તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શરીર પૂછે સવાલ:પ્રથમ સાથ વખતે કોઇ સમસ્યા નહીં, શું મારી પત્ની ‘બેવફા’ છે?

વનિતા વોરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : મારું વજન થોડું વધારે છે. મારી બહેનપણીએ મને વજન ઉતારવા માટે ડી-ટોક્સ ડાયટની સલાહ આપી છે. શું આ પ્રકારનો ડાયટ યોગ્ય છે? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : ડી-ટોક્સ ડાયટ શરૂ કરતા પહેલાંં ડોક્ટરની કે પછી ડાયટિશીયનની સલાહ લેવી જોઇએ. ઘણી વખત ઝડપી જીવનશૈલીમાં વજન ઉતારવાની પણ લોકોને ઉતાવળ હોય છે. ઘણી વાર આપણે શરીરની મર્યાદાને ધ્યાનમાં લીધા વિના માત્ર વજન ઉતારવા પર જ ધ્યાન આપીએ છીએ. વજન ઉતારવા માટે ડી-ટોક્સ ડાયટ યોગ્ય નથી. ડી-ટોક્સ કરવાથી વજન ઊતરતું નથી. અલબત્ત, અઠવાડિયે-દસ દિવસે એક વાર આંતરડાને આરામ આપવા અને શરીર હળવું કરવા માટે ડી-ટોક્સ કરવાનું સારું રહે છે. એક સામાન્ય વ્યક્તિને દિવસ દરમિયાન 1500થી 2000 કેલેરીની જરૂર પડે છે, પરંતુ જ્યારે ડી-ટોક્સ કરીએ ત્યારે 800થી 850 કેલેરીનો ડાયટ પ્લાન કરવામાં આવે છે. જે લાંબો સમય ચાલુ રાખવામાં આવે તો ગેસ, એસિડિટી, આંખો નીચે કાળા કુંડાળા થઇ જવા, વાળ ખરવા ઉપરાંત સ્વભાવ ચીડિયો થઇ જાય છે. ઘણી વખત ડી-ટોક્સ ડાયટ છોડ્યા પછી વજન વધી જાય છે, જે ઝડપથી ઊતરતું નથી. આવા ડાયટથી શરીરની ફેટમાં ઘટાડો થતો નથી, ફક્ત શરીરમાંથી પાણીનો ભાગ ઓછો થઇ જાય છે. ઓછો ખોરાક ખાવાની સાથે વારંવાર ડાયેરિયા થઇ જાય છે. ડી-ટોક્સ દરમિયાન એનિમા પણ આપવામાં આવે છે. સાયન્ટિફિક રીતે જ્યારે આ વસ્તુથી આંતરડાને નુકસાન થઇ શકે છે. જે લોકોને હૃદય સંબંધિત રોગ કે ડાયાબિટીસ હોય તેમના માટે અને સગર્ભા સ્ત્રીઓ માટે ડી-ટોક્સ ડાયટ લેવાનું હિતાવહ નથી. પ્રશ્ન : મારી ઉંમર વીસ વર્ષ છે. હું વારંવાર ઉત્તેજના અનુભવું છું અને મને વારંવાર સાથ માણવાની ઇચ્છા થાય છે. મારી આ ઇચ્છા શાંત કરવા માટે મને માસ્ટરબેશન કર્યા વિના ચાલતું નથી. મારે શું કરવું? આના કારણે નબ‌ળાઇ નહીં આવી જાય ને? ભવિષ્યમાં મારાં દાંપત્યજીવનમાં તો કંઇ વાંધો નહીં આવે ને? એક યુવક (સાણંદ) ઉત્તર : તમારી વયમાં જો તમને વારંવાર સાથ માણવાની ઇચ્છા જાગે તો એ વાત દર્શાવે છે કે તમારા જાતીય સ્રાવો સક્રિય થઇ ગયા છે. તમને માસ્ટરબેશનની આદત પડી ગઇ છે કેમ કે તેનાથી તમે તમારી ઉત્તેજના શાંત કરી શકો છો. આનાથી તમારાં દાંપત્યજીવનમાં કોઇ પ્રકારની સમસ્યા નહીં આવે કેમ કે આ કોઇ કુટેવ નથી. તમે માત્ર તમારી ઇચ્છા સંતોષવા માટે માસ્ટરબેશન કરો છો. બનવાજોગ છે કે લગ્ન બાદ જ્યારે તમે સહજીવન માણો ત્યારે તમારી આ આદત છુટી પણ જાય. માટે ચિંતા કરવાની જરૂર નથી. માસ્ટરબેશન છોડવાનો જેટલો પ્રયાસ કરશો એટલી એની માત્રા વધતી જશે. તમે માટે એની ચિંતા કર્યા વગર નિયમિત કસરત કરવાની ટેવ કેળવો. આ પછી માસ્ટરબેશનનું પ્રમાણ અઠવાડિયે એક વખત કરી દો. નિયમિત કસરત કરતા હશો તો તમે એમ કરી શકશો. સેકસોલોજીના હિસાબે તમે માસ્ટરબેશન અઠવાડિયામાં ચાર વખત કરો કે પછી રોજ કરો એનાથી નબળાઈ ન આવે, પરંતુ તમારો ખોરાક, ઊંઘ કે વ્યાયામ પૂરતા નહીં હોય તો નબ‌ળાઇ લાગી શકે છે. પ્રશ્ન : મારા હમણાં જ લગ્ન થયાં છે. મને નવાઇ એ લાગી કે પત્ની સાથે પ્રથમ વખત સાથ માણતી વખતે એને કોઇ પ્રકારની તકલીફ કે દુખાવો ન થયાં. મને ખબર છે ત્યાં સુધી કોઇ પણ યુવતી પ્રથમ વાર સાથ માણે ત્યારે એને દુખાવો થાય છે અને થોડી તકલીફ પણ પડે છે. શું મારી પત્નીએ અન્ય કોઇ સાથે સંબંધ માણ્યો હશે? મને આ વાતની કઇ રીતે ખબર પડે? એક યુવક (વડોદરા) ઉત્તર : તમે તમારી પ્રેમિકા સાથે પહેલી વાર સાથ માણ્યો અને એને કોઇ પ્રકારની તકલીફ કે દુખાવો ન થયો તો એનો અર્થ એવો નથી કે એને અન્ય કોઇ સાથે સંબંધ હોય કે એણે સાથ માણ્યો હશે. તમને જે ખબર છે એ અમુક અંશે જ સાચી છે કેમ કે હવે યુવતીઓ સ્વિમિંગ, સાઇક્લિંગથી લઇને અનેક પ્રવૃત્તિઓ કરતી હોય છે. આથી તેમને પ્રથમ વાર સાથ માણવામાં દુખાવો થવો કે તકલીફ પડવી જેવી સમસ્યા ન થાય એવું બની શકે છે. તમે મનમાં કોઇ પ્રકારની શંકા ન લાવશો. આ સ્વાભાવિક બાબત છે. સામાન્ય રીતે પ્રથમ વખત જાતીય સંબંધ બાંધતી વખતે યોનિમાર્ગમાં રહેલો પડદો (યોનિપટલ-હાઈમેન) તૂટવાથી રક્તસ્ત્રાવ તેમજ દુખાવો થતો હોય છે. આ એકદમ બારીક પડ છે. જે ક્યારેક પ્રથમ સમાગમ દરમિયાન તૂટે છે, પણ તે તૂટે ત્યારે રક્તસ્ત્રાવ થાય કે દુખાવો થાય કે તૂટવાનો અવાજ આવે એ જરૂરી નથી. ક્યારેક વગર સમાગમે પણ તે તૂટી જઈ શકે છે. રમતગમત, સાઈકલિંગ કે હસ્તમૈથુન વખતે પણ તે તૂટી શકે છે. વળી ઘણીવાર જન્મથી જ આ યોનિપટલ ન પણ હોઈ શકે. તેવી સ્ત્રી અક્ષત કૌમાર્ય ધરાવતી હોય છતાં પહેલીવારના સમાગમ દરમિયાન તેને રક્તસ્ત્રાવ ન પણ થાય. કેટલાક પુરુષો આ પટલની હાજરીને કુંવારાપણાની નિશાની ગણે છે. એ અજ્ઞાનતા જ દર્શાવે છે. આ પટલનું ખંડિત હોવું કે ન હોવું જરાય મહત્ત્વનું નથી. આ વિશે ખોટા વિચાર કરવાની જરૂર નથી. પ્રશ્ન : હું અને મારી પત્ની બે વર્ષથી બાળક માટે પ્રયાસ કરી રહ્યાં છીએ. મારે એ જાણવું છે કે શું જાતીય સંબંધ બાંધતી વખતે ઓશિકાંનો ઉપયોગ કરવાથી ઝડપથી પ્રેગનન્સી રહે છે? ઉત્તર : સંભોગના વધારે સારા અનુભવ માટે ઘણીવાર હિપ્સની નીચે ઓશિકું મૂકવામાં આવે છે. બાકી પ્રેગ્નન્સી રાખવા માટે ઓશિકું રાખવું જરૂરી નથી. તેનાથી ગર્ભ રહેવામાં કોઈ ફાયદો થતો નથી. કારણ કે જ્યારે પણ પુરુષને સ્ખલન થાય ત્યારે તેમાં માત્ર એક ટકો જ શુક્રાણુ હોય છે અને તેમાં લાખો અને કરોડો શુક્રાણુઓ હોય છે અને બાળક રાખવા માટે એક જ શુક્રાણુની જરૂર હોય છે. હવે આ શુક્રાણુઓ નરી આંખે જોઈ શકાતા નથી. તેઓ યોનિમાર્ગની દીવાલ સાથે ચોંટી ધીરે ધીરે ગતિ કરતા ગર્ભાશયમાં પહોંચે છે અને તે વખતે જો ત્યાં સ્ત્રીબીજ આવેલું હોય તો બંનેનાં મિલનથી ગર્ભ ફલિત થાય છે. આ એક ટકો શુક્રાણુ સિવાયનું બાકીનું નવ્વાણુ ટકા પ્રવાહી તમે કોઈ પણ આસન કરશો, ઓશિકાં-તકિયાનો પ્રયોગ કરશો અથવા કેટલોય સમય સૂતેલા રહેશો તો પણ યોનિમાર્ગમાંથી બહાર જ આવી જશે. આમ થવાથી પ્રેગ્નન્સી રહેવામાં કોઈ જ તકલીફ પડતી નથી.

અન્ય સમાચારો પણ છે...