રેખર હોં... અમુક વસ્તુ તો એવી છે ને આ દુનિયામાં કે એનો કોઈ કરતાં કોઈ ઉપાય જ નથી કહીએ પણ અમુક વિજ્ઞાન કે અમુક ટેક્નોલોજી એની એ જ જગ્યાએ સ્થિર થઈ ગઈ છે.’ હંસામાસીની વાત સાંભળીને મને લાગ્યું જ કે હું બે-ત્રણ મિનિટ રહીને પહોંચી છું, એટલે મુદ્દો ચૂકી ગઈ છું... ‘મને તો એમ થાય છે, કે પહેલાના જમાનામાં માર જેવા કેટલાય હેરાન થાતા જ હસે ને! એ વખતે સુ કરતાં હસે? કારણ કે જો હજી એનો કોઈ ઉપાય નથી, તો એ વખતે તો સુ થતું હસે એ જ વિચાર આવે મને તો.’ કલાકાકીએ તમામ ભૂતપૂર્વ સહનશીલ લોકોની ચિંતા કરી... ‘અને પાછું મેઇન વાત તો એ કે આ આજકાલનો પોબ્લેમ નથી અલા... પ્રાચીન કાળથી આ સમસ્યા ચાલી આવે છે. લોકો આટલું સહન કરે છે... તો ય એ તરફ કોઈનું ધ્યાન જ ના જાય એ તો બહુ કહેવાય ને યાર...!’ કંકુકાકીએ આ અવગણના અંતર્ગત આશ્ચર્ય વ્યક્ત કર્યુ... ‘અને પાછું, આ તો રોજબરોજ સહન કરવી પડતી સમસ્યા છે યાર... અને એના વિશે કોઈ વિચારે જ નહીં, એ તો ખરેખર ખોટું કહેવાય.’ લીનાબહેન બહુ જ ડિસઅપોઇન્ટ થયેલા. ‘મને તો વિજ્ઞાન આવડતું નથી... બાકી મેં કંઇક ને કંઇક તો ઉપાય કર્યો જ હોત.’ હંસામાસીએ પોતાની મજબૂરી જણાવી... ‘ટેકનોલોજી બાબતે તો હું ય થોડી કાચી પડું યાર, બાકી હું ય તમારી કંઇક ને કંઇક તો હેલ્પમાં આવત જ.’ સવિતાકાકીએ અફસોસ વ્યક્ત કર્યો. ‘આપડે બીજા ઉપર આધારિત હોઈએ ને, ત્યારે આવું જ થાય.’ કલાકાકીએ આ કોમન સમસ્યા નહીં, પણ ખાલી આપડા બહેનોને નડતી સમસ્યા છે ને, એટલે જ કોઈ ધ્યાન નથી આપતું... કારણ સમજાવ્યું... ‘પણ હવે તો બહેનો ય બધા ક્ષેત્રે આગળ વધી ગઈ છે... એને ય આવો વિચાર ના આવે, એટલે આને તો હવે કળયુગ જ કહેવાય.’ લીનાબહેનએ કેટલી આશા હશે, જે ઠગારી નીવડી એનો ભરપૂર નિસાસો નાખ્યો, ને યુગ બદલાઈ ગયાનો પુરાવો ય આપ્યો. ‘આજ નઇ તો કાલ... પણ આનો ઉકેલ આપડા જેવા જ કોકે લાવવો પડસે... હું તો કઉ, આપડે હવે બહુ રાહ નથી જોવી... આપડે જ કંઇક આઈડિયો વિચારીએ.’ કંકુકાકીને ઉતાવળ આવી. ‘હા વળી... એવા સુ કોઈના ઓશિયાળા થવાનું? આપડાને ય મગજ દીધું છે... બને ત્યાં સુધી હું એવું માનું, કે કોક ઉપયોગ કરતું હોય તો આપડે તસ્દી ના લેવી... પણ હવે તો માથું દુખાડીને પણ ઉપાય કરી જ નાખીએ... એટલે બીજાને ય ખબર પડે, કે અમે ય કંઇક છીએ.’ સવિતાકાકીને ય શૂરાતન ચડ્યું. ‘પણ એક વાત કહું, કોઈએ સાવ જ ટ્રાય ના કર્યો હોય એવું તો ના બને યાર... પણ કદાચ આ બાબત જ એવી હસે, જે સકય નહી હોય... સુ કહો છો?’ લીનાબહેને આશા છોડી જ દીધેલી. ‘આમ જોવા જાવ ને, તો જગતમાં કશું જ અશક્ય નથી.’ મેં ટહુકો કર્યો... એટલે હંસામાસી ખિજાયા, ‘સીધી કૂદી જ પડી છે, પણ તને ખબર બી છે કે અમે સેની વાત કરીએ છીએ? ‘આ સમસ્યા જ એવી છે, કે એનું કંઇ ના થઈ શકે.’ લીનાબહેને એક વાક્યમાં સમજાવ્યું. ‘તો ય... પણ સમસ્યા શું છે એ તો કહો. હું એક વાત તો માનું જ છુ... કે કઈ જ અશક્ય નથી... એ શક્ય બનાવવા માટે દરેકે પ્રયત્ન કરવો પડે.’ મારે ય હવે તો વાત જાણ્યે જ છૂટકો કરવો’તો. ‘તું રહેવા દે ને ભઇ... કામ કર ને તારું.’ હંસામાસીએ માંએ ઘરમાં જવા ઈશારો કર્યો... એટલે સવિતાકાકીને દયા આવી મારી..., અરે બાપડીને એવું ના કરો યાર... જો હાંભળ... આપડે યાર રાતે ક્યાંકથી આઈએ ને, પછી તાળું ખોલવા પર્સમા હાથ નાખીએ, પણ કોઈ દિ તરત ચાવી મલી હોય એવા કોઈ દાખલા નથી મયળા. અરે ચાવી ણી ક્યાં વાત કરું, પણ આપડે ક્યાંય પણ ગયા હોઈએ, તો જે જોઈતું હોય, એ અંદર મૂક્યું ય હોય, પણ એ ટાણે તો નથી જ મળતું... ગમ્મે એટલાં ખાનાં જુદા રાખીએ, પણ ખરા ટાણે જે તે વસ્તુ હાથમાં ના જ આવે... બિનજરૂરી બધું જ મળે, પણ જે જોઈતું હોય ઇ તો નો જ મળે. તો અમારું એમ પૂછવું છે, કે પર્સમાં અંદર લાઇટ હોવી જોઈએ એ વિચાર કેમ હજી સુધી કોઈને નથી આયો?’ એમણે પોઝ લીધો... પછી પોતાને આવેલ વિચાર સૌને કહ્યો, ‘મારું પ્રસનલ એમ માનવું છે કે ખાને ખાને નઇ પણ મેઇન ચેનમાં બી લાઇટ હોય ને, તો ય ઘણી મદદ થઈ જાય... ચેનમાં એલઈડી હોય ને તો ચેન ખોલીએ કે તરત એમાં નાખેલી સિરીઝની લાઇટું જગમગ થતી જાય... બંધ કરો, એટલે બંધ. બીજી વાત, મોબાઈલ જેવું જ એની જોડે એનું ચાર્જર ય આવે... કોઈના બી ઘેર જાવ... પર્સને ચાર્જિંગમાં મૂકી દેવાનું.’ એમના આઇડિયા તો હજી ચાલુ જ હતા... પણ મારી સહનશક્તિનું ચાર્જિંગ કરવા મારે ઘરમાં જવું જ પડ્યું...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.