જ્યારે લગ્ન કે બીજા સામાજિક પ્રસંગ યોજાય છે ત્યારે મોટાભાગના લોકોનું ધ્યાન લગ્નલાયક વયસ્ક કન્યા પર કેન્દ્રિત થયેલું હોય છે અને જો કોઇ યુવતી થોડી વધારે મોટી થઇ ગઇ હોય તો તેના પર સલાહનો વરસાદ થાય છે. ‘તાડ જેવી વધી ગઇ છે, ક્યારે લગ્ન કરશે?’, ‘ક્યાં સુધી માતા-પિતાના ઘરે પડી રહેશે?’, ‘પોતાના ઘરે જવાનું વિચારો હવે...’...જેવી સલાહો સાંભળીને યુવતીના કાન પાકી જાય છે. જો યુવતી વર્કિંગ હોય તો તેના માતા-પિતાને પણ ટોણો સાંભળવા મળે છે કે ‘દીકરીની કમાણી પર નજર હોવાથી તેના લગ્ન કરવાનો ઇરાદો નથી લાગતો.’ આમ, સમાજની વ્યાખ્યા પ્રમાણેના ‘યોગ્ય’ સમયે લગ્ન ન કરીને કોઇ પણ કારણોસર સિંગલ રહેવાનું પસંદ કરતી યુવતી સમાજની સંકુચિત માનસિકતાને કારણે ‘સિંગલ શેમિંગ’નો ભોગ બને છે. Â છોકરી પર દોષનો ટોપલો જ્યારે સમાજના દબાણને કારણે કોઇ યુવતીને પરાણે એવો જવાબ આપવાની ફરજ પડે કે તે બહુ ઝડપથી તેને લાયક હોય એવો પાર્ટનર શોધી લેશે ત્યારે આ પરિસ્થિતિને ‘સિંગલ શેમિંગ’ કહી શકાય. આમ, ‘સિંગલ શેમિંગ’ એટલે એવી પરિસ્થિતિ જેમાં બીજા લોકો તમને સિંગલ હોવા બદલ શરમની લાગણીનો અહેસાસ કરાવે. સોસાયટીને એમ લાગે છે કે કોઇ યુવતી તેના જીવનમાં પાર્ટનર સાથે સેટલ થઇ જશે ત્યારે જ તે ખુશીની લાગણીનો અનુભવ કરી શકશે અને જો કોઇ યુવતી એકલી રહેવાનું પસંદ કંરે તો સમાજ એના વિશે નકારાત્મક માનસિકતા ધરાવવા લાગે છે. એક તબક્કે તો એવો પણ ટોણો સાંભળવા મળી શકે છે કે આટલા સમય પછી પણ જો યુવતીને યોગ્ય પાર્ટનર નથી મળી શક્યો તો દોષ એ યુવતીમાં જ હશે. કેટલાક લોકો સિંગલ યુવતી પ્રત્યે એવી દયાભાવ રાખે છે કે યુવતી આખી દુનિયામાં બેચારી અને નોંધારી છે. Â છોકરીઓ વધારે બને છે ભોગ ભારતીય સમાજમાં હજી પણ મોટાભાગના લોકો યુવતીના સિંગલ રહેવાના નિર્ણયને અયોગ્ય સમજે છે. જો કોઇ છોકરી કામની જગ્યાએ સારી રીતે કામ ન કરી શકતી હોય તો કેટલાક લોકો એની સામે દયાભાવથી જોઇને કહે છે કે, ‘બિચારી સિંગલ છે અને એટલે સારી રીતે કામમાં ધ્યાન નથી આપી શકતી...’ આ પ્રકારની કમેન્ટ સિંગલ યુવતીની મેન્ટલ હેલ્થ પર અસર કરે છે. એક સર્વેમાં તારણ મળ્યું છે કે કોરોનાની મહામારીની શરૂઆત પછીના તબક્કામાં લગભગ 52 ટકા લોકોએ સિંગલ શેમિંગનો અનુભવ કર્યો છે. એક જાણીતા સાયકોલોજિસ્ટ સમગ્ર પરિસ્થિતનું આકલન કરે છે કે છોકરાઓની સરખામણીમાં છોકરીઓએ ‘સિંગલ શેમિંગ’નો વધારે સામનો કરવો પડે છે. છોકરીઓ પર માનસિક દબાણ કરવામાં આવે છે કે જો તે યોગ્ય સમયે લગ્ન નહીં કરે તો તેમને માતા બનવામાં પણ તકલીફ પડે છે. એક અપરિણીત યુવક ગર્વ સાથે તે ‘બેચલર’ હોવાનું જાહેર કરતો હોય છે પણ છોકરીને તે ‘સિંગલ’ હોવાનું જાહેર કરવામાં શરમની લાગણી અનુભવાતી હોય છે. છોકરીઓ પર ‘સિંગલ શેમિંગ’ની નકારાત્મક કમેન્ટ્સની એટલી બધી અસર પડતી હોય છે કે તેમને મેન્ટલ હેલ્થ નેગેટિવ ઝોનમાં આવી જાય છે. Â કેવી રીતે સામનો કરશો ‘સિંગલ શેમિંગ’નો? જો તમારે સમાજ દ્વારા કરવામાં આવતા ‘સિંગલ શેમિંગ’થી જાતનો બચાવ કરવો હોય તો સૌથી પહેલાં તો તમે માનસિક રીતે સ્વીકારો કે સિંગલ હોવામાં કોઇ શરમની વાત નથી. જો તમે આ વાત સાથે માનસિક રીતે સંમત હશો તો જ તમે ‘સિંગલ શેમિંગ’નો સામનો કરી શકશો. જો તમે એ વાત સ્વીકારશો કે તમારે લગ્ન માત્ર કોઇ ફંક્શનમાં ભાગ લેવા માટે નહીં પણ જીવન સાથે જીવવા માટે કરવા છે ત્યારે જ લગ્ન કરવાનો નિર્ણય લો. જો લોકો તમને ‘સિંગલ’ હોવા બદલ શરમની લાગણીનો અનુભવ કરાવવાનો પ્રયાસ કરે તો સૌથી પહેલાં તો લાંબો શ્વાસ લઇને ધીરજ લઇને વ્યક્ત સાથે ડીલ કરો. જો તેઓ તમને વારંવાર પાર્ટનર શોધવા માટે દબાણ કરી રહ્યા હો તો વિનમ્રતાથી તેમને કહી શકો છો કે ‘તમે જ ગોતી દો...મારાથી નથી થઇ રહ્યું.’ આ જવાબથી સંબંધ નહીં બગડે અને સામેની વ્યક્તિને પણ તમારા પ્રયાસો પર પણ વિશ્વાસ થશે. લોકોની વાતને ગંભીરતાથી લઇને ઇમોશનલ થવાને બદલે તેમની આવી વાતનો મજાકમાં ટાળવાનો અભિગમ અપનાવવો જોઇએ. આ રીતે જીવન વધારે સરળ બની જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.