જોબન છલકે:ધુળેટીના દિવસે તન-મન પર ચડ્યો પ્રેમનો પાકો રંગ

20 દિવસ પહેલાલેખક: મોસમ મલકાણી
  • કૉપી લિંક

આજે ધુળેટીનો દિવસ હતો અને આજનો દિવસ તો દિવ્યા ક્યારેય ભૂલી શકે એમ નહોતી. આજના જ દિવસે તો એનો અને પ્રીતેશનો પરિચય થયો હતો. એ કોલેજના પોતાના ગ્રૂપ સાથે હોળી-ધુળેટીનો તહેવાર ઊજવવા બહાર નીકળી હતી. પ્રીતેશ પણ એમાંનો જ એક હતો. ધુળેટીની મસ્તી કરતાં બીજા ગ્રૂપ સાથે સૌ ગુલાલથી ધુળેટી ખેલતાં હતાં. અચાનક જ પ્રીતેશે ગુલાલ ઉડાડ્યો, તેના કારણે દિવ્યાના વાળ અને ચહેરો લાલ રંગે રંગાઇ ગયા. દિવ્યા થોડી અકળાઇ, ‘આ શું છે, પ્રીતેશ? આ રીતે ગુલાલ ઉડાડાય?’ પ્રીતેશ બોલ્યો, ‘અરે! આજના દિવસ માટે ખરાબ ન લગાડાય. આજે તો મસ્તી કરવાનો દિવસ છે. બુરા ન માનો, હોલી હૈ…’ કહેતાં એણે બીજો રંગ લઇને દિવ્યાને લગાવ્યો. સાંજે દિવ્યા રંગ સાફ કરવા બેઠી, પણ રંગ નીકળતો જ નહોતો. આવા હાથ-મોં લઇને કાલે કોલેજ કઇ રીતે જવું? છતાં બીજા દિવસે એ કોલેજ ગઇ ત્યારે હજી ચહેરા અને હાથ પર થોડી લાલાશ દેખાતી હતી. બધાં કેન્ટીનમાં ગયાં ત્યારે અચાનક જ કોઇ બોલ્યું, ‘અરે દિવ્યા, શું વાત છે? તારા માથામાં તો પ્રીતેશનો રંગ હજી ચમકી રહ્યો છે.’ દિવ્યાએ પોતાની હેન્ડબેગમાંથી નાનકડો અરીસો કાઢ્યો અને જોયું તો ખરેખર એની પાંથીમાં ગુલાલ ચમકી રહ્યો હતો. નાસ્તો-પાણી કરી બધાં લેક્ચર અટેન્ડ કરવા ગયાં ત્યારે દિવ્યા અને પ્રીતેશ કેન્ટીનમાં જ બેસી રહ્યાં. પ્રીતેશ બોલ્યો, ‘સોરી દિવ્યા, મારા કારણે આજે તારી મજાક ઊડી.’ દિવ્યા બોલી, ‘ઇટ્સ ઓકે, પ્રીતેશ. આ તો કાલે સાંજે રંગ સાફ કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો, છતાં રહી ગયો…’ પ્રીતેશ બોલ્યો, ‘જાણે છે એ કેમ રહી ગયો? કેમ કે એ મારા પ્રેમનો રંગ છે.’ દિવ્યા એકદમ સ્તબ્ધ થઇ ગઇ. પ્રીતેશ આ રીતે પોતાના પ્રેમનો એકરાર કરશે એવી તો એણે કલ્પના જ નહોતી કરી. એણે ઊઠવાનો પ્રયત્ન કર્યો તો પ્રીતેશે એને નજીક ખેંચતાં કહ્યું, ‘હા, દિવ્યા, જે વાત કહેતાં હું અચકાતો હતો, તે આ ગુલાલની મદદથી સહેલાઇથી કહી શક્યો.’ દિવ્યા શરમાઇને પોતાનો હાથ છોડાવી ત્યાંથી જતી રહી. દિવ્યાએ પોતાનાં મમ્મી-પપ્પાને વાત કરી, ત્યારે ઘરમાં જાણે વાવાઝોડું આવ્યું. એનાં મમ્મી-પપ્પાએ સ્પષ્ટ ના કહી દીધી અને થોડા જ સમયમાં એનાં લગ્ન એમની નાતના એક યુવાન સાથે કરી દીધા. એનાં મમ્મી-પપ્પાએ જે યુવાન પસંદ કર્યો હતો એ અવ્વલ નંબરનો આળસુ અને અવળા માર્ગે ચડેલો હતો. લગ્નનાં એક વર્ષમાં તો દિવ્યાની હાલત એવી થઇ ગઇ હતી કે કોઇ એને ઓળખી ન શકે. દિવસ આખો કામ કરીને થાકેલી દિવ્યાએ રાતે તો પતિને પોતાનું શરીર સોંપવું જ પડતું મને-કમને પણ, નહીંતર એના પર એનો પતિ હાથ ઉપાડતો. આવી સ્થિતિમાં દિવ્યાને પ્રીતેશ ખૂબ યાદ આવતો. ગયા વર્ષે હોળી-ધુળેટીના તહેવારમાં જ દિવ્યાનો પતિ કોઇની સાથે છેડતી કરતાં પકડાયો અને લોકોએ એને એવો માર માર્યો કે એની કરોડરજ્જુમાં ઇજા થતાં એનો કમર નીચેનો ભાગ લકવાગ્રસ્ત બની ગયો. દિવ્યા અત્યાર સુધી તો પતિના હાથનો માર ખાઇને અને એની ભૂખ સંતોષીને જેમતેમ જીવતી હતી, પણ હવે ખાટલાવશ પતિના મોંમાંથી નીકળતા અપશબ્દો પણ સહેવાનો સમય આવ્યો હતો જે સાંભળીને એ ત્રાહિમામ્ પોકારી જતી. આજે એ બહાર નીકળી ત્યારે બાજુમાંથી બાઇક પર પ્રીતેશ પસાર થયો અને દિવ્યાએ બૂમ પાડી, ‘પ્રીતેશ…’ બાઇકને બ્રેક લાગી અને પ્રીતેશે પાછળ નજર કરી. પળવાર તો એને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. આ એ જ દિવ્યા હતી, જેની સુંદરતા કોલેજમાં સૌની ઇર્ષાને પાત્ર બની હતી? જેની પાછળ પોતે પાગલ હતો? દિવ્યા બિલકુલ ઓળખાય એવી નહોતી રહી. પ્રીતેશ એની પાસે આવ્યો અને દિવ્યા આસપાસના લોકોની પરવા કર્યા વિના એને વળગી પડી, ‘મારાં મમ્મી-પપ્પાએ મારાં લગ્ન કરાવી દીધા છે પ્રીતેશ અને…’ પ્રીતેશ બધું સમજી ગયો. એણે દિવ્યાને કહ્યું, ‘મારાં મમ્મી-પપ્પા તને સ્વીકારવા તૈયાર છે…’ દિવ્યા એની સામે જોઇ રહી. પ્રીતેશ બોલ્યો, ‘મેં જ્યારે પ્રેમનો એકરાર કર્યો, ત્યારે પણ તહેવારનો ગુલાલ મારી સાથે હતો અને આજે જ્યારે હું તને મારી સાથે લઇ જવાનું કહું છું ત્યારે પણ ગુલાલ જ મારો સાથી છે. બોલ, આવે છે, મારી સાથે?’ દિવ્યાએ હકારમાં માથું હલાવ્યું અને પ્રીતેશે બાજુમાં ઊભેલી રંગોની લારીમાંથી ગુલાલ ળઇને દિવ્યાની સેંથીમાં પૂરી દીધું. લોકલાજની પરવા કર્યા વિના બે પ્રેમી આજે વર્ષો પછી એક થઇ ગયાં.

અન્ય સમાચારો પણ છે...