વુમન ઇન ન્યૂઝ:અમેરિકન પ્રેસિડન્ટના નિર્ણયોમાં ભારતીય મૂળનાં નીરાનો હશે મહત્ત્વનો ફાળો

મીતા શાહ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નીરા ટંડનની સ્ટાફ સેક્રેટરીના પદ પર નિમણૂક થતા આ સિદ્ધિ મેળવનાર પહેલા ભારતીય અમેરિકન બની ગયાં છે

હાલમાં ભારતીય મૂળના અમેરિકી નાગરિક નીરા ટંડનને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનના સ્ટાફ સેક્રેટરી બનાવવામાં આવ્યાં છે. નીરા આ પદની જવાબદારી સંભાળનારા પ્રથમ ભારતીય મૂળના અમેરિકન નાગરિક છે. નીરાને ગયા મે મહિનામાં રાષ્ટ્રપતિ જો બાઈડનના વરિષ્ઠ સલાહકાર બનાવવામાં આવ્યાં હતાં અને હવે તેઓ સ્ટાફ સેક્રેટરી બની ગયા છે. નીરા પાસે હવે રાષ્ટ્રપતિ બાઈડનના તમામ દસ્તાવેજોનું નિયંત્રણ રહેશે અને આ બહુ મહત્ત્વની જવાબદારી છે. Â સંઘર્ષમય બાળપણ : નીરા ટંડનનો જન્મ 10 સપ્ટેમ્બર, 1970ના દિવસે મેસેચ્યુસેટ્સ ખાતે થયો હતો. તેમનાં માતા-પિતા ભારતથી આવેલાં ઇમિગ્રન્ટ્સ હતાં. તેઓ જ્યારે પાંચ વર્ષનાં હતાં ત્યારે તેમનાં માતા-પિતા અલગ થઇ ગયાં હતાં. ડિવોર્સ પછી નીરા અને તેનો નાનો ભાઇ રાજ તેનાં માતા સાથે જ રહેતાં હતાં. ડિવોર્સ પછી નીરાનાં માતા માયા બે વર્ષ સુધી સોશિયલ વેલ‌ફેરનો સહારે રહ્યાં અને પછી તેમણે ટ્રાવેલ એજન્ટ તરીકે જોબ કરવાની શરૂઆત કરી હતી. Â અભ્યાસ અને અંગત જીવન : નીરા ટંડને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી 1992માં બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી હતી અને એ પછી 1996માં યેલ લો સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થયાં હતાં. તેઓ જ્યારે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં ભણતાં હતાં ત્યારે જ તેમની મુલાકાત ભાવિ પતિ બેન્જામિન એડવર્ડ્સ સાથે થઇ હતી. તેમની વચ્ચે પહેલાં સારી મિત્રતા થઈ હતી જે ક્રમશ: પરિણયમાં બદલાઇ હતી. નીરા અને બેન્જામિને 1999માં લગ્ન કર્યાં હતાં પણ તેઓ એ પહેલાં લગભગ એક દાયકો સાથે હતાં. નીરા જ્યારે 19 વર્ષનાં હતાં ત્યારે બેન્જામિને તેમને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. બેન્જામિન પ્રોફેશનલ આર્ટિસ્ટ છે. આ કપલને બે બાળકો છે, એક દીકરો અને એક દીકરી. હાલમાં નીરા પોતાના પરિવાર સાથે વોશિંગ્ટન ડી.સી. ખાતે રહે છે. Â કરિયર : નીરા બહુ લાંબા સમયથી રાજકીય ક્ષેત્રે સક્રિય છે. તેઓ હિલેરી કિલન્ટનનાં અંગત મિત્ર ગણાય છે અને તેમણે ક્લિન્ટન દંપતિ સાથે ઘણું કામ કર્યું છે. તેઓ બિલ ક્લિન્ટનના પ્રેસિડન્ટ તરીકેના કાર્યકાળ દરમિયાન વ્હાઇટ હાઉસમાં ‘એસોસિયેટ ડિરેક્ટર ફોર ડોમેસ્ટિક પોલીસી’ના પદ પર કાર્યરત હતા. આ સિવાય તેમણે તત્કાલીન ફર્સ્ટ લેડી હિલેરી ક્લિન્ટનનાં પોલીસી એડવાઇઝર તરીકે પણ કામ કર્યું છે. તેઓએ હિલેરી ક્લિન્ટનનાં સેનેટોરિયલ કેમ્પેઇનમાં ફાળો આપ્યો હતો. 2008ના સમયગાળા દરમિયાન જ્યારે બરાક ઓબામા ડેમોક્રેટિક પ્રેસિડેન્શિયલ કેન્ડિડેટ તરીકે નોમિનેટ થયા હતા ત્યારે તેમની કેમ્પેઇન ટીમમાં નીરાની પસંદગી કરાઇ હતી. તેઓ એકમાત્ર એવાં વ્યક્તિ હતાં જેમણે ક્લિન્ટના અને બરાક ઓબામા એમ બંનેનાં કેમ્પેઇન સ્ટાફ તરીકે કામ કર્યું છે. આ પછી પણ તેમણે અનેક મહત્ત્વની જવાબદારીઓ નિભાવી છે અને હાલમાં તેઓ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનનાં સ્ટાફ સેક્રેટરી તરીકે કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...