લેટ્સ ટોક:એકતર‌ફી પ્રેમ : પ્રેમનો વિનાશક વહેમ

15 દિવસ પહેલાલેખક: મુક્તિ મહેતા
  • કૉપી લિંક

હાલમાં બોલિવૂડ એક્ટર વિકી કૌશલે મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હકીકતમાં વિકીની પત્ની કેટરિના કૈફને મનવિંદર સિંહ નામની એક વ્યક્તિ છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયામાં સ્ટોક કરતી કરતી હતી. મનવિંદરે 'કિંગ આદિત્ય રાજપૂત'થી સો.મીડિયા અકાઉન્ટ બનાવ્યું છે. સો.મીડિયા અકાઉન્ટના બાયોમાં મનવિંદરે કેટરીના કૈફ ગર્લફ્રેન્ડ તથા પત્ની હોવાનું કહ્યું છે. આટલું જ નહીં તેણે કેટરીનાની તસવીરોમાં છેડછાડ કરીને પોતાની તસવીર પણ મૂકી દીધી છે. હકીકતમાં મનવિંદર એ કેટરીનાને એકતરફી પ્રેમ કરતો હતો અને આ એકતરફી પ્રેમના નશામાં જ તેણે આ પગલું ભર્યું છે. પ્રેમની લાગણી જીવનમાં આનંદનો અહેસાસ કરાવે છે પણ એકતરફી પ્રેમ ભાગ્યે જ જીવનમાં કોઇ હકારાત્મક અહેસાસ કરાવે છે. સામાન્ય રીતે એકતરફી પ્રેમમાં પડેલી વ્યક્તિનું જીવન અનેક સમસ્યાઓથી ઘેરાઇ જતું હોય છે. વન સાઇડેડ રિલેશનશિપને કારણે વ્યક્તિ પોતાની જાતને ઇગ્નોર અને રિજેક્ટેડ અનુભવે છે. આની અસર વ્યક્તિની ઇમોશનલ હેલ્થ પર પડે છે અને એની સ્વાસ્થ્ય પર પણ ટોક્સિક અસર થાય છે. રિજેક્શનની લાગણી દરેક વ્યક્તિને એ મજબૂત રિલેશનશિપમાં હોવાની લાગણી ગમતી હોય છે. જોકે આ સંબંધો પછી એ રોમેન્ટિક હોય કે પારિવારિક...દ્વિપક્ષીય હોવા જોઇએ. આમ, સંબંધમાં જોડાયેલી બંને વ્યક્તિઓને એકબીજા પ્રત્યે સકારાત્મક લાગણી હોવી જોઇએ. જોકે વન સાઇડેડ રિલેશનશિપમાં સંબંધોનું અલગ જ સમીકરણ કામ કરતું હોય છે. આવા સંબંધોમાં એક વ્યક્તિ લાગણીના તંતુથી જોડાયેલી હોય છે પણ બીજી વ્યક્તિને આ વાતનો અહેસાસ નથી હોતો. આના કારણે બીજી વ્યક્તિ ખાસ પ્રતિભાવ નથી આપતી જેના કારણે સંબંધોની લાગણીમાં ગળાડૂબ વ્યક્તિ સતત રિજેક્શનની લાગણી અનુભવે છે. આના કારણે લાંબા ગાળે ઇમોશનલ વ્યક્તિ ભાંગી પડે છે. આવું ન થાય એ માટે સંબંધો કઇ રીતે આકાર લે છે એના પર ધ્યાન આપો. જો કોઇ વ્યક્તિ તમારા કરતા એના કામને વધારે મહત્ત્વ આપતી હોય અથવા તો જરૂર પડે ત્યારે હાજર ન હોય ત્યારે સમજી લેવું જોઇએ કે તમે એકતરફી પ્રેમમાં છો. આ એક એવો સંબંધ છે જેમાં સામેની વ્યક્તિને તમારી લાગણીની ખાસ પરવા નથી હોતી. અનેક સમસ્યાઓની શરૂઆત વન સાઇડેડ રિલેશનશિપ એટલે કે એકતરફી પ્રેમ એ વ્યક્તિની અસલામતી, એંગ્ઝાયટી અને આંતરિક મથામણમાં વધારો કરે છે. આના કારણે વન સાઇડ રિલેશનશિપમાં ઊંધેકાંધ પડેલી વ્યક્તિ સંબંધની મજા માણવાને બદલે સ્ટ્રેસ અનુભવતી થઇ જાય છે. એ વ્યક્તિ પોતાના સ્વીકાર માટે બહુ પ્રયાસ કરે છે પણ ભાગ્યે જ સામેની વ્યક્તિ એના પ્રયાસની નોંધ લેતી હોય છે. માનસિક સ્વાસ્થ્ય પર અસર જે વ્યક્તિ એકતરફી પ્રેમની લાગણીથી પીડાતું હોય એના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. જો વ્યક્તિ એંગ્ઝાયટી અનુભવતી હોય તો શરીરમાં સ્ટ્રેસ હોર્મોનનો સ્ત્રાવ વધી જાય છે. આના કારણે વ્યક્તિ ડિપ્રેશન અનુભવે છે અને તેને એમ લાગે છે કે તેનું જીવન વ્યર્થ છે. આ લાગણીની આત્મવિશ્વાસ પર બહુ નકારાત્મક અસર થાય છે. સ્વાસ્થ્ય પર અસર હાલમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા-લોસ એન્જલસ (UCLA) દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં માહિતી મળી છે કે સ્ટ્રેસથી ભરેલી રિલેશનશિપને કારણે પ્રોટીનનું પ્રમાણ બહુ જ વધી જાય છે અને એના કારણે લાંબા ગાળે અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ સર્જાય છે. સામાન્ય રીતે એકતરફી પ્રેમની આ આડઅસર મહિલાઓમાં વધારે જોવા મળે છે. આ કારણે મહિલાઓએ પોતાના શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્યનું પણ સારી રીતે ધ્યાન રાખવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...