રસથાળ:ફણગાવેલાં કઠોળની પૌષ્ટિક વાનગીઓ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફળગાવેલાં કઠોળનું સેવન સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક છે. કઠોળ ફણગાવવાથી તેમાં જુદા જુદા વિટામિનોની માત્રામાં અનેકગણો વધારો થાય છે. આ ફણગાવેલાં કઠોળમાંથી અનેક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ બનાવી શકાય છે. આ વાનગીઓ બનાવવામાં સરળ છે અને સ્વાસ્થ્ય માટે પણ સુપાચ્ય છે

ફણગાવેલાં મગનો સૂપ

સામગ્રી : ફણગાવેલ મગ-1 કપ, લસણ-2 કળી, લીલું મરચું-1 નંગ, હળદર-અડધી ચમચી, લીંબુનો રસ-4થી 5 ટીપાં, મીઠું-સ્વાદ મુજબ, ઘી-1 ચમચી, જીરું-અડધી ચમચી રીત : ફણગાવેલાં મગ, લસણ, લીલું મરચું, મીઠું, હળદર અને 1 ગ્લાસ પાણી સાથે કૂકરમાં 2 સિટી વગાડીને બાફી લો. હવે બ્લેન્ડર ફેરવી ગાળી લો. ઉપર ઘી-જીરુંનો વઘાર કરો. લીંબુનો રસ નિચોવી થોડાં ફણગાવેલાં મગ નાખી ગરમ ગરમ સર્વ કરો.

કઠોળ ચાટ સામગ્રી : ફણગાવેલાં કઠોળ-2 વાડકી, ડુંગળી-1 નંગ, ટામેટું-1 નંગ, કાકડી-અડધો કપ, સેવ-અડધી વાડકી, દહીં-અડધી વાડકી, મીઠી ચટણી-3 ચમચી, લીલી ચટણી-2 ચમચી, ચાટ મસાલો-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, લાલ મરચું પાઉડર-અડધી ચમચી, પૂરી-10 નંગ રીત : એક બાઉલમાં આપના મનગમતા કઠોળ લેવા. ડુંગળી, ટામેટાં અને કાકડીને નાના ટુકડાઓમાં સમારી લો. હવે દરેક વસ્તુઓ એક પછી એક ઉમેરતા જાઓ અને મિક્સ કરતા જાઓ. સહુથી છેલ્લે ચટણી, દહીં અને પૂરીઓનો ભુક્કો ભભરાવો અને સ્વાદિષ્ટ કઠોળ ચાટની મજા માણો. સ્પ્રાઉટસ ઢોકળાં સામગ્રી : રવો-1 કપ, ફણગાવેલાંં મગ-અડધો કપ, લીલાં મરચાં-3 થી 4 નંગ, આદું-નાનો ટુકડો, તેલ-2 ચમચી, તલ-અડધી ચમચી, બેકિંગ સોદા-પા ચમચી, લીમડાનાં પાન-7થી 8, મીઠું-સ્વાદ મુજબ, દહીં-અડધો કપ, પાણી-અડધો કપ રીત : રવામાં દહીં નાખી બરાબર મિક્સ કરી 10 મિનિટ બાજુ પર રહેવા દેવું. મિક્સરમાં મગ, આદું અને મરચાંને પીસી લેવા. રવામાં આ પેસ્ટ ઉમેરી સ્વાદ મુજબ મીઠું નાખો. ઢોકળાં ઉતારતી વખતે બેકિંગ સોડા નાખી તેલથી ગ્રીસ કરેલી થાળીમાં 10 મિનિટ માટે મધ્યમ તાપે થવા દો. ઉપરથી રાઈ, તલ, લીમડાનો વઘાર ઢોકળાં પર રેડો. સ્પ્રાઉટસ ઢોકળાંની મજા સરસ મજાની ચા સાથે માણો. ફણગાવેલાં વઘારીયા સામગ્રી : વાલ-પા કપ,મગ-પા કપ, મઠ-પા કપ, ચણા-પા કપ, અજમો-અડધી ચમચી, રાઈ-પા ચમચી, હિંગ-પા ચમચી, હળદર-અડધી ચમચી, લાલ મરચું પાઉડર-2 ચમચી, તેલ-4 ચમચી, મીઠું-સ્વાદ મુજબ , લીંબુનો રસ-2 ચમચી રીત : કઠોળને 4થી 5 કલાક પલાળી રાખો. ત્યારબાદ ફણગાવા મૂકવાં. વઘારીયા બનાવવા માટે કૂકરમાં 2 ચમચી તેલમાં ગરમ અજમો ઉમેરી દરેક કઠોળને 1 સિટી વગાડી બાફી લો. કડાઈમાં ફરી 2 ચમચી તેલ મૂકી હિંગ વઘારમાં મૂકો. લાલ મરચું પાઉડર ઉમેરી તરત જ પા ગ્લાસ પાણી નાખવું. અન્ય મસાલા પણ ઉમેરી દેવા. ઘટ્ટ થઇ જાય એટલે બાફેલાં વાલ ઉમેરી પાણી એકદમ બળી જાય ત્યાં સુધી થવા દેવું. લીંબુનો રસ અને કોથમીર સાથે આ વઘારીયા પીરસો. સ્પ્રાઉટ્સ ચિલ્લાસામગ્રી : ફણગાવેલાં કઠોળ- મગ, મઠ, ચણા-2 કપ, ઓટ્સનો પાઉડર-1 કપ, દહીં-1 કપ, લીલાં મરચાં-2થી 3 નંગ, આદું-નાનો ટુકડો, લાલ મરચું પાઉડર-1 ચમચી, ધાણાજીરું પાઉડર-1 ચમચી, જીરું-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, પાણી-જરૂર મુજબ

રીત : ફણગાવેલાં કઠોળને યોગ્ય ધોઈ લેવાં. ઓટ્સ પાઉડરને મિક્સરમાં પીસી એકદમ બારીક પાઉડર બનાવી લેવો. ત્યારબાદ મિક્સર જારમાં કઠોળ, દહીં, લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, જીરું, લીલા મરચાં, આદું અને જરૂરિયાત મુજબ પાણી ઉમેરી ખીરું બનાવવું. એક બાઉલમાં આ ખીરું કાઢી તેમાં ઓટ્સ પાઉડર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી 15 મિનિટ સુધી બાજુ પર રહેવા દેવું. નોન સ્ટીક પેન ગરમ થાય એટલે તેલ વડે ગ્રીસ કરી તૈયાર કરેલ ખીરું પાથરવું. બંને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગ થાય એ મુજબ શેકી સ્વાદિષ્ટ ચિલ્લાને કોથમીરની ચટણી અથવા ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

અન્ય સમાચારો પણ છે...