લઘુનવલ:‘દરેક પુરુષ અતિરાજ નથી હોતો એમ દરેક સેક્રેટરી સ્વીટી નથી હોતી!’

કિન્નરી શ્રોફએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંવરીની કથા સાંભળી અથર્વ બોલી ઉઠેલો, ‘અત્યાર સુધી હું તમારાથી પ્રભાવિત હતો, સાંવરી... પણ હવે હું તમને ચાહવા લાગ્યો છું.’

પ્રકરણ -10 આઈ વિલ કિલ યુ! દીવાલે લખેલી ધમકીએ સ્વીટીને નિચોવી નાખી. ‘હાય સ્વીટી’ કિચનમાંથી આવતા અવાજે એ ચીખી ઉઠી. અને એણે દેખા દીધી. એ જ કાળો ગાઉન, એ જ ફાટેલા માંસવાળો ચહેરો... ‘તેં સાચે જ માની લીધું કે હું તને મારીશ? ’ નજીક આવતા તેનાં ડગલાંએ સ્વીટી પાછળ હટતી જતી હતી. ‘મારી પાસે સો કરોડના હીરા છે, આટલી દૌલત પણ પૂરતી ગણાય...આપણી ખરી જન્નત તો એકમેકની બાંહોમાં જને!’ ‘નહીં! પાંચસો કરોડનું સુખ સો કરોડનાં ત્રાજવે તોલાઇ ન શકે, અતિરાજ!’ પાછળ સરકતા સ્વીટીએ ત્રાંસી આંખે નોંધ્યું: પેલાં ટેબલ પર ફૂલદાની છે, એને કબજે કરી આના માથામાં ફટકારી હોહા મચાવી દઉં તો અતિરાજ જીવતા હોવાનું જાહેર થઇ જાય. બોસે મારા પર નજર બગાડી એવું હું ગાઇ-વગાડી કહીશ તો તો પછી સાંવરી જ એનો હિસાબ લેશે, હું છૂટ્ટી! ‘સાંવરી કેવળ વાને ભીની છે છતાં તારાથી ન જીરવાઇ, તું શું માને છે કે તારા જેવા કુરૂપ થઇ ચકેલા પુરુષને હું વરતી હોઈશ?’ ટેબલ નજીક પહોંચી ફૂલદાની પર હાથ ભીડતાં સ્વીટીએ તુચ્છકાર ઉછાળ્યો, ’મારી પહેલી સગાઇ પૈસાથી હતી. તારામાં સાંવરીની વર્ણસૂગ પ્રગટાવી પોતાનો કર્યો, એ મારું પ્લાનિંગ હતું! હવે તું પાછો આવ્યો જ છે તો જાણી લે કે સો કરોડથી મારું દળદળ ફીટે એમ નથી અને તારો આ ભયંકર દેખાવ જોયો છે?’ સ્વીટીએ ફૂલદાની હાથમાં લીધી, ’મારા જેવી રૂપસુંદરી તને પરણે એવુ તેં ધાર્યુ પણ કેમ!’ કહી એણે ફૂલદાની ઉઠાવી ઝનૂનભેર ઘા તો કર્યો, પણ હાય રે, સામે પેલો જરાય અસાવધ નહોતો. કાંડાવાળો હાથ આડો કરી એણે ઘા ચૂકવ્યો અને પછી એ જ હાથની ફેંટ મારતા સ્વીટીએ હોશ ગૂમાવ્યાં! એનાં બેહોશ હોવાની ખાતરી કરી એણે સામે છતમાં જડેલા છૂપા કેમેરા તરફ જોઇ થમ્બ અપ કર્યો. વળતી પળે એના મોબાઇલમાં મેસેજ ઝળક્યો: ગુડ જોબ, વિરાજ! સાંવરીના મેસેજે મલકી જવાયુ. બેશક, એ સાંવરીને એક્સ શેઠિયાની દીકરી તરીકે ઓળખી ગયેલો. એ જોકે પોતાના પતિને શું કામ મરાવવા માંગે એ નહોતું સમજાયું, પછી એ જ એને બચાવવા બહાવરી થઇ. સ્વીટી પાછળ પડ્યો એમાં સાંવરીનાં ધણીનું સેક્રેટરી સાથે લફરુ હોવાનું સમજાયું, પણ એ બધંુ જે હોય, આપણને તો કામની માંગી રકમ મળે એટલી જ નિસ્બત. એટલે તો આડાધંધામાં પોતાનું નામ છે. સાંવરીનું કામ આજે પૂરું થયું, હવે છૂપા કેમેરાનાં રેકોર્ડિંગનું એ જે કરે એ! અને દીવાલ પરના લખાણ સાથે પોતાની હાજરીના તમામ નિશાન મિટાવી વિરાજ ત્યાંથી વંજો માપી ગયો. Â Â Â સ્ટોપ ઇટ, સાંવરી! અતિરાજ ચીખી ઉઠ્યો. જિંદગી આમ બદલાઇ જશે એવું કોણે ધાર્યુ હતું? એ રાતે ખાડી નજીકના કાચા રસ્તે બ્લાસ્ટનો બંદોબસ્ત કરનારી સાંવરી મને ઉગારવા ફોન પર ફોન કરતી હતી, એ તો હવે જાણ્યું...બાકી એનો ફોન એ સમયે તો પોતે ઉઠાવ્યો ન હોત. આ હિસાબે પણ મને ઉગારવામાં નિમિત્ત બન્યો પેલો લૂંટારો, જેને હવે તો સાંવરીએ ઓફિસમાં મોકાનું સ્થાન આપ્યંુ છે! હળવો નિશ્વાસ સરી ગયો... એ રાતે હું કારની કી લેવા વાંકો વળ્યો કે જોરદાર ધડાકો થયો ને શબ્દશઃ એના જોરે ઉછળીને ઝાડીમાં ફંગોળાયો...ચાર-છ દિવસે સરખંુ ગણાય એવું ભાન આવ્યંુ ત્યારે એટલી ખબર પડી કે જમણા હાથનું કાંડંુ ગૂમાવી બેઠેલો હું બહુ ખરાબ રીતે દાઝ્યો છું અને અજાણ્યા ઓરડામાં મારી સારવારનો તમામ ઇંતજામ કોઇએ કરાવ્યો છે. ઘણું પૂછવા છતાં મારા કોઇ પ્રશ્નનો જવાબ મળતો નહીં. ધીરે-ધીરે ઘા રુઝાતા ગયા. મારી આટલી કાળજી તો સ્વીટીને જ હોય એવું માનવું ગમતું. પણ ના... ગઈકાલે મને ઘેનની દવા અપાઇ હશે કે શું, થોડીવાર પહેલાં આંખો ખૂલી ત્યારે પોતાને ઘરમાં ભાળી ચોંકી જવાયંુ, સાંવરીને જોઇ ઓછપાઇ જવાયું. મને સાંવરીએ ઉગાર્યો? ‘મેં તમને ઉગાર્યા એને કેવળ મારા સંસ્કારનો પરિતાપ ગણજો, બસ, એટલું જ.’ સાંવરીએ સઘળા ભેદ ખોલી ઉમેરેલું: તમારા જીવનનું સૌથી વસમુ સત્ય હવે ઉજાગર થાય છે...’ એણે રૂમનાં ટીવી પર ચાલુ કરેલ સ્વીટીનાં ઘરનુ રેકોર્ડિંગ જોતા પહેલાં તો થથરી જવાયુ: સાંવરી, સ્વીટી જેને અતિરાજ સમજે છે એ પુરુષ તો કેવો ભ...યાનક દેખાય છે!’ એણે ચહેરા પર હાથ ફેરવ્યો, ‘શું હું પણ...’ જવાબમાં હોઠ ભીડી સાંવરીએ રૂમના ડ્રેસિંગ મિરરનો પડદો સરકાવતા અતિરાજ ચીસ નાખી આંખો મીંચી ગયો: ઓ મા! ‘આનાથી વધુ ભયાનક અંતરનું, ઉર્મિઓનું બળવંુ હોય છે, અતિરાજ, જે કોઇને દેખાતુ નથી, પણ મેં અનુભવ્યું છે. હવે એને વેઠવાનો તમારો વારો.’ સ્વીટીની સ્વાર્થપટુતા જોઇ-જાણી રડી પડાયંુ: ના, સ્વીટીએ મારા દેખાવ ખાતર પરણવાની ના પાડી હોત તો જતું પણ કરત, પણ એણે તો કેવળ રૂપિયા માટે મારી સાથે લવ ગેમ રમી...અરેરે! સાંવરીના અંતરમાં ગજબની તૃપ્તિ છવાઈ. અતિરાજની હત્યામાંથી મન વાળ્યા બાદ પણ વેર તો પોતે ઇચ્છતી જ હતી અને એટલે તો અતિરાજને મૃત જાહેર થવા દીધો. સ્વીટી અતિરાજને સાચા દિલથી ચાહતી હોત તો અતિરાજ ખરેખર મર્યાનુ જાણી ભાંગી પડી હોત. એ બન્યંુ નહીં, ત્યારથી એની મનસાનો અણસાર આવી ગયેલો. એ સામેથી મને છેતરવાનું એનંુ પાપ કબૂલી લે એ હેતુથી એને ડરાવી, ગૂંચવાવી અને એમાં છેવટે એ અતિરાજને પણ ચાહતી નહોતી એવો ભેદ ખૂલ્યો ખરો! આજે અતિરાજનું અંતર પણ ભડકે બળતું હશે. હાશ! ‘તમને હવે સમજાય છે, અતિરાજ? જેને પારાવાર ચાહતા હોઇએ એનાથી છેતરાઇએ ત્યારે કેવું લાગે છે?’ અતિરાજ શું બોલે? મેં ચીટ કર્યાનું જાણી સાંવરી ચૂપ નહીં જ બેસે એવી ધારણા તો હતી જ, બટ સ્વીટી? જેના મોહમાં મેં મારું લગ્નજીવન, મારી કારકિર્દી હોડમાં મૂકી એ મને ચાહતી જ નહોતી? ‘અખિલના નામે તે રોકેલા ચારસો કરોડનો હિસાબ હું માંગતી નથી, એને આપણા છૂટા પડવાનુ સેટલમેન્ટ ગણી લેજો. સ્કીન ટ્રાન્સપ્લાન્ટથી નોર્મલ લુક મેળવવો હોય તો અમારા સખાવતી ટ્રસ્ટમાં એપ્લાય કરી શકો છો. મેં બ્લાસ્ટ કરાવ્યાની પોલીસ ફરિયાદ કરવી હોય તો એની પણ છૂટ છે, અતિરાજ, હું લડી લઈશ. મારા ઘરમાં, મારી જિંદગીમાં તમારું કોઇ સ્થાન નથી.’ આ જાકારો સ્વાભાવિક હતો, ગરદન ઝુકાવી અતિરાજ નીકળી ગયો અને દરવાજો બંધ કરતી સાંવરીએ શ્વાસ ઘૂંટ્યો: એક પ્રકરણ પૂરું થયું સાંવરી, હવે કમર કસી લાઇફ્માં આગળ વધી જા! Â Â Â અને આના છ મહિના પછી અથર્વએ સાંવરીને સગાઇની અંગૂઠી પહેરાવી. મહેમાનો તાળી બજાવી ઉઠ્યાં. સાંવરી મોહભર્યા નેત્રે પિયુને તાકી રહી. કેટલંુ ઘટી ગયંુ વીત્યા આ સમયગાળામાં! મારે ત્યાંથી નીકળેલો અતિરાજ સ્વીટીને ત્યાં પહોંચ્યો હતો, એ પણ એસિડનો નાનકડો બાટલો લઈ! વિરાજના ગયા બાદ હોશમાં આવેલી સ્વીટી વળી દીવાલ કોરી જોઇ ચક્કર ખાઇ ગયેલી. ત્યાં અતિરાજ પહોંચ્યો. દરવાજો ખોલતી સ્વીટી વળી એને જોઇ ડઘાઇ. ગુસ્સામાં અતિરાજે એસિડનો બાટલો સ્વીટીનાં માથા પર ફોડ્યો...ફોડીને એ હસતો જ રહ્યો. કહેવાતા પ્યારમાં બરબાદ થઈ ચૂકેલો આદમી હસીહસીને પાગલ ઠરી ગયો ને કુરૂપ થઇ ગયેલી સ્વીટીએ પછીથી હોસ્પિટલના ચોથા માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો! સ્વાભાવિકપણે અસિડ એટેકની પોલીસ તપાસમાં અતિરાજની હયાતી, સ્વીટી સાથેનું અફેર છાના ન રહ્યાં. કંપનીમાં, સમાજમાં આની કૂથલી પણ થઇ, પરંતુ એનાથી અલિપ્ત રહીને એમના અંજામ પર હળવો નિશ્વાસ નાખી સાંવરી પોતાની જિંદગીમાં આગળ વધી ચૂકેલી. ‘સાંવરી, અતિરાજ જ અખિલ બનવાનો હતોને?’ ઘટના વિશે અન્યોથી ઘણંુ વધંુ જાણતા અથર્વ જોડે સાંવરીની ઘનિષ્ઠતા વધતી ગયેલી. જર્મનીના પ્રોજેક્ટના નામે રૂપિયાની ઉચાપત થયાનું અથર્વએ થોડા દિવસમાં ધ્યાન પર લાવતા સાંવરી પ્રભાવિત થયેલી. કામની વાતો પરથી અંગત વિશ્વની બારી અનાયાસે ખૂલતી જતી. અથર્વ સાંવરીના આગ્રહથી એને નામથી બોલાવતો થયો...એનાથી શું પડદો રાખવો? સાંવરીએ એકશ્વાસે આખી કથા કહી દીધેલી. સાંભળીને અથર્વ બોલી ઉઠેલો, ‘અત્યાર સુધી હું તમારાથી પ્રભાવિત હતો, સાંવરી... પણ હવે હું તમને ચાહવા લાગ્યો છું.’ સાંભળીને સ્તબ્ધ થવાયેલંુ. હું શ્યામલ સ્ત્રી એકવાર પ્રણયના નામે ધોકો ખાઇ ચૂકી છું, હવે કોઇનો એતબાર કેમ થાય? ‘હું એટલું જ કહીશ સાંવરી કે દરેક પુરુષ અતિરાજ નથી હોતો...’ બસ, અથર્વનું ઉંડાણ સ્પર્શ્યુ ને સાંવરીની હા થતા આજે રિંગ સેરેમની પણ થઇ ગઇ. ’કોંગ્રેચ્યુલેશન્સ... સર, મેડમ’ નિરાલી ટહુકી. એ સ્વીટીની જગ્યાએ નિયુક્ત થયેલી નવી સેક્રેટરી હતી. સગપણ પછી ઓફિસ અથર્વ સંભાળવાનો હતો એટલે નિરાલીનો બોસ તો એ જને! ક્ષણ પૂરતુ સાંવરીને થયું જાણે હિસ્ટ્રી રિપીટ થઈ રહી છે! શા માટે મારે યંગ, અનમેરિડ એન્ડ સુંદર છોકરીને સેક્રેટરી તરીકે લેવી જોઇએ? એનો મનોભાવ સમજાતો હોય એમ અથર્વ મલક્યો, કાનમાં ગણગણ્યો, ‘દરેક પુરુષ અતિરાજ નથી હોતો એમ દરેક સેક્રેટરી સ્વીટી નથી હોતી!’ સાંવરી આંખો મીંચી ગઈ. ખૂલી ત્યારે દ્વિધા નહોતી. વિશ્વાસભેર એણે અથર્વનો હાથ પકડ્યો, અંકોડા ભીડાયાં. અથર્વ ખીલી ઉઠ્યો ને સાંવરીએ સ્વીકારી લીધંુ કે આ સુખ હવે શાશ્વત રહેવાનંુ! એનો વિશ્વાસ ફળ્યો એ ઉમેરવાની જરૂર ખરી? (સમાપ્ત)

અન્ય સમાચારો પણ છે...