મીઠી મૂંઝવણ:ટીનેજર દીકરી કહ્યામાં નથી...!

મોહિની મહેતા11 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : હું 24 વર્ષીય યુવતી છું અને એેક કોર્પોરેટ કંપનીમાં કામ કરું છું. મારી સમસ્યા એ છે કે મારી સાથે કંપનીમાં કામ કરતો એક આધેડ વયનો પુરુષ કોઇ કારણ વગર મને ટીકી ટીકીને જુએ છે. મને તેમની નજર વિકૃત લાગે છે અને તેમની આ હરકત બિલકુલ પસંદ નથી પડતી. જોકે તેઓ એવી કોઈ હરકત નથી કરતા કે મારે મેનેજમેન્ટને ફરિયાદ કરવી પડે. મારી સહનશક્તિની હદ આવી ગઈ છે. આ સંજોગોમાં મારે શું કરવું જોઇએ? એક મહિલા (અમદાવાદ) ઉત્તર : તમારા જેવી પરિસ્થિતિમાંથી અનેક યુવતીઓ પસાર થતી હોય છે. આવા પુરુષો માનસિક રીતે બહુ ડરપોક હોય છે. ભારતના ઘણી જગ્યાઓએ માનુનીઓ પુરુષોની આવી નજરનો શિકાર બનતી હોય છે. યુવતી પ્રવાસ કરતી હોય, રેસ્ટોરાંમાં ભોજન લેતી હોય, ખરીદી કરવા શોપિંગ મોલમાં ગઈ હોય, ઓફિસમાં હોય કે પછી દેવાલયમાં... પરંતુ જો કોઈ પુરુષ સતત તમારી સામે તાક્યા કરે અને આ વાત સહન ન થાય તો બહેતર છે કે સીધા એ પુરુષ પાસે પહોંચી જાઓ અને આકરા શબ્દોમાં તેને આવું ન કરવા માટે કહો. મોટાભાગના કિસ્સાઓમાં આટલું કરવાથી જ સમસ્યાનો અંત આવી જશે. મોટાભાગના કિસ્સાઓમાં જ્યારે તમે તેની પાસે જવાનો પ્રયાસ કરશો ત્યારે તે બીજે ક્યાંક જોવા લાગશે. તે એવી રીતે વર્તશે જાણે કશું બન્યું જ નથી. જો તમે તેને કાંઈ કહેશો તો તે લાળા ચાવવા લાગશે. પણ તમે તેની વાત તરફ ધ્યાન આપ્યા વિના આજુબાજુના લોકોને ભેગાં કરી દો. અને પછી તેને પોલીસ થાણામાં લઈ જાઓ. તેને સીધોદોર કરવા આટલું પૂરતું છે. કોઈક પુરુષો એટલા નફ્ફટ હોય છે કે તે તમારી સામે ટીકી ટીકીને જોયા કરતાં હોય અને તમે વિરોધ કરો તો પોતાની મેલી નજરનો આરોપ તમારા માથે જ મઢી દેશે. જો તમે સ્લીવલેસ ટોપ કે સ્કર્ટ જેવો પોશાક પહેર્યો હશે તો તે કહેશે કે તમે આવા પરિધાન પહેરીને જાહેરમાં ફરો તો લોકોની નજર તો ચોંટવાની જ. જો તે આવી વાત કરે તો તેને પોલીસ સ્ટેશન લઈ જાઓ. આ સિવાય મહિલાઓની સલામતી માટે પોલીસ દ્વારા હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવતી હોય છે. આ હેલ્પલાઇનનો નંબર જાણીને હાથવગો રાખો અને પરિસ્થિતિ વણસી જાય તો એની મદદ પણ લઇ શકો છો. પ્રશ્ન : ગણતરીના દિવસો પછી મારાં લગ્ન છે. મારાં સાસરિયાં બહુ સારા છે અને તેમના સપોર્ટથી જ હું લગ્ન પછી પણ જોબ ચાલુ રાખવાની છું. મારા મનમાં તેમના માટે બહુ માનની લાગણી છે. લગ્ન પછી જીવનમાં આગળ કોઇ સમસ્યા ન થાય એ માટે મારે કઇ વાતનું ધ્યાન રાખવું જોઇએ? એક યુવતી (સુરત) ઉત્તર : આજની મહિલાઓ ન માત્ર પોતાના અધિકારને લઈને સ્વતંત્ર છે પરંતુ પુરુષોની જેમ ઘર બહાર નીકળીને પોતાની એક અલગ ઓળખ બનાવવામાં પણ સફળ રહી છે. તે વાત અલગ છે કે, છોકરીઓ ગમે એટલી ભણેલી હોય પરંતુ ઘર સંભાળવાની જવાબદારીથી તેઓ દૂર જઈ શકતી નથી. તમે નસીબદાર છો કે તમને સપોર્ટિવ સાસરિયાં મળ્યાં છે. નોકરી કરતી મહિલાઓને હંમેશાં તે વાતની ચિંતા રહે છે કે, શું તે ઘર અને ઓફિસની વચ્ચે સંતુલિત ભૂમિકા ભજવવામાં સફળ રહેશે કે નહીં?. જો તમે પણ ઘર અને ઓફિસની જવાબદારી વચ્ચે સંતુલન જાળવવા માગતા હો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. લગ્ન બાદ તમારે સમજવું જોઈએ કે તમે એકલા નથી. તમારો એક પરિવાર પણ છે, તે પ્રમાણે બધી બાબતોને મેનેજ કરવું પડશે. જો તમે ખરેખર ઈચ્છો છો કે કામની સાથે-સાથે પરિવારની પણ લાડકી બની રહો તો સૌથી પહેલાં વાતો સાંભળો અને પછી તેને સમજવાનો પ્રયાસ કરો. આમ કરવાથી ન માત્ર તમે તમારા સાસુ-સસરાના મનની વાતો જાણી શકશો પરંતુ તેઓ પણ તમારા કામનાં મહત્ત્વને સમજશે. તેમને તે પણ જણાવો કે, ઘરની જવાબદારીને નિભાવવામાં તમારા માટે શું શક્ય છે અને શું નથી. પતિ-પત્ની એકબીજાના સારા મિત્રો પણ હોય તે જરૂરી છે. તેથી તમે પણ પતિ-પત્ની કરતાં મિત્રો બનવાનો પ્રયાસ કરો. આમ કરવાથી તમારો પતિ તમને સારી રીતે સમજશે અને તેને તમારી જવાબદારીનો પણ અહેસાસ થશે. પ્રશ્ન : હું મધ્યમ વર્ગના પરિવારની પોસ્ટ ગ્રેજ્યુએટ યુવતી છું. હું નસીબદાર છું કે હું જેને પ્રેમ કરતી હતી એ જ છોકરા સાથે અરેન્જ્ડ મેરેજ થવાનાં છે. લગ્ન નક્કી થયાં પછી મને મારા બોયફ્રેન્ડનું વર્તન ખૂબ વિચિત્ર લાગી રહ્યું છે. હકીકતમાં તેનો પરિવાર આર્થિક રીતે સધ્ધર છે પણ આમ છતાં તેનો પરિવાર આડકતરી રીતે દહેજની માગણી કરી રહ્યો છે. મારો ફિયાન્સે પણ કહે છે કે મારે કંઈ જ તારું જોઈતું નથી, પણ તારા પપ્પા તેમની ખુશી માટે તને શું આપવાના છે? તેની આવી વાતો સાંભળીને મારો તો લગ્નમાંથી જ રસ ઉડી ગયો છે. મારે શું કરવું જોઇએ? એક યુવતી (વડોદરા) ઉત્તર : તમારા મનમાં આવી લાગણી થાય એ સ્વાભાવિક છે. પહેલી નજરે ફિયાન્સેનો આવો સવાલ સહજ અને નિર્દોષ હોય એવું જણાતું નથી, પણ જ્યારે તે કે એનો પરિવાર સીધી રીતે કોઇ માગણી નથી કરી રહ્યો ત્યારે તેની પર શંકા જન્માવીને સંબંધને કડવો કરી નાખવાનું યોગ્ય નથી. જ્યારે પણ ખુશીથી કંઈક આપવાની ઇચ્છાની વાત નીકળે ત્યારે તમારે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી દેવું કે મારા પપ્પા મને આપવા ઇચ્છતા હોય તો પણ મારે એક રૂપિયો પણ નથી લેવો. તમારે ફિયાન્સે સાથે બેસીને આ વિશે વાત પણ કરવી જોઈએ કે હું પપ્પા પાસેથી કશું જ લેવા નથી માગતી અને તેઓ આપે તોપણ આદરપૂર્વક મારે તેને નકારવું છે. તમારી આ વાતનો શું પ્રતિભાવ મળે છે એના પરથી આખી વાત ખબર પડી જશે. જો દિલ સાફ હોય તો વાંધો નથી, પણ જો એમાં ખોરી દાનત દેખાતી હોય તો હજી કંઈ મોડું નથી થયું. લગ્ન વિશે ફેરવિચારણા કરી લેવી જોઈએ. હકીકતમાં આદર્શ પરિસ્થિતિ એ છે કે તમારો બોયફ્રેન્ડ સારી રીતે તમારી જવાબદારીઓ સમજે અને તમારા પર લગ્ન વખતે કોઇ પણ દબાણ કરવાને બદલે તમારી જવાબદારી નિભાવવામાં તમારો સાથ આપે. તમે મોકળા મનથી આ વાતની તમારા બોયફ્રેન્ડ સાથે ચર્ચા કરો. આ સિવાય જો તમારે લગ્ન કરવા જ પડે એમ હોય તો લગ્ન વખતે તમે દહેજ નહીં આપો એની સ્પષ્ટતા કરી લો. આમ, પણ દહેજ લેવાની હરકત કાયદાકીય રીતે સજાને પાત્ર ગણાય છે એ વાતનો તમે પણ વાતવાતમાં આડકતરો ઇશારો આપી દો અને તમારી લાગણીને વ્યક્ત કરી દો. જો તમને એમ લાગતું હોય કે આવી રીતે વાતવાતમાં તમારી લાગણી જણાવી દેવાથી સમસ્યાનો ઉકેલ આવી જશે તો આ ઉપાય પણ અજમાવી લેવો જોઇએ।.

પ્રશ્ન : મારી દીકરી 18 વર્ષની છે. અત્યાર સુધી તે બહુ ડાહી અને સમજદાર હતી પણ હવે તેનો સ્વભાવ ધીરે ધીરે બદલાવા લાગ્યો છે. તેને વધારેને વધારે ઘરની બહાર રહેવું ગમવા લાગ્યું છે. તે હવે ઘરકામમાં મદદ કરવાનું ટાળે છે અને તે ઘરકામને નકામું કામ ગણે છે અને દરેક વાતમાં પોતાનું ધાર્યુ કરાવે છે. મને ઓફિસના કામ માટે રાત્રે મોડું થાય છે તો તેને કેમ રાત્રે બહાર જવાની પરવાનગી નથી એવી પાયા વગરની દલીલ કરે છે. આ છોકરીને કેમ સમજાવવી એની ખબર નથી પડતી. મારે શું કરવું જોઇએ? એક મહિલા (રાજકોટ) ઉત્તર : તમારી દીકરી તેનાં જીવનના અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઇ રહી છે. આ સંજોગોમાં તમારી જવાબદારી થોડી વધી જાય છે. તમે ભલે તમારી દીકરી સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખ્યો હોય પણ સંતાનોને માતા-પિતાની પણ જરૂર છે જ. કાચી માટી જેવાં સંતાનને ઘડાનું સ્વરૂપ આપવા માટે જરૂર પડ્યે ટપારવાનું કામ પણ માતા-પિતા બનીને કરવાનું છે. સંતાન સાથેના સંબંધમાં સંતુલન જાળવવાનું મહત્ત્વનું છે. દીકરી હોય કે દીકરો, બન્નેને તેમની જવાબદારીઓનું ભાન કરાવવું બહુ જરૂરી છે. સંતાનને આઝાદી આપવાની સાથે સાથે એ વાતનો અહેસાસ કરાવવો જરૂરી છે કે આઝાદી પોતાની સાથે જવાબદારી પણ લાવે છે. સ્વતંત્રતા આપવાની સાથે જો તમે સંતાનોને જવાબદાર ન બનાવો તો ઘણી બધી માનસિક અને વર્તણૂકની તકલીફો થવાની જ. માતા-પિતાની જવાબદારી ત્યારે જ સાર્થક થાય જ્યારે તમે પેરન્ટ્સ તરીકે તેમના માટે શું કરો છો અને કેમ કરો છો એનું મહત્ત્વ પણ સમજાવી શકો.

અન્ય સમાચારો પણ છે...