હળવાશ:‘દરેક બાબતમાં બુદ્ધિ વાપરવાની હોય, આમ ઘાંઘા નો થઈ જવાનું હોય...!’

3 મહિનો પહેલાલેખક: જિગીષા ત્રિવેદી
  • કૉપી લિંક

‘હાચું કઉ ને, તો દિવાળી જાય પછી એક મહિનો દિવાળી કામને મેન્ટેન કરવામાં જ જતો રહે છે. મહેમાન જમીને જાય પછી દિવાળીકામ જેટલું જ સમેટવું ને ચોખ્ખું કરવું પડે છે.’ કલાકાકી મારા ઓટલે બેઠા ને બોલ્યા એટલે હંસામાસીએ એને લાગતું જ પૂછ્યું, ‘તમારે તો ભઈસાબ બઉ મહેમાનવાળી થઈ આ વરસે...?’ ‘વાત જ ના કરસો. મહિનો થસે પણ હજી ય આફ્ટરસોક ચાલુ જ છે.’ કલાકાકી નિસાસો નાખતા બોલ્યા. ‘બે વરહનું હાટું વાળી દીધું બધાએ.’ સવિતાકાકીએ કારણ જણાવ્યું. ‘એ જ તો. અમારએ ય એ જ ત્રાસ છે. બે વરહનું ભેગું આયા... તે નાસ્તાનું તો માંડી જ વાળ્યું છે બધાએ... મારા બેટા જમવા ટાણે જ પધરામણી કરે છે. એટલે આપડે ય છૂટકો જ નઇ... અને આપડે તો આપડા ટાઈમે જમવા બેહવું હોય, એટલે પરાણે એમને પૂછવું જ પડે. અને પાછા ઇ તો નક્કી કરીને જ આયવા હોય, એટલે આપડા પૂછવાની જ રાહ જોઈને બેઠા હોય... ‘હા’ જ પાડી દે તરત જ.’ કંકુકાકીએ પોતાની તકલીફ રજૂ કરી. ‘મારે ય એવું જ છે... હજી એક સની રવિ બાકી છે... ચાર સનિ રવિનો જમણવાર ગોઠવાએલો જ છે અમારે. હું તો ભઈસાબ થાકીને ઠૂસ થઈ જઉ છું.’ રેખાબહેન ય બરાબરના થાકેલા ને કંટાળેલા. ‘દરેક બાબતમાં બુદ્ધિ વાપરવાની હોય... આમ ઘાંઘા નો થઈ જવાનું હોય... આવવાવાળા તો આવે, એમને વિવેક ના હોય... પણ આપડામાં તો હોય ને?’ લીનાબહેને ઠપકો આપ્યો. ‘હવે મહેમાન આવે, એમાં આપડે સુ બુદ્ધિ વાપરવાની હોય?’ રેખાબહેન જરાક ગુસ્સે થઈને બોલ્યા. ‘પહેલાં તો શનિ અને રવિને બદલે રોજ હાંજે હામેથી ફોનો કરી કરીને બોલાઈ જ લેવાના... અને આવે ઇ ભેગું પરાણે ધરી જ દેવાનું.’ લીનાબહેનએ આઇડિયા આપ્યો, એટલે રેખાબહેને દલીલ કરી, ‘પણ બધા ના પાડે છે કોરા નાસ્તાની.’ ‘તે મેં ક્યા કોરા નાસ્તાનું કીધું? અધવચ્ચે ના કૂદી પડો... આખું હાંભળો જરાક... મેં તો કાળી ચૌદસે જ્યારે વડા કર્યા ને, ત્યારે હારોહાર થોકબંધ લાલ-લીલી-ગળી ત્રણેય ચટણીયું બનાઇને મૂકી દીધી અને મઠિયાં માંડી વાળીને એ... ય ને મોટા મોટા ત્રણ ડબ્બા ભરીને સેવ મમરા કરીને મૂકી દીધા. રોજ હવારે બટાકા બાફીને એક ડબ્બો ફ્રિજમાં મૂકી દેતી’તી. મેમાન આવે ઇ ભેગી ભેળની ડીસો પકડાઈ દઉ. ભેળથી જ પેટ ભરી દેવાનું... ને વાંહે આઇસ્ક્રીમ. ખાઈને થાય વહેતા...પત્યું. અને જો, કોઈ બી માણસ પેટ ભરાઈ જાય, એટલે ઘેન ચડે, તે જતુ જ રહે.’ લીનાબહેને હોંશિયારી બતાડી. . ‘અમારે તો ના જાય... ઊલટું બાર વાયગા હુધી વાતું કરવા બેહી રહે.’ કલાકાકીને આ આઇડિયા સ્વીકારી નહોતો. ‘તો આપડે વાતમાંથી વાત કાઢવાની... ‘અમાર અહીંયાથી તો રિક્સા મળવાની બહુ તકલીપ’ ત્યાંથી જ વાત ચાલુ કરવાની. જેમાં કોણ કોણ નવ વાગ્યા પછી ગયુ, ને પછી રીકસા ના મળી... કેબોવાળાએ બી કેન્સલ જ કર્યા કર્યું... ને કેવી કેવી તકલીફ થઈ એની વિગતવાર વાર્તા બનાઈ બનાઈને રજૂ કરવાની.’ લીનાબહેન પાસે આનો ય ઉપાય હતો. ‘પણ સ્કૂટરો લઈને આયા હોય તો?’ રેખાબહેને પૂછ્યું. ‘આપડામાં આવડત હોંશિયારી હોય તો એ લોકો સ્કૂટર લઈને એક જ વરસ આવે... જો, જ્યારે બી સ્કૂટર ઉપર આવે, ત્યારે પોળના છોકરાને હમજાઈ દેવાનું હવા કાઢવાનું... બીજા વરસે સ્કૂટર લઈને આવવાનું બંધ.?’ લીનાબહેને કદાચ પીએચડી કર્યું છે આ વિષય ઉપર. ‘પણ તમારે કેમ સાંતી હતી આ વરસે...? મેં તો તમાર ઘેર મહેમાન જોયા જ નઇ... નસીબદાર છો હોં.’ હંસામાસીએ સવિતાકાકીને પૂછ્યું. ‘કેમ તમારાથી નથી ખમાતુ?’ સવિતાકાકીએ વળતો પ્રશ્ન કર્યો. ‘એવું નથી યાર... પણ અમને બધાંયને માનવસહજ ઈર્ષા તો થાય ને બહેન.’ લીનાબહેને જનરલ માનસિકતા જણાવી. એટલે સવિતાકાકીએ પલાંઠી મારીને, વિગતવાર વાત માંડી... ‘મેં તો છે ને, આ વખતે બે વરસની ભેગી બીકના માર્યા તમારા બધા કરતા ય એક બુદ્ધિસાળી કામ કર્યું છે... નવરાત્રમાં જેમ સિંગરો સોસ્યલ મેડિયા ઉપર પોતાના નવે નવ દા’ડાના પોગ્રામોનું લિસ્ટ મૂકે, એમ અમે બી સરદપુનમે અમારું દહ દિ’ નું દિવાળી લિસ્ટ બનાઈને મૂકી દીધું. ત્યારે તો હજી કોઈએ પોગ્રામ બનાયો જ ના હોય. પહેલા અમે જ હોઈએ. એટલે ઊલટાનું હામેથી ફોનો કરીને ‘આવો આવો’ જ કરે બધાય અને આપડે મળી આઈએ પછી સ્વાભાવિક છે કે એ લોકો તરત તો ના જ આવે... અને બીજા, જે આવવાનું વિચારતા હોય, એ જાણી જાય કે આપડે નથી. એટલે એ કેન્સલ કરે... અને પછી તો રૂટિંગ આઇ જાય ઓફિસો, ને સ્કૂલોનું... એટલે બધાંયનું આપડે ઘેર આવવાનું એની મેળે જ કેન્સલ થઈ જાય. પછી તો આમે ય લગનની સિજન આવે, એટલે જે મળે એને હારુ લગાડવા એની હારે ખોટેખોટો ધોખો કરવાનો, કે ‘તમે તો આયા જ નઇ આ વખતે.’ પરબારું જ પતાઈ દેવાનું.’ એટલે કલાકાકી વળી લીનાબહેન સામે જોઈને સવિતાકાકી તરફ હાથ બતાવીને કહે, ‘જોયું... આને કહેવાય ખરી આવડત હોંશિયારી. મોબાઈલ ડેટા વાંહે ખર્ચેલા આખા વરહના પૈસા દિવાળીમાં વસૂલ.’

અન્ય સમાચારો પણ છે...