તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એકબીજાને ગમતાં રહીએ:નોટ જસ્ટ એ હિ-મેન, ઓલ્સો એ હ્યુમન !

4 મહિનો પહેલાલેખક: કાજલ ઓઝા વૈદ્ય
 • કૉપી લિંક
 • ફિલ્મફેર નામના મેગેઝિને આખા દેશમાં ટેલેન્ટ કોન્ટેસ્ટનું આયોજન કર્યું હતું. એમાં પંજાબથી ધર્મેન્દ્ર નામના એક હેન્ડસમ છોકરાને પસંદ કરવામાં આવ્યો. એ મુંબઈ આવ્યો, પરંતુ એને વચન આપવામાં આવેલું એવી કોઈ ફિલ્મ બની નહીં

60 વર્ષની ફિલ્મી કારકિર્દી, 85 વર્ષની ઉંમર... બે દીકરા અને ચાર દીકરીઓ, બે પત્ની સાથે જીવનના એવા પડાવે પહોંચેલી એક વ્યક્તિ કે જેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સહુ સન્માન આપે છે. એમણે જુના સંબંધો નિભાવ્યા છે, આપેલા વચનો પાળ્યા છે! 1935માં લુધિયાણા જિલ્લાના નસરાલી ગામમાં 8 ડિસેમ્બરે કેવલ કિશનસિંગ દેઓલ અને સતવંત કૌરને ત્યાં એક દીકરાનો જન્મ થયો. એનું નામ ધર્મેન્દ્રસિંગ દેઓલ પાડવામાં આવ્યું. ખેતી અને પશુપાલનનો વ્યવસાય ધરાવતા, નાનકડા ગામમાં રહેતા આ પરિવારનો દીકરો એક દિવસ પદ્મભૂષણ બનશે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ થશે અને 1960થી 2020 સુધી 60 વર્ષ સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિનેતા તરીકે કામ કરશે એવી કલ્પના એના માતા-પિતા કરી શકે એટલું ભણેલા કે વિચારતા વ્યક્તિ નહોતાં!

ફિલ્મફેર નામના મેગેઝિને આખા દેશમાં ટેલેન્ટ કોન્ટેસ્ટનું આયોજન કર્યું હતું. એમાં પંજાબથી ધર્મેન્દ્ર નામના એક હેન્ડસમ છોકરાને પસંદ કરવામાં આવ્યો. એ અભિનેતા બનવા મુંબઈ આવ્યો, પરંતુ એને વચન આપવામાં આવેલું એવી કોઈ ફિલ્મ બની નહીં. મુંબઈ પહોંચ્યા પછી ઘેર પાછા ન જવું એવા નિર્ણય સાથે કોલેજનું બીજું વર્ષ પૂરું કર્યા વગર એણે મુંબઈમાં નોકરીઓ શોધવાની શરૂઆત કરી. અભિનેતા બનવું છે એટલું એણે નક્કી કરી લીધું હતું. દિવસના ભાગમાં કામ કરતા અને બપોર પછી પ્રોડ્યુસર્સની ઓફિસમાં મળવા જવાનું એમણે ચાલુ રાખ્યું. 1960માં એટલે લગભગ 4 વર્ષની સ્ટ્રગલ પછી અર્જુન હિંગોરાનીની ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’માં એમને કામ મળ્યું. 1960થી 2020ના આ પ્રવાસમાં એમણે 300થી વધુ હિન્દી ફિલ્મો અને અન્ય ભાષાની ફિલ્મોમાં કામ કર્યું. એક એવો સમય હતો કે જ્યારે ધર્મેન્દ્રની પાછળ પાગલ છોકરીઓ એમને લોહીથી કાગળો લખીને મોકલતી. રિષિકેશ મુકરજીએ એવી પાગલ ફેનની કથાને ધ્યાનમાં લઈને એક સુંદર ફિલ્મ બનાવી, ‘ગુડ્ડી’. જેમાં જયા ભાદુરીએ એફ.ટી.આઈ.આઈ.માંથી અભિનયનું પ્રશિક્ષણ લઈને હિરોઈન તરીકે ડેબ્યુ કર્યું. ધર્મેન્દ્રએ એમાં પોતાનો, એટલે કે ‘ધર્મેન્દ્ર’નો જ રોલ કર્યો હતો. એક ખૂબ જ સારા દિલની વ્યક્તિ જ આવો રોલ સ્વીકારી શકે, કારણ કે એ ફિલ્મમાં ધર્મેન્દ્રને ગુડ્ડી એટલે કે જયા ભાદુરીના મંગેતર સામે એવું સાબિત કરવાનું છે કે એ વ્યક્તિ પોતાના કરતાં બહેતર છે ! ‘દેવર’ નામની એક ફિલ્મમાં ઉલટ-પલટ થઈ જતા લગ્નો અને એનાથી માણસના જીવનમાં સર્જાતા ઝંઝાવાતની કથા છે. (એ ફિલ્મમાં કોમેડિયન દેવેન વર્મા વિલનનો રોલ કરે છે)

આજના સ્ટાર્સ ફિટનેસ પાછળ પાગલ છે. સિક્સ પેક્સ એ આજનો લેટેસ્ટ ક્રેઝ છે. ધર્મેન્દ્રસિંગ દેઓલ ત્યારે સિક્સ પેક્સ ધરાવતા એક એવા સ્ટાર હતા જેમના શર્ટ વગરના ફોટાનું ફિલ્મ ‘ફૂલ ઓર પથ્થર’ની સફળતામાં મોટું યોગદાન માનવામાં આવે છે. ફોટોશૂટ એ જમાનામાં બહુ નવી બાબત હતી. ધર્મેન્દ્રએ પોતાના શરીર આગળ તકિયો રાખીને કરાવેલું સેમી ન્યૂડ ફોટોશૂટ એ વખતે ચર્ચાના ચકડોળે ચઢેલું. એમની ફિટનેસ અને ફિઝિક એ જમાનાના કોઈ સ્ટાર પાસે નહોતા.

આજના સમયમાં સિનેમામાં જે પ્રયોગો થાય છે એવા ખાસ પ્રયોગો ત્યારે કરવાની કોઈની હિંમત નહોતી. સીધી-સાદી પ્રેમકથાઓ, કુટુંબ કથાઓ અને લાર્જર ધેન લાઈફ-અનરિયલ શક્તિ ધરાવતા હિરોની કથા એ વખતે બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરાવતી. એવા સમયમાં ‘અનુપમા’, ‘ખામોશી’ (જેમાં એક્ચ્યુલી ધર્મેન્દ્રનો ક્લોઝઅપ પણ ભાગ્યે જ દેખાય છે), ‘ફૂલ ઔર પથ્થર’ અને ‘કાજલ’ જેવી ફિલ્મો કરવાની હિંમત એમણે દેખાડી. અગત્યનું એ નથી કે ધર્મેન્દ્ર સ્ટાર હતા કે નહીં, અગત્યનું એ છે કે એમણે જે જીવ્યા એમાં કશું જ છુપાવવાની કે કોઈ ઈમેજ બનાવવાની વ્યર્થ કોશિશ કરી નથી. મિનાકુમારી સાથે એમના સંબંધો જગજાહેર છે. આ પછી હેમા માલિની સાથેનો એમનો પ્રણય સંબંધ અને 1979માં એમનું લગ્ન, જેના વિશે પણ ખૂબ ચર્ચા અને આજની ભાષામાં ‘ટ્રોલિંગ’ થયેલું. અખબારોએ લખ્યું કે, ‘એમણે મુસ્લિમ ધર્મ અંગિકાર કરીને દિલાવરખાન અને આયેશા બીબી તરીકે લગ્ન કર્યાં.’ એમણે પોતાનું વચન નિભાવ્યું અથવા જે સ્ત્રીને પ્રેમ કર્યો એને તરછોડવાની, છેદ દેવાની કે સમાજના ભયે છોડી દેવાની ભૂલ ન કરી એ પણ એટલું જ અગત્યનું છે. એમની પત્ની પ્રકાશને જે ઓળખે છે એ જાણે છે કે ઘરમાં એમનું કેટલું સન્માન છે અને લગભગ દરેક સામાજિક નિર્ણયો પત્નીને પૂછ્યા વિના લેવામાં આવતા નથી! એમણે જાતે જ સ્ક્રીનથી દૂર રહેવાનું નક્કી કર્યું છે, પરંતુ દીકરાઓ સની અને બોબી, પુત્રીઓ વિજેતા અને અજેયીતા માતાને અત્યંત માન આપે છે. કેટલીકવાર એવું બને કે આપણને યોગ્ય લાગતી વ્યક્તિને આપણે મળીએ, અથવા એ આપણને મળે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય. જીવનના કેટલાક મહત્વના નિર્ણયો લેવાઈ ચૂક્યા હોય, પરંતુ એ પછી પણ જો આપણને આપણી ટર્મ્સ પર કે આપણી શરતોએ જીવવું હોય તો એ માટે શર્તો પાળવી પડે, ધર્મેન્દ્રએ આ વાત પોતાના જીવનથી સાબિત કરી છે.

પંજાબથી કે એમને ગામથી આવતા મહેમાનો એમના બંગલે જાય તો એમનું પૂરું માન જાળવવામાં આવે છે. હવે, ધર્મેન્દ્ર સ્ટાર છે માટે એમના સગાં કે ગામથી આવતા લોકો સાથે એમનું વર્તન બદલાયું એવી વાત આપણે ક્યારેય સાંભળી નથી. આજે જે વાત સલમાન ખાન વિશે કહેવાય છે એવું જ એક જમાનામાં ધર્મેન્દ્ર વિશે કહેવાતું. એ પત્રકારથી કે પોતાની બદનામીથી ક્યારેય ડર્યા નથી. જેવા છે તેવા જ, મીડિયાની સામે કે ફેનની સામે રજૂ થયા છે. ઈમોશનલ, સરળ અને અણગમતી વાત પર ગુસ્સો પ્રગટ કરવાનો એમનો સ્વભાવ એમણે ક્યારેય છૂપાવ્યો નથી. દેવયાની ચૌબલ નામની એક પત્રકારને એ જાહેરમાં થપ્પડ મારવા એની પાછળ દોડ્યા હતા.

કથા એવી હતી કે, ‘સ્ટાર એન્ડ સ્ટાઈલ’ અને ‘ઈવ્ઝ’ વિકલીમાં કોલમ લખતી સેક્સી પત્રકાર દેવયાની ચૌબલે પોતાની અને ધર્મેન્દ્રની લવસ્ટોરી વિશે લખ્યું હતું. કેટલાકનું કહેવું હતું કે આ લવસ્ટોરી દેવયાનીના મગજની પેદાશ હતી. જ્યારે કેટલાક લોકો એમ માનતા હતા કે ધર્મેન્દ્રનું વુમનાઈઝિંગ, ચાર્મ અથવા લફરાંબાજીનું લેવલ ઘણું વિસ્તરેલું હતું, એટલે દેવયાની સાથે એનું નાનું-મોટું લફરું થયું હોય એ વાતને તદ્દન ખોટી ઠેરવી શકાય નહીં ! ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એ ‘ગરમ-ધરમ’ તરીકે પ્રચલિત હતા. જે હોય તે, પરંતુ એક ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફંડ રેઈઝિંગ ઈવેન્ટમાં દેવયાની ચૌબલને જોઈને ધર્મેન્દ્ર એની પાછળ દોડ્યા હતા, આવું લખવા બદલ થપ્પડ મારવા માટે ! જોકે, દેવયાની ચૌબલ જ્યારે બીમાર પડ્યાં ત્યારે બાંદ્રાના એક નર્સિંગ હોમમાં જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યાં હતાં. પોતાના સમયમાં જે પત્રકારોની સુપરસ્ટાર કહેવાતી, એના સમયના સ્ટાર્સ એની કલમ અને કોલમથી ડરતા તો ક્યારેક એમાં પોતાનું નામ છપાય એ માટે મરતા એવી એ પત્રકાર સાવ એકલી અને મૃત્યુના આરે હતી ત્યારે ધર્મેન્દ્ર એમને મળવા ગયેલા એટલું જ નહીં, લગભગ રોજ ફૂલ મોકલવાની કાળજી લીધી હતી! જો કદાચ એમનું લફરું હોય, તો એમણે પોતાના જીવનમાં આવેલી એ સ્ત્રીને સન્માનપૂર્વક મૃત્યુ મળે એવો પ્રયાસ તો કર્યો.. ફિલ્મ ‘લાઈફ ઈન એ મેટ્રો’માં અભિનેત્રી અને સ્વિમર નફિસા અલી સાથે એમની સુંદર લવસ્ટોરી કે હમણાં જ રજૂ થયેલી ફિલ્મોમાં એમની કોમેડી હજી એક મંજાયેલા અભિનેતા તરીકેની એમની છાપ આપણા મનમાં છોડી જાય છે. એમની બાયોગ્રાફીનું નામ, ‘નોટ જસ્ટ એ હિ-મેન’ છે. જે રાજીવ વિજયાકરે લખી છે. એમને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો ત્યારે એમણે કહેલું, ‘નાનકડા ગામની શાળાના પ્રાથમિક શિક્ષકનો દીકરો ખાલી હાથ અને સપનાંથી છલોછલ ભરેલી આંખો લઈને આ શહેરમાં આવ્યો હતો. મને ઈન્ડસ્ટ્રીમાં 50 વર્ષ પૂરાં થયાં છે...’ એ વખતે એમના શબ્દો કોઈપણ મહત્ત્વાકાંક્ષી કે આગળ વધવા માગતા વ્યક્તિ માટે પ્રેરણા બની રહે એવા છે,

"હસરત થી પરવાઝ, લૂં... લેકે સબ કો મૈં ઉડું, માલિકને ચહેરા પઢા, સુની મેરે દિલકી સદા, કર દિયા રોશન રાસ્તા, મૈં જાનિબે મંઝિલ ચલ પડા. જીસસે ભી મૈં જા મિલા, સિને સે મેરે આ લગા, હો ગયે બુલંદ હૌસલે, હોતે ગયે તય ફાસલે, ઊભરતી લાખોં ચાહતેં બનકે બરસતી રહી દુઆએં. મૈં બસ ચલતા ગયા,ચલતા ગયા..., એક કારવાં મેરે સાથે બનતા ગયા,બનતા ગયા...’ kaajalozavaidya@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો