શરીર પૂછે સવાલ:વારંવાર પગની નસ પર નસ ચડી જાય છે!

એક મહિનો પહેલાલેખક: વનિતા વોરા
  • કૉપી લિંક

પ્રશ્ન : મારા દીકરાની દીકરી છ વર્ષની છે અને તેને સ્માર્ટફોનની લત લાગી ગઇ છે. તે જ્યારે ઘરે હોય ત્યારે તેના રૂમમાં જ ભરાઇ રહે છે અને ફોન પર યુટ્યૂબ જ જોતી રહે છે. મેં મારા દીકરાનું ઘણી વખત ધ્યાન દોર્યું પણ તેને એમાં કંઇ જ ખોટું નથી લાગતું. શું મારી પૌત્રીનું વર્તન યોગ્ય છે? એનાથી એની તબિયતને કોઇ નુકસાન થઇ શકે? એક મહિલા (અમદાવાદ) ઉત્તરઃ તમારી પૌત્રીનું વર્તન બિલકુલ યોગ્ય નથી. આજકાલ મોટાભાગના બાળકોના હાથમાં સ્માર્ટફોન કે ટેબ્લેટ જોવા મળે છે. મોટાભાગના માતા-પિતા પોતાના કામની સરળતા માટે અથવા તો બાળક તેમને ડિસ્ટર્બ ન કરે એ માટે તેમનાં હાથમાં આ ગેજેટ્સ પકડાવી દેતાં હોય છે. જોકે બાળકને યોગ્ય વયે આ ગેજેટ્સ આપવામાં આવે તો ફાયદો થાય છે, પણ જો એવું ન થાય તો એ બાળકના વિકાસ પર અસર કરી શકે છે. જે બાળકો સતત ગેજેટ્સમાં રમમાણ રહે છે અને ઘરની બહાર રમવા પણ નથી જતા તેમની શારીરિક પ્રવૃત્તિઓમાં ઘટાડો થાય છે જેના કારણે સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. જે બાળક પોતાનો મોટાભાગનો સમય ગેજેટ્સ પર પસાર કરે છે, તેમના વ્યવહારમાં ગુસ્સો વધારે જોવા મળે છે. બાળકની આંખો પણ ખરાબ થઈ શકે છે. ગેજેટ્સનો વધારે પડતો ઉપયોગ કરનારું બાળક અન્ય બાળકો સાથે ઓછું રમે છે અને તેના મિત્રો પણ ઓછા બને છે. બાળક ફોનમાં રમમાણ રહે એનાં કરતાં કુદરતની વધારે નજીક રહે એ જરૂરી છે. આનાથી બાળકની કલ્પનાશક્તિમાં વધારો થાય છે. હકીકત એ છે કે, ખરી દુનિયા ગેઝેટ્સની બહાર જ છે. તમે જો એવું ઇચ્છતા હોવ કે તમારા બાળકમાં સંવેદના જીવતી રહે, એ હસતું-બોલતું અને ખીલતું રહે તો તેને મોબાઇલથી થોડાક દૂર રાખો. એક દાદી તરીકે તમારી સતર્કતા બિલકુલ યોગ્ય છે. પ્રશ્ન : હું છેલ્લા ત્રણ વર્ષથી એક યુવકને પ્રેમ કરું છું. અમે ભવિષ્યમાં લગ્ન કરવાનાં છીએ. અમે એકબીજાની સંમતિથી ઘણી વાર સંબંધ પણ બાંધ્યો છે. છેલ્લા થોડાક સમયથી તે કોઇ સાવચેતી રાખતો નથી અને હું ના કહું કે આનાકાની કરું તો તે વિશ્વાસની વાત કરે છે. મને તેના પર વિશ્વાસ છે જ, પણ સુરક્ષાની બાબતે મારે તેને કઈ રીતે સમજાવવો? એક યુવતી (વડોદરા) ઉત્તરઃ તમારી ભૂલ એ છે કે તમે લગ્ન પહેલાં જ સીમાઓ ઓળંગી છે. જો તમારું ખરેખર લગ્ન કરવાનું પ્લાનિંગ હોય તો વહેલી તકે એ દિશામાં નક્કર નિર્ણય લઇ લો. હવે વાત કરીએ ઐક્ય માણવા દરમિયાન સુરક્ષાની તો તમારી ચિંતા સ્વાભાવિક છે. તમારા પ્રેમીને સમજાવો કે વાત સુરક્ષાની છે અને તે ન જાળવવાથી ગર્ભ રહેવાની પણ શક્યતાઓ રહે છે. માટે તેમને પ્રેમથી સમજાવો અને ન માને તો તમારા નિર્ણય પર મક્કમ રહો કારણ કે ભવિષ્યમાં તમે જ મુશ્કેલીમાં મુકાઇ જાઓ એવું બની શકે. આ સિવાય કોન્ડોમ જેવા પ્રોટેક્શનનો ઉપયોગ જાતીય રોગો સામે રક્ષણ આપે છે. લેટેક્સનાં કોન્ડોમ તમને જાતીય જીવન દરમિયાન એચઆઈવી, હર્પિસ જેવા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ એટલે કે જાતીય સંક્રમિત રોગ સામે રક્ષણ આપે છે. રિબ્ડ અને સ્ટડેડ સહિતના વિવિધ પ્રકારના ટેક્સચર્ડ કોન્ડોમ્સ જાતીય અનુભવને વધુ આનંદદાયક અને સંતોષકારક બનાવે છે. તમે આ બધી દલીલો તમારા પ્રેમી સાથે કરીને તેને પ્રોટેક્શનનો ઉપયોગ કરવા માટે સમજાવી શકો છો. પ્રશ્ન : હું 62 વર્ષનો પુરુષ છું. મને ઘણી વખત પેટમાં સતત ચૂંક આવે છે. મને એલોપથીમાં ખાસ વિશ્વાસ નથી. મારી આ સમસ્યાનો આર્યુવેદમાં કોઇ ઉકેલ હોય તો જણાવવા વિનંતી. એક પુરુષ (રાજકોટ) ઉત્તરઃ ઘણી વાર કેટલાક લોકોને પેટમાં સતત ચૂંક આવ્યાં કરતી હોય છે. આમ થવાનું કારણ પાચન અંગેની સમસ્યા હોઇ સકે છે. નાના આંતરડાની બગડેલી પાચનક્ષમતા અને ભોજનના ખરાબ તત્ત્વોનું શોષણ થવાથી પેટ ફૂલવા લાગે છે. આયુર્વેદમાં આને વાત અને પિત્તનો દોષના અસંતુલનને કારણે અધોમન તરીકે પણ ઓળખવામાં આવે છે. કેટલાક રોગ જેવા કે, આઇબીએસ, કબજિયાત, હર્નિયા, ઓછા રેસાંવાળો ખોરાક લેવો, આળસુ અને બેઠાડુ જીવનશૈલી પણ આના માટે જવાબદાર હોય છે. આ સમસ્યામાં પેટ ફૂલવા ઉપરાંત અન્ય લક્ષણોમાં પેટમાં કે માથાનો દુખાવો, સુસ્તી, કંટાળો આવવો, ઉબકાં આવવા, ભૂખ ઓછી લાગવી, પેટ ભારે લાગવંુ અથવા દુખાવો થવો વગેરે છે. આના ઉપાય તરીકે જીરકાયરિષ્ટ, વિરેચન અને બસ્તી જેવાં ડીટોક્સિફિકેશન (પંચકર્મ) કરાવવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત ખોરાકમાં પણ ફેરફાર કરવાનો રહે છે. કાચા ખાદ્યપદાર્થો, કાચું સલાડ, ફણગાવેલ કઠોળ અને દાળ ન ખાવાં. ચા, કોફીનું સેવન, રાત્રે મોડા ભોજન કરવું, સોફ્ટ ડ્રિંક અને ફર્મેન્ટેજ ખાદ્યપદાર્થો જેવા કે દહીં, પનીર, અથાણું, સોયા સોસ, વિનેગર વગેરેનું સેવન પણ ન કરવું. પ્રશ્ન : મારી વય 76 વર્ષની છે. મને દિવસે અને રાત્રે સૂતી વખતે અમુક સમયે પગમાં રગ ચડી જાય છે અને એના પછી અસહ્ય દુખાવો થાય છે. આ દુખાવો માંડ માંડ મટે છે. આવું શું કામ થાય છે અને આ સમસ્યાને ઉકેલવાનો યોગ્ય ઉપાય બતાવશો? એક પુરુષ (સાણંદ) ઉત્તરઃ વધતી વયે આ સમસ્યા થવાના અનેક કારણ છે. શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ(વિદ્યુતીય તરંગોના તત્વ) અન ન્યુરોકેમિકલ્સનુ અસંતુલન, નસોની કમજોરી(ન્યુરોપેથી), ન્યુરોલોજિકલ વિકાર, પોષકતત્વોની કમી ખાસ કરીને વિટામીન ડી અને બી-12 તેમજ વધુ ઉંમરમાં નસો અને માંસપેશીઓની કમજોરી મુખ્ય કારણ છે. ઘણી વાર થાઇરોઇડ, ડાયાબિટીસ, અંતસ્ત્રાવી ગ્રંથિઓ સાથે જોડાયેલી કોઇ સમસ્યા, હૃદયરોગ અને કેન્સરના ઇલાજ માટે લેવાતી દવાઓને નિયમિત લેવાથી જે અસર શરીરને થાય છે તેમાનું એક લક્ષણ પગની નસોમાં ખેંચાણ પણ છે. ફાઇબ્રોમાઇલજિયા રોગના કારણે પણ શરીરના વિવિધ અંગમાં નસોમાં ખેંચાણની સમસ્યા થાય છે. જો આવી સમસ્યા હળવી હોય તો સારવાર માટે સૂતા સમયે પગની નીચે મોટું ઓશિકું રાખીને સૂવો. જે જગ્યાએ આ સમસ્યા વારંવાર થતી હોય, ત્યાં બરફથી માલિશ કરો. એવું કરવાથી રાહત મળશે. જ્યાં આ સમસ્યા વારંવાર થતી હોય, ત્યાંની પેશીઓ અને તંતુઓને ખેંચો અને ધીરે-ધીરે તેની માલિશ કરો. વજન ઘટાડો અને રોજ પગપાળા ફરવા જાઓ. તેનાથી પગની નસો મજબૂત થાય છે.

અન્ય સમાચારો પણ છે...