તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વુમનોલોજી:એક ખતરો : બાળકોમાં નિર્દોષતાનો ઘટાડો

મેઘા જોશી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જેમની પાસે અનુભવસિદ્ધ કટુતા નથી, જેનેે નવું જાણવાની જીજ્ઞાસા સંતોષવામાં કોઈ પણ પ્રકારનો અહમ આડો નથી આવતો એ પણ માસૂમ છે

સ્પર્ધાના સમયગાળામાં સૌથી વધુ ટાર્ગેટ બાળકો હોય છે. સ્માર્ટફોનની બદલાતી ટેક્નોલોજીની જેમ બાળકો માટે સતત અપડેટ રહેવું અને નિતનવા વર્ઝન માટે તૈયાર રહેવું જરૂરી થઇ ગયું છે. ટેક્નોલોજિકલ ઉત્ક્રાંતિના આ સમયનાં બાળકોની શીખવાની ક્ષમતા પણ સાહજિક રીતે વધી છે, પરંતુ એની એક આડઅસર એ થઇ કે બાળકોની માસૂમિયત ઓછી થઇ અને નાની ઉંમરે પાકટ થવાં લાગ્યાં. એક તરફ સ્માર્ટ બાળકોની ઘેલછા અને બીજી તરફ તેઓ કહ્યામાં રહે એવી ખેવના વચ્ચે અટવાતા દરેક પરિવારે અકાળે મોટાં થઇ જતાં બાળકો અંગે વિચારવું જોઈએ. બાળકને પણ ડિઝાઈનર બનાવવાની લાલચ કરતી મમ્મી, પ્લીઝ લિસન... તમે માસૂમિયત વગરનાં બાળકો જોયાં છે? માસૂમિયત ખોઈ બેઠેલાં બાળકો દેખાવે હાઈબ્રિડ અથવા બોન્સાઈ છોડ જેવાં લાગે છે. જે બિલકુલ એના માલિકના કહ્યામાં જ મોટા થાય. કુંડામાં ઉગાડવા માટે કે પછી ઘરની શોભા વધારવા માટે છોડની વૃદ્ધિની નિયતિ નક્કી કરવામાં આવે છે. એ છોડ દેખાવે તો બગીચામાં મુક્તપણે મોટા થયેલા છોડ જેવા જ લાગે છે પણ તે છત્તાં એમાં કંઇક ખૂટતું હોય એવું લાગે છે? હવે આ છોડને બદલે એમાં કોઈ પણ બાળકનો ચહેરો ફીટ કરી દો. નિર્દોષતા વગરનાં બાળકો એવાં જ દેખાય. તમે ક્યારેય કોઈ પણ બાળવાર્તામાં એવું સાંભળ્યું છે કે એક કપટી બાળક હતું...એ શક્ય જ નથી. વિશ્વનાં કોઈ પણ સાહિત્યમાં બાળ કવિતા અથવા શૈશવનાં સ્મરણરૂપે લખાયેલ કવિતા વાંચજો, તમને એમાં સુખનું સામ્રાજ્ય દેખાશે કારણકે શૈશવ સ્વયં સાહજિક આનંદ અને સંતોષનો સમયગાળો છે. આથી જ બાળપણ સાથે જોડાયેલ માસૂમ, ભોળપણ કે નિર્દોષ એ માત્ર શબ્દો નથી, સ્વભાવ છે. નિર્દોષ વ્યક્તિને ભોટ માની લેવાની ભૂલ સામાન્ય રીતે થતી હોય છે. સામાજિક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો જેને કાવાદાવામાં રસ ના હોય અને સામાજિક ગુથ્થીઓમાં પડ્યા વગર વૈશ્વિક દૃષ્ટિકોણ ધરાવે તે દરેક વ્યક્તિ નિર્દોષ છે. સાચા-ખોટાનો ભેદ સમજીને પોતાનો માર્ગ પસંદ કરતી વખતે ‘ખોટા’ પ્રત્યેનો દ્વેષ ધ્યાનમાં ન લેવો તે નિર્દોષતા છે. જેમની પાસે અનુભવસિદ્ધ કટુતા નથી, જેનેે નવું જાણવાની જીજ્ઞાસા સંતોષવામાં કોઈ પણ પ્રકારનો અહમ આડો નથી આવતો એ પણ માસૂમ છે. જે ‘જેવા સાથે તેવા’ નાં સમીકરણોમાં બંધાઈ જવાને બદલે ‘જેવા છીએ તેવા જ દેખાઈએ’ની મુક્ત સમજમાં માને છે તે પણ નિર્દોષ છે. આથી જ જો બાળપણમાં માસૂમિયત જળવાશે તો એ બાળકની માત્ર શારીરિક વૃદ્ધિ નહીં, સર્વાંગી વિકાસ થશે. meghanajoshi74@gmail.com

અન્ય સમાચારો પણ છે...