તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કવર સ્ટોરી:વૃદ્ધાશ્રમો આશીર્વાદરૂપ જ છે!

એષા દાદાવાળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જે સંતાનો વૃદ્ધ મા-બાપની દરકાર કરવાનું માંડી વાળી એમને વૃદ્ધાશ્રમ ખાતે જમા કરી આવે છે એવાં સંતાનો સમાજ માટે કલંક છે, મા-બાપને આશરો આપતા વૃદ્ધાશ્રમો નહીં જ!

‘અમે એમને લઇ જઇ શકીએ એમ નથી. તમે તમારે ત્યાં જ રાખો’, ‘અમારા ઘરમાં તો પૂરતી જગ્યા જ નથી...!’, ‘અમે પતિ-પત્ની અને બાળકો મળીને કુલ ચાર જણ, એમાં વળી એમને લઇ આવીએ તો બે બેડરૂમમાં બધા રહીએ કેવી રીતે?’ આ એવાં સંતાનોના જવાબો છે જેમને કોરોનાના સમયમાં વૃદ્ધાશ્રમમાં એકલાં રહેતા મા-બાપની લગીરે ચિંતા નહોતી. સુરતનાં અશક્તાશ્રમ ટ્રસ્ટ દ્વારા ‘આશિયાના’ ચલાવવામાં આવે છે. આ આશિયાનાને તમે ‘રિસોર્ટ ફોર ઓલ્ડ એજ પીપલ’ કહી શકો. અહીં એવાં વૃદ્ધો રહે છે જેમનું કોઇ નથી, જેમનાં સંતાનો વિદેશ રહે છે, જેમનાં સંતાનો શહેર બહાર નોકરી કરે છે અને જેમનાં સંતાનો એમને પોતાની સાથે રાખવા તૈયાર નથી. આ આશિયાનાના ટ્રસ્ટી નયનભાઇ ભરતિયાએ કોરોનાના સમયમાં આ સંતાનોને વૃદ્ધ માતા-પિતાને થોડો સમય ઘરે લઇ જવા વિનંતી કરી. નયનભાઇની ચિંતા વાજબી હતી. કો-મોર્બિડ અવસ્થામાં જીવતાં વૃદ્ધો કોરોનાનાં નિશાના પર હતાં અને એકને કોરોના થાય તો બાકીનાં બધાને ચેપ લાગવાની શક્યતા હતી. મોટાભાગનાં સંતાનોએ મા-બાપને લેવા આવવાની ઘસીને ના પાડી દીધી. એ પછી આશિયાનાએ દરેક વૃદ્ધને અલાયદા રૂમમાં રાખ્યા, એમની શારીરિક અને માનસિક કાળજી લીધી અને ઘર જેવી જ હૂંફ પણ આપી. વૃદ્ધાશ્રમ તો ન જ હોવા જોઇએ… વૃદ્ધાશ્રમ એ સમાજ પર લાગેલું કલંક છે જેવી આદર્શ વાતો વચ્ચે એક વાસ્તવિકતા એવી પણ છે કે વૃદ્ધાશ્રમો એ સમાજ માટે આશીર્વાદરૂપ છે અને દંભનો આંચળો છોડી આ વાત આપણે સૌએ સ્વીકારવી જ પડશે. આમ જોવા જઇએ તો આદર્શ વાત, આદર્શ ઘટના અને આદર્શ પરિસ્થિતિ એ જ છે કે ઘરડાંં મા-બાપ આપણી સાથે આપણાં જ ઘરમાં રહેવા જોઇએ. એમની સાર-સંભાળ લેવાવી જ જોઇએ અને જરૂરત કરતા વધારે લેવાવી જોઇએ. આખી જિંદગી એ જે નથી ભોગવી શક્યાં એ કમ્ફર્ટ એમને મળવી જ જોઇએ. એ માંદા પડે તો એમનાં માટે ચોવીસ કલાકની નર્સ રાખી શકીએ, એમનાં નાના-મોટા કામ માટે ચોવીસ કલાકનાં કેર-ટેકર રાખી શકીએ એટલી આપણી હેસિયત હોવી જોઇએ જ, પણ જે સંતાનો આવી હેસિયત કેળવી શક્યા નથી એ? જે સંતાનોની વારે-વારે ટ્રાન્સફર આવે છે અને ઘરડાંં મા-બાપ શહેર છોડવાની ફટાક કરતી ના પાડી દે છે એમણે શું કરવાનું? આદર્શોને પંપાળીને નોકરી છોડી દેવાની કે જે સુવિધાઓ ઘરમાં પણ નથી એવી સુવિધાઓ વચ્ચે ઘરડાંં મા-બાપને હમઉમ્ર સાથીદારો સાથે બાકી બચેલી જિંદગીનો લુફ્ત ઉઠાવવા દેવાનો? હું બહુ સાફપણે એવું માનું છું કે જે મા-બાપે પોતાનાં જ ઘરમાં હિજરાઇ-હિજરાઇને રહેવું પડે છે, ઘણું કહેવું હોય છતાં મૌનનો આંચળો ધારણ કરી લેવો પડે છે, બાકી બચેલી જિંદગી બોજ જેવી લાગવા માંડે છે, ઘરનાં ખૂણે છાના-માના રડી લેવું પડે છે. જે અકાળે વિધુર કે વિધવા થઇ ગયા છે, ‘પોતાની વ્યવસ્થા પોતે જાતે કરી લો..’ એવું કહેવા જેટલા કમાવતર જે મા-બાપ નથી થઇ શકતા એવાં મા-બાપ માટે વૃદ્ધાશ્રમો જરૂરી છે. આપણે વૃદ્ધાશ્રમને સમાજનું કલંક ગણાવતા આવ્યા છીએ પણ હકીકતે જે સંતાનો વૃદ્ધ મા-બાપની દરકાર કરવાનું માંડી વાળી એમને વૃદ્ધાશ્રમ ખાતે જમા કરી આવે છે એવાં સંતાનો સમાજ માટે કલંક છે, મા-બાપને આશરો આપતા વૃદ્ધાશ્રમો નહીં જ. વૃદ્ધાશ્રમો માટે શર્ત એટલી છે કે એ પાંજરાપોળ જેવાં ન હોવા જોઇએ. જો કે હવે મોટાભાગના વૃદ્ધાશ્રમો રિસોર્ટ જેવા હોય છે. ઘરમાં ન હોય એવી બધી જ ફેસિલિટીઝ અને એમિનિટીઝ વચ્ચે વૃદ્ધો જીવી શકે છે અને હમઉમ્ર દોસ્તો પણ બનાવી શકે છે. હું એવું માનું છું કે એમના નામ પણ વૃદ્ધાશ્રમને બદલે ઓલ્ડ એજ લાઇફ હોમ કે ઓલ્ડ એજ હોમ ક્લબ જેવા આધુનિક કરી નાંખવા જોઇએ અને આવા આધુનિક નામવાળાં, ફુલ્લી એમિનિટિઝ સાથેનાં ફાઇવસ્ટાર ક્લબવાળા વૃદ્ધાશ્રમો આપણાં દંભને ચોક્કસ માફક આવી જશે. હું પૈસા કમાઉં છું, મારી માને-મારી આજુબાજુના ઘરડા થતા જતા સંબંધોને સાચવી શકું છું, જાળવી શકું છું. મારી જેમ જ અનેક એવાં સંતાનો છે જે પોતાનાં મા-બાપને સાચવી શકે છે પણ નાના થતા જતા પરિવારમાં બે છેડા ભેગા કરવા આખો દિવસ નોકરી કરતાં દીકરો-વહુ તો ચાલી નહીં શકતી મા બાથરૂમમાં લપસી તો નહીં ગઇ હોય ને…કે ડાયાબિટિક પિતાની સુગર ડાઉન તો નહીં થઇ ગઇ હોય ને…એવી ચિંતામાં આખો દિવસ ફફડ્યાં કરે છે. ચિંતાનાં ભય વચ્ચે નોકરી કરતાં પતિ-પત્ની પોતાનાં મા-બાપને ડે કેરમાં મૂકી આવી શકે જ્યાં એમની કાળજી તો લેવાય જ પણ અચાનક તબિયત બગડે તો તરત અને તરત જ સારવાર મળી રહે. આવા મા-બાપે આખો દિવસ એકલતામાં ઝૂરવું ન પડે. આવા મા-બાપ ડે-કેરમાં પોતાના હમઉમ્ર દોસ્તો સાથે ટીવી જોઇ શકે, ચેસ રમી શકે, કેરમ રમી શકે, કરાઓકે પર ગાઇ શકે કે ગપ્પાં પણ મારી શકે. પશ્ચિમનાં દેશોમાં ઓલ્ડ એજ હોમના કોન્સેપ્ટ્સ છે જ્યાં વૃદ્ધો પોતાની મરજીથી રહેવા જાય છે. આ ઓલ્ડ એજ હોમ ભારતનાં પાંજરાપોળ જેવા હરગિઝ નથી હોતા. આમ પણ ત્યાંના દેશોમાં થૂંકે ચોંટાડીને પરિવારને સાથે રાખવામાં આવતા નથી. દીકરો અને વહુ પોતાની સ્વતંત્રતા પ્રમાણે જીવી શકે એ માટે મા-બાપ એમને અઢાર વર્ષની ઉંમરે જ જુદા રહેવા મોકલી આપે છે. અહીંયા, મા-બાપ પ્રત્યેની જવાબદારીમાંથી છટકી જવાની વાત હરગિઝ નથી. સારસંભાળની બાદબાકી કે બેદરકારીના ઉમેરાની વાત નથી. જે લોકો મા-બાપ પ્રત્યેની આર્થિક અને શારીરિક જવાબદારી ઉઠાવી શકે છે એમણે ઉઠાવવાની જ છે, પણ જે લોકો ઉઠાવી શકતા નથી એ લોકો ઘરડાં મા-બાપને આવા ઓલ્ડ એજ હોમ દ્વારા બહેતર જીવન આપી જ શકે. આપણાં સગ્ગા મા-બાપ ખાતર દંભ વચ્ચેથી બહાર નીકળીએ. વૃદ્ધાશ્રમને સમાજનું કલંક ગણાવતાં કેટલાંક સંતાનો પોતાનાં સગ્ગા ઘરને વૃદ્ધાશ્રમ જેવું બનાવી દેતા હોય છે એ પણ કારમી વાસ્તવિકતા જ છે. એના કરતા ઘરમાં રહીને આંખમાં ઝળઝળિયાં લાવ્યાં વિના હસતા મોઢે હળાહળ પીતાં રહેતાં મા-બાપ માટે વૃદ્ધાશ્રમો આશીર્વાદ સમાન છે એ વાત સ્વીકારી લઇએ. dadawalaesha@gmail0.com

અન્ય સમાચારો પણ છે...