવું પર્સ, એમના જેવા જેકેટ-ગોગલ્સ-જ્વેલરી-જૂતાં, એમનું સ્ટાઇલ સ્ટેટમેન્ટ વગેરે વગેરેને આપણી જિંદગીમાં કોપી પેસ્ટ કરીએ છીએ અને એમની અંગત જિંદગી વિશે મનફાવે એમ અભિપ્રાયો આપીએ છીએ. કેમ? આલિયા ભટ્ટે એટલા માટે લગ્ન કરી લીધા કારણ કે એ લગ્ન પહેલાં પ્રેગ્નન્ટ થઇ ગયેલી...શ્રીદેવીના એના પતિ સાથે બહુ ઝઘડા હતા ને એના પતિએ પૈસા ખવડાવી મર્ડરને સુસાઇડમાં ફેરવી નાખ્યું...અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન જુદા રહે છે, બેઉને એકબીજા સાથે જરાયે ફાવતું નથી...અમિતાભ હજીપણ રેખાને મળે છે ! મારો સવાલ એ છે કે આલિયા લગ્ન પહેલાં પ્રેગ્નન્ટ ન થઇ શકે? અમિતાભ રેખાને મળી ન શકે? શ્રીદેવી સ્ટાર હતી એટલે પતિ સાથે એના ઝઘડા ન થાય? આપણે સૌએ ઘરની દીવાલ પર એક વાત ઘૂંટી ઘૂંટીને લખી દેવાની જરૂર છે કે બીજાની અંગત જિંદગી જાહેર બગીચો કે જાહેર ટ્રાન્સપોર્ટ સેવા નથી કે મનફાવે ત્યારે એમાં લટાર મારી દીધી કે મનફાવે ત્યારે એમાં ચડી ને ઉતરી ગયા ! આપણે બધા જ દંભી છીએ. આપણી દીકરી લગ્ન પહેલાં પ્રેગ્નન્ટ થઇ જાય તો ચૂપચાપ કોઇને ખબર ના પડે એમ એને પરણાવી દઇએ છીએ અથવા તો ઓળખીતા ગાયનેક પાસે એબોર્શન કરાવી લઇએ છીએ પણ બીજાની દીકરી જો લગ્ન પહેલાં પ્રેગ્નન્ટ થઇ ગઇ તો એનું જીવવું હરામ કરી નાંખીએ છીએ. આપણી દીકરીના લગ્ન કરાવવાનાં હોય ત્યારે પૈસાદાર અને વગદાર ઘર શોધીએ છીએ. છોકરો કેટલું ભણ્યો છે એનાં કરતા પણ વધારે ભાર છોકરો કેટલું કમાય છે એના પર આપીએ છીએ. સસરા પૈસાવાળા હશે તો જમાઇને સેટલ કરી દેશે એવા વિચારે દીકરાના સાસરાની શોધ ચલાવવામાં આવે છે. આપણાં ગજવે કાણી કોડી હોતી નથી અને દીવો લઇને સધ્ધર છોકરાની શોધમાં નીકળી પડીએ તો ચાલે પણ આપણાં કરતા વધારે બેંક બેલેન્સ ધરાવતી, પોતાની શર્તો પર જીવતી સુસ્મિતા સેન તેના લલિત મોદી સાથેના સંબંધનો જાહેરમાં ઇઝહાર કરે તો એને ‘ગોલ્ડ ડિગર’નું ઉપનામ આપી દઇએ છીએ. કેમ? આપણાં ધારાધોરણો બીજાની જિંદગી પર લાગુ ન કરી શકાય એવું આપણે સમજી લેવું પડશે. આપણાં લગ્નેત્તર સંબંધો આપણી મજબૂરી હોય અને બીજાના લગ્નેત્તર સંબંધો એનું પાપ હોય એવું બની શકે નહીં. આપણે સધ્ધર સાસરું શોધીએ તો ચાલે અને બીજા પૈસાદારને પરણે તો એને પૈસા પડાવનારા ગણી લઇએ એવું ચાલે નહીં. સેલિબ્રિટી હોય કે કોઇ પણ હોય... એમની જિંદગીમાં માથું મારવાનો આપણને અધિકાર નથી. એમના અંગત સંબંધો પર ટીકા ટીપ્પણી કરવાનો પરવાનો આપણી પાસે નથી જ. દરેક વ્યક્તિ પોતાની જિંદગી અને જિંદગીમાં એને થતા અનુભવો પ્રમાણે એના ધારાધોરણની સરહદો નક્કી કરતો હોય છે. સંસ્કારી હોવું એટલે સારા હોવું એવું નથી. સંસ્કારી હોવું એટલે સાચા હોવું અને સાચા હોવું એટલે બીજાની નજરોમાં નહીં પણ આપણી ખુદની નજરોમાં. આપણું સત્ય એ આપણા સંસ્કાર છે. આપણી પ્રમાણિકતા એ આપણા સંસ્કાર છે. બીજાનું સત્ય એ એમના સંસ્કાર છે. દરેકની પ્રમાણિકતા, દરેકનું સત્ય, દરેકનું અસત્ય, દરેકની માન્યતા, દરેકના અનુભવો આપણી સાથે મેચ થાય જ એવું જરૂરી નથી હોતું અને એટલે જ આપણાં ત્રાજવે દરેકને તોલી શકાય નહીં. એકવાર પોતાનામાંથી દંભને માઇનસ કરીને જુઓ. આજે અરીસા સામે ઊભા રહી જાતને એક સવાલ કરજો કે બીજાની જિંદગીમાં આટલો રસ કેમ પડે છે? તમારી અંદર એવી કઇ વૃત્તિ છે જે તમને બીજાની અંગત જિંદગીમાં ડોકિયું કરવા પ્રેરે છે? જે દિવસથી તમે બીજાની જિંદગીને તમારા ધારાધોરણ પ્રમાણે મૂલવવાનું છોડી દેશો એ દિવસથી આ દુનિયા થોડી વધારે ખૂબસૂરત લાગવા માંડશે એ નક્કી ! ટ્રાય કરી જોજો. dadawalaesha@gmail.com

અન્ય સમાચારો પણ છે...