તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કવર સ્ટોરી:દરેક ઓથર ‘ઓથાર’ લખી શકતો નથી

એષા દાદાવાળા25 દિવસ પહેલા
 • કૉપી લિંક

ચોરાયું છે, ચોરાયું છે, ચોરાયું છે…એક સાવ ભયાનક ઊંડાણ વચ્ચેથી હૃદયને વલોવી નાંખ્યા બાદ પ્રસૂતિ વખતે માતાને ઉપડે એવા જ એક વેણ વચ્ચે ગઇ કાલે રાત્રે ફેસબુકની વોલ પર જન્મેલું એક તાજું, કૂમળું અને સોહામણું વાંચતા જ ગમી જાય એવું સ્ટેટસ! ચોરાયેલું આ સ્ટેટસ તમને કોઇની પણ વોલ પર કોઇ બીજાનાં જ નામ સાથે મળી આવે એવું બને! ફેસબુક પરથી ચોરાતું ચોરાતું એ બિચારું કોઇ વોટ્સએપ ગ્રુપમાં જઇ ચડ્યું હોય એવું પણ બને વોલે-વોલે રઝળતાં, રખડતાં, ફોરવર્ડાતા સ્ટેટસનો સાચૂકલો ચોર દીવો લઇને શોધવા નીકળો તો પણ તમને નહીં જડે કારણ કે કેટલાક લોકો માટે સોશિયલ મીડિયા એક ચોરબજાર બની ગયું છે અને એનો ઉપયોગ કરનારા કેટલાક લોકો ચોરોનાં સમર્થકો બની બેઠાં છે. સોશિયલ મીડિયા એ અભિવ્યક્તિની આઝાદી છે. કબૂલ, પણ હવે એ જ આઝાદી સ્વચ્છંદતા બની રહી છે. દરેકને રાતોરાત કવિતાઓ લખતા આવડી ગઇ છે. દરેકને રાતોરાત પ્રવચનો આપતા આવડી ગયા છે. દરેક જણ બાળઉછેર શીખવી શકે છે. હરકોઇ ડિપ્રેશનમાંથી બહાર આવવાનાં ઉપાયો કહી શકે છે. બધા જ વિશ્લેષક બની ગયા છે. રોજ સવાર પડે આવા કવિઓ, લેખકો, વક્તાઓ, કાઉન્સેલરોની આખેઆખી ફૌજ સોશિયલ મીડિયાનાં મેદાન પર બુઠ્ઠી તલવારો અને પ્લાસ્ટિકની ઢાલો લઇને ઊતરી પડે છે અને લાઇક્સનાં યુદ્ધો ખેલતી રહે છે. સોશિયલ મીડિયાએ સર્જનાત્મકતાની ઘોર ખોદી નાંખી છે. દરેક જોડકણાંકાર કવિ બની બેઠા છે. દરેક શબ્દોનાં કડિયાઓ લેખક બની ગયા છે. એમને મન યુ-ટ્યૂબનો વિડિયો જોઇ ફ્લાવર-બટાકા-વટાણાનું શાક બનાવવું અને યુ-ટ્યૂબનો વિડિયો જોઇ કવિતા લખતા શીખવું એ બંને એક્ટિવિટી સરખી જ છે. ‘સપનાં રાત્રે ઉંઘમાં જોવાતા નથી. અરે…સપનાં તો એ છે કે જે તમને રાત્રે સૂવા દેતા નથી!’ આવા ક્યાંક વાંચેલાં, ક્યાંક સાંભળેલાં વાક્યો ભેગા કરી લેક્ચરો આપનારા વિચોરો (વિચારોની ચોરી કરનારા) ઠગોની સંખ્યા વધી રહી છે. વર્ષો પહેલા એક તબીબે પૈસા આપીને મરીઝની ગઝલો ખરીદેલી અને એ જ ગઝલોનો પોતાનાં નામ સાથે પૈસા ખર્ચીને એક સંગ્રહ પણ પ્રકાશિત કરી નાંખેલો. સમય જતા જાગૃત કવિઓએ ભેગા થઇ એ સંગ્રહની ગઝલો ફરી મરીઝનાં નામે કરી. હજી પણ સમય બદલાયો નથી. હજી પણ આવા તબીબો, કમ્પાઉન્ડરો, વોર્ડબોયો આવી ઉઠાંતરી કરતા રહે છે અને બીજાનાં સર્જનને પોતાને નામે ચડાવતા રહે છે. વાત માત્ર જાણીતા લેખકો કે કવિઓની નથી. ઘણીવાર કોઇ સાવ સામાન્ય વ્યક્તિ પણ વાતવાતમાં બે અદ્્ભુત વાક્ય કહી દેતો હોય છે અને પળભરમાં એ વાક્યોની તફડંચી થઇ જતી હોય છે. આવી ઉઠાંતરીઓ અને આવી તફડંચીઓ એ ભયાવહ અપરાધ છે. કોઇકની સર્જનાત્મકતા પર કરાતો બળાત્કાર છે. જેણે લખ્યું, જેણે વિચાર્યું...એનું નામ એનાં લખાણ કે વિચાર સાથે મૂકાવું જ જોઇએ. અત્યારે પોતાના બાયોમાં ઓથર,મોટિવેશનલ સ્પીકર, પોએટ લખવાની એક ફેશન ચાલી રહી છે. હવે દરેક મા-બાપ ઇચ્છી રહ્યા છે કે એમનાં લાડકવાયા ‘પોમ રાઇટિંગ’ કરતા થાય. ભવિષ્યમાં પોએટ્રી લખવાનાં ક્લાસીસ ખૂલી જાય તો પણ નવાઇ નહીં. સર્જન સહેલું નથી હોતું. જેમ દરેક વ્યક્તિ પ્રધાનમંત્રી ન બની શકે એમ દરેક માણસ કવિ, લેખક, ગાયક, એક્ટર, ચિત્રકાર બની શકતો નથી. દરેકનાં ગળામાં એક લતા મંગેશકર કે એક મહંમદ રફી જીવતો હોય જ એવું શક્ય નથી. દરેકની આંગળીઓ વચ્ચે પાબ્લો કે પિકાસો ઝોલા ન જ ખાઇ શકે એ સમજવાની જરૂર છે. સોશિયલ મીડિયા પર લખીલખીને લેખક બની બેઠેલા ઘણાં યુવાનો લાઇક્સ, વિડિયો પર મળી જતા વ્યૂઝ કે વાંચ્યા વિના થયેલી કોમેન્ટનાં નશામાં ચિક્કાર થઇ જાય છે. એમને લાગવા માંડે છે કે એમની અંદર ઠાંસોઠાંસ પ્રતિભા ભરી હોવા છતાં કોઇ એમને આગળ આવવા દેતું નથી અને વર્ચ્યુઅલ દુનિયામાં જીવી રહેલા આવા યુવાનોનું ભવિષ્ય દાવ પર લાગી જાય છે. સર્જનાત્મકતા રાતોરાત મળી જતી નથી. ‘નદી’ની સાથે ‘કદી’ કે ‘અવાજ’ની સાથે ‘સમાજ’નો પ્રાસ બેસાડી દેવા માત્રથી કવિ બની જવાતું નથી. સર્જન કરવા માટે અભિમન્યુનાં સાત કોઠા વીંધવા પડે છે. હૃદયને બાણશૈયા પર સૂવડાવવું પડે છે. ન્હાઇ-ધોઇને અને વાળ ઓળી પલાંઠી વાળી બેસી જવાથી કવિતા લખાઇ જતી નથી, લખવા માટે શાર્પનરમાં છોલાવું પડે છે. મને ઘણીવાર એવું લાગે છે કે જેવી રીતે ફિલ્મો માટે સેન્સર બોર્ડ છે એવી જ રીતે પુસ્તકો માટે, કવિતાઓ માટે, લેખન માટે પણ એક સેન્સર બોર્ડ હોવું જોઇએ. પૈસાને જોરે કવિ-લેખક બની બેઠેલા લોકોને જો આજની પેઢી વાંચવા માંડશે અને એને દમ નહીં લાગે તો એ પુસ્તકોથી દૂર થઇ જશે. એ લોકો ખોટી વાક્ય રચનાઓ, ખોટા શબ્દોને જ સાહિત્ય માની બેસશે. આવા લોકોને અટકાવવા હવે જરૂરી થઇ પડ્યા છે નહીંતર આપણને શ્રેષ્ઠ સર્જનો નહીં મળે. ઉત્તમ કવિતાઓ ચીલાચાલુ કવિતાઓની ભીડમાં ક્યાંક ખોવાઇ જશે. બની બેઠેલા કવિઓ વચ્ચે સાચૂકલો કવિ દબાઇ જશે. સાચૂકલા સર્જન સુધી જો આજની પેઢીને પહોંચાડવી હોય તો આવા ચોરોને ખુલ્લા પાડો. રાતોરાત લેખક-કવિ બની જવાની એમની ઘેલછાઓને સાચા રસ્તે વાળો. બાકી, જે લોકો આજે તમારી વોલ પરથી ચોરી કરી રહ્યા છે એ લોકો આવતી કાલે તમારા પાકીટમાંથી પણ ચોરી કરી જ શકશે. એમને સમજાવો કે કવિતા ક્યારેય પણ લાઇકથી તોલાતી નથી. કવિતા માઇકથી પણ તોલાતી નથી. કવિતા તો અંદર ઝગમગી ગયેલી લાઇટથી તોલાય છે. હવે સમય છે આવા ચોરોનાં નામની આગળ #ચોરટાંઓ લખી એમને ખુલ્લા પાડવાનો! સોશિયલ મીડિયા એ દરેકનાં બસની વાત નથી. સાચા સમાચારો, સાચી વાતો બહાર લાવવી એ જો અખબારો અને ન્યૂઝ ચેનલોનું કર્તવ્ય છે તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર વગેરે પણ મીડિયા જ છે. એમાં પણ સત્યનો, ક્વોલિટીનો આગ્રહ રખાવો જ જોઇએ. એમાં પણ જવાબદારીપૂર્વક વર્તવું જ જોઇએ. દરેક ઓથર ‘ઓથાર’ લખી શકતો નથી. જો, જોડકણાંકારો પણ કવિ હોવાનું ટેગ મેળવી લેવાનાં હોય, ચોરટાંઓ લેખક અને મોટિવેશનલ સ્પીકર બની જવાનાં હોય તો જેન્યુઇન સર્જકો હવે સર્જન કરવાનું બંધ કરી બીજી કોઇ પ્રવૃત્તિમાં મન પરોવી લે એ જ હિતાવહ છે! dadawalaesha@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો