તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મીઠી મૂંઝવણ:ઘરમાં કોઇને મારાં લગ્ન કરાવવામાં રસ નથી...

મોહિની મહેતાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : મારી વય સત્તાવીસ વર્ષની થઇ ગઇ છે. ચાર વર્ષ પહેલાં મારી માતાનું અવસાન થયું છે અને એક મોટો ભાઇ છે જેનાં લગ્ન થઇ ગયાં છે. મારા મોટા ભાઇને બે નાના બાળકો છે અને મારી ભાભી જોબ કરે છે. આ સંજોગોમાં મારા પર ભાઇનાં બાળકોને સંભાળવાની સાથે સાથે ઘરને સંભાળવાની જવાબદારી આવી ગઇ છે. મને આગળ અભ્યાસ કરવાની ઇચ્છા છે, પણ તેઓ એ માટે પણ તૈયાર નથી. મારાં લગ્ન માટેની પણ તેમને ચિંતા નથી. આવી સ્થિતિમાં મારે શું કરવું? એક યુવતી (જામનગર) ઉત્તર : તમારી ઉંમર લગ્ન કરવા લાયક થઇ ગઇ છે અને તમારી માતાનાં અવસાન પછી જો મોટા ભાઇ-ભાભી આ મુદ્દા પ્રત્યે ધ્યાન ન આપતાં હોય અને તમારી લગ્ન કરવાની ઇચ્છા હોય તો ઘરમાં કે પરિવારમાં અન્ય કોઇ વડીલ હોય તેમને વાત કરો. તેઓ આ મામલામાં તમને ચોક્કસ મદદ કરી શકે છે. તમે આ વિશે તમારા મોટા ભાઇ સાથે સ્પષ્ટ શબ્દોમાં વાત કરી શકો છો. એની સાથે સ્પષ્ટ વાતચીત કરશો તો પરિસ્થિતિનો ચોક્કસ ક્યાસ નીકળી જશે. કદાચ તમારો મોટો ભાઇ તમારા માટે યોગ્ય પાત્રની શોધ ચલાવી જ રહ્યો હશે પણ આ વિશે તેણે તમારી સાથે સ્પષ્ટતા ન કરી હોય. ભાઇ સાથે વાત કરવાથી બીજો પણ એક ફાયદો થશે. જો તેનાં મનમાં આ વિચાર નહીં હોય તો એ આ દિશામાં પ્રયાસ શરૂ કરશે. હવે જો વધારે મોડું કરશો તો પછી વધારે મોટી વયના યુવાનને શોધવાની જરૂર પડશે જેમાં ઘણો સમય નીકળી શકે છે. તમને જો જરૂરી લાગે તો કોઇ મેટ્રિમોનિયલ સાઇટ પર કે જાહેરાત આપીને પણ તમારા માટે યોગ્ય પાત્ર શોધી શકો છો. હવે તો ઘણી જ્ઞાતિઓની બુકલેટ પણ પબ્લિશ થતી હોય છે જેમાં લગ્ન માટે લાયક યુવક અને યુવતીઓની વિગત હોય છે. તમે આમાં તમારી વિગતો આપી શકો છે અથવા તો એમાંથી મુરતિયાની વિગતો મેળવી સામેથી સંપર્ક કરી શકો છો. પ્રશ્ન : મારા લગ્ન ટૂંક સમયમાં લગ્ન નક્કી થયા છે. મારા લવમેરેજ છે અને પરિવારજનો પણ આ લગ્ન માટે તૈયાર છે. મારો બોયફ્રેન્ડ મારી જ્ઞાતિનો નથી. હું લગ્ન પછી મારા સાસરિયાંમાં સારી રીતે સેટ થવા ઇચ્છું છું. ઇન્ટરકાસ્ટ મેરેજ કર્યા પછી સાસરિયાંનું દિલ જીતવા માટે મારે શું કરવું જોઇએ? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : ભારતીય લગ્ન બે પરિવાર વચ્ચે સંબંધ બાંધે છે. જો આ લગ્ન ઇન્ટરકાસ્ટ હોય તો થોડુંક વધારે સમાધાન કરવું પડે છે પણ જો દિલથી પ્રયાસ કરવામાં આવે તો તમે દૂધમાં સાકર ભળે એવી રીતે સહેલાઇથી સાસરિયામાં સેટ થઇ શકો છો. દરેક પરિવારના પોતાના અલગ રીત-રિવાજ હોય છે. એને માન આપવાથી સંબંધોને સારા બનાવી શકો છે. ઘણા લોકો લગ્ન પછી નવાં ઘરમાં જઇને એ પરિવારના રિવાજ અપનાવવામાં સંકોચ અનુભવે છે, ક્યારેક નારાજગી વ્યક્ત કરે છે. એ યાદ રાખો કે આ સામાન્ય પ્રક્રિયા છે, જે દરેક ઘરની અલગ અલગ હોય છે. તે શીખવાથી નવો અનુભવ મળશે. દરેક પરિવારની ખાવા-પીવાની રીત અલગ હોય છે. સાસરિયાની ખાવા-પીવાની અથવા બીજી કોઇ રીત અંગે અગવડ અનુભવાય તો એ યાદ રાખો કે સાથે બેસીને જમવાનું ઘણી વાર બનશે. એવામાં ટીકા કરવાથી કે મોં મચકોડવાથી સંબંધો વણસી શકે છે. સાથે બેસીને જમવાથી પ્રેમ વધે છે, તેથી સમજદારી દાખવો. આ સિવાય કોઇ પરિવાર મોડર્ન પોશાકને અપનાવે છે, તો ક્યાંક વડીલોની મર્યાદા જાળવવાની હોય છે. શરૂઆતના તબક્કામાં તમે થોડો સમય પરિવારના રિવાજોને સમજવામાં પસાર કરો. જો તમને કોઇ નિયમ અયોગ્ય લાગે તો પણ માન-મર્યાદા જાળવીને અને તમારી વાત સારી રીતે વ્યક્ત કરી તેમની સલાહ અનુસાર પરિવર્તન લાવો. પ્રશ્ન : મારી મોટી દીકરી એક યુવાનને પ્રેમ કરે છે, પણ એ યુવાનનાં માતા-પિતા એને મારી દીકરી સાથે લગ્ન કરવાની ના કહે છે. જોકે એ યુવાન કહે છે કે એ મારી દીકરી સાથે જ લગ્ન કરશે, પણ મને ચિંતા થાય છે કે અત્યારથી જ જો એ યુવાનનાં માતા-પિતા મારી દીકરીને સ્વીકારવા તૈયાર નથી. તો લગ્ન પછી તેઓ એને કેવી રીતે સ્વીકારશે? એક મહિલા (રાજકોટ) ઉત્તર : તમારી દીકરી જે યુવાનને પ્રેમ કરે છે તેનાં માતા-પિતા તમારી દીકરી સાથે લગ્ન કરાવવાની કેમ ના કહે છે તે વિશે તમે કે એ યુવાને જાણવાની કોશિશ કરવી જોઇએ. જો કોઇ સામાજિક કે પારિવારિક કારણ હોય અને તે દૂર થઇ શકે તેમ હોય તો તમારી રીતે તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરો. જોકે તમારી દીકરીનો પ્રેમી તમારી દીકરી સાથે લગ્ન કરવા માટે મક્કમ હોય તો પછી એની ચિંતા કરવાની જરૂર નથી કેમ કે માતા-પિતા ભલે અત્યારે પોતાના દીકરાની પસંદગીનો વિરોધ કરે કે લગ્ન પછી નારાજ રહે, તો પણ આ નારાજગી લાંબા સમય સુધી રહેતી નથી. તેઓ તમારી દીકરીને સ્વીકારી લેશે. આ પ્રકારના સંબંધોમાં તમારી દીકરીના પ્રેમીનું વલણ બહુ મહત્ત્વનું છે. જો તે મક્કમ હોય તો કોઇ સમસ્યાનું કારણ નથી પણ જો તેનું ‌‌‌‌વલણ લગ્ન પછી બદલાઇ જશે અને ત્યારે દીકરીનાં સાસરિયાં તેને નહીં સ્વીકારે તો કપરી પરિસ્થિતિ સર્જાઇ શકે છે. જો આવું થશે તો? આ સ્થિતિનો આગોતરો વિચાર કરીને દીકરીને પરિસ્થિતિ સમજાવી એનો સામનો કરવા માટે સજ્જ કરો. શક્ય હોય તો દીકરીને આર્થિક રીતે પગભર બનાવો જેથી કપરી પરિસ્થિતિમાં તેણે નાણાકીય રીતે કોઇ પર આધાર ન રાખવો પડે. જો યુવકનાં માતા-પિતાનું વલણ બહુ કડક હોય તો થોડો સમય રાહ જોવાનો વિકલ્પ પણ અજમાવી જુઓ. પ્રશ્ન : મારાં લગ્ન થયાં ત્યારે મારી પત્ની એક યુવાનને પ્રેમ કરતી હતી અને લગ્નને આઠ મહિના જેટલો સમય વીતી જવા છતાં હજી એ બંને મળે છે અને સંબંધ ધરાવે છે. હું મારી પત્નીને ખૂબ જ પ્રેમ કરું છું અને એનાં આવા વર્તનથી મને ખૂબ દુઃખ થાય છે. મારે મારી પત્નીને એના પ્રેમીથી કઇ રીતે મારા તરફ વાળવી? એક યુવક (વડોદરા) ઉત્તર : તમારાં પત્ની લગ્ન થઇ ગયાં પછી પણ પોતાના પ્રેમીને મળે છે, એની સાથે સંબંધ ધરાવે છે તે યોગ્ય ન કહેવાય. એમણે હવે પોતે કોઇ અન્ય પુરુષની પત્ની છે અને પત્ની તરીકેની પોતાની કેટલીક ફરજ છે એ યાદ રાખવું જોઇએ. તમે એમને એક વાર શાંતિથી સમજાવો આ રીતે હજી પણ પ્રેમીને મળવાનાં અને તેની સાથે સંબંધ રાખવાનાં વલણથી તમને દુઃખ થાય છે અને પત્ની તરીકે હવે એ એમનાં પ્રેમીને ભૂલી જાય તે વધારે યોગ્ય છે. શાંતિથી સમજાવવા છતાં જો એમનાં વર્તનમાં કોઇ ફેરફાર ન થાય તો પછી ઘરમાં કોઇ વડીલને વાત કરો.

અન્ય સમાચારો પણ છે...