યાળાની મસ્ત મોસમમાં વહેલી સવારે વોક માટે પાર્કમાં જાવ તો તમને અનેક લોકો પાર્કમાં વિવિધ પ્રવૃત્તિ કરતાં જોવા મળે. કોઇ હેડફોન ભરાવી જોગિંગ કરતાં હોય તો કોઇ વળી એક્સરસાઇઝ કરતાં હોય. આમાં ટીનએજર્સની સંખ્યા વધારે જોવા મળે. ધીરે ધીરે વોક કરતાં વડીલો લાફિંગ ક્લબ કે જ્યુસની લારી પર ભેગા થાય. આવા વાતાવરણમાં અંગનાએ જ્યારે જોગિંગ માટે જવાની શરૂઆત કરી, ત્યારે એનું ધ્યાન ત્યાં જ જોગિંગ માટે આવતા અલ્પેશ તરફ દોરાયું. અલ્પેશ હેન્ડસમ હતો, તો અંગના પણ રૂપ-લાવણ્યમાં ઓછી ઊતરે એવી નહોતી. અલ્પેશનું ધ્યાન પણ અંગના તરફ દોરાયા વિના ન રહ્યું. અંગનાને ખ્યાલ તો હતો કે અલ્પેશ એના તરફ આકર્ષાયો છે, પણ એણે ખાસ ધ્યાન ન આપ્યું. એક વાર જોગિંગ કરતાં કરતાં અચાનક એનો પગ જતાં મસલ્સ સ્ટ્રેચ થઇ ગયાં. એને ચાલવામાં તકલીફ પડતી હતી. અલ્પેશે એ જોયું અને દોડીને અંગના પાસે આવ્યો. એને ઊભી કરીને ત્યાં જ બેન્ચ પર બેસાડી. રિક્ષા ઊભી રખાવી એણે અંગનાને હળવેથી હાથમાં ઊંચકી રિક્ષામાં બેસાડી. ફૂલ જેવી અંગનાનાં તનબદનમાં અલ્પેશના હાથના સ્પર્શે વીજળી દોડી ગઇ. થોડા દિવસ પછી અંગનાએ ડોક્ટરની પરમિશન લઇને ફરી જોગિંગ માટે જવાનું શરૂ કર્યું, ત્યારે પાર્કમાં એની નજર અલ્પેશને શોધી રહી. એ દિવસે તો અલ્પેશ ન દેખાયો, પણ બીજા દિવસે અલ્પેશ એને પાર્કના દરવાજા પાસે જ મળી ગયો. એને જોતાં જ અંગના તરત એની પાસે આવી અને એને થેન્ક્સ કહ્યું. બંનેએ હવે સાથે જોગિંગ શરૂ કર્યું. દિવસો પસાર થવા સાથે બંને વચ્ચે પ્રણયના અંકુર ફૂટ્યાં. બંનેએ કાયમ માટે એકબીજાના બની જવાનું નક્કી કર્યું અને પોતપોતાનાં ઘરે જાણ કરી. બંનેના પરિવાર તરફથી મંજૂરી મળી ગઇ. હવે તો અંગના અને અલ્પેશ લગ્ન થવાનાં હોવાથી સતત સાથે જ ફરતાં. એક વાર બંને નાઇટ શો જોઇ પાછાં ફરતાં હતાં, ત્યારે અલ્પેશે અંધારા જેવી જગ્યાએ બાઇક ઊભી રાખી. અંગનાનો હાથ પકડી એ એને ખૂણામાં લઇ ગયો અને ક્યાંય સુધી બંને એકબીજાનાં અધરનું રસપાન કરતાં રહ્યાં. બંનેને એકબીજાથી અલગ થવાની ઇચ્છા નહોતી થતી, પણ ઠંડી અને અંધકાર વધતાં જતાં હતાં. આખરે અંગના જેમતેમ પોતાના પર નિયંત્રણ રાખી અલ્પેશથી અલગ થઇ અને બાઇક તરફ ગઇ. બાઇક અંગનાના ઘર પાસે ઊભી રહી ત્યારે અલ્પેશે એને કહ્યું, ‘અંગના, મારી એક વાત માનીશ?’ અંગનાએ એની સામે પ્રશ્નસૂચક નજર કરી. અલ્પેશ બોલ્યો, ‘આપણાં લગ્ન તો થવાનાં જ છે. હવે આ અંતર સહન થતું નથી. એક વાર ક્યાંક મળીએ અને…’ ‘હટ્… ઘરે જા હવે.’ કહીને અંગના શરમાઇને પોતાના ઘરમાં દોડી ગઇ. જોકે પોતાના રૂમમાં આવ્યા પછી એને થયું કે અંતર તો એનાથી પણ સહેવાતું નહોતું. અંતે એક રવિવારે અલ્પેશ અને અંગના અલ્પેશના એક ફ્રેન્ડના ઘરે ગયા. એ એકલો જ રહેતો હતો અને ઓફિસના કામસર ટૂર પર હોવાથી ફ્લેટની ચાવી અલ્પેશના ઘરે આપીને ગયો હતો. અલ્પેશ અંગનાને એ ફ્લેટ પર લઇ ગયો. બપોરનો સમય હોવાથી ખાસ અવરજવર નહોતી અને આમ પણ ફ્લેટમાં ખાસ કોઇ ધ્યાન આપતા હોતા નથી. બંને ફ્લેટમાં પ્રવેશ્યાં. ફ્લેટનું બારણું બંધ કરીને અલ્પેશે અંગનાને પોતાના આલિંગનમાં જકડી લીધી. અંગના પણ એટલી જ ઉત્કટતાથી અલ્પેશને વળગી પડી. ક્યાંય સુધી બંને એકબીજાનાં સ્પર્શ, ચુંબનને માણતાં રહ્યાં. પછી બંને બેડરૂમમાં આવ્યાં. સિંગલ બેડ જોતાં અંગના પળવાર અચકાઇ, પણ અલ્પેશે એને પોતાની નિકટ ખેંચી. અંગના સંમોહનાવસ્થામાં હોય એમ એની પાછળ દોરાઇ. અલ્પેશે એને બેડ પર બેસાડી અને ધીરે ધીરે એના અધર, ગરદન, કાનની બૂટ પર પોતાના અધરનો સ્પર્શ કરવા લાગ્યો. અંગનાનું તન પણ અલ્પેશ સાથે એકાકાર થવા તત્પર થઇ ઊઠ્યું અને બંને એકબીજામાં ખોવાઇ ગયાં. ક્યાંય સુધી બંને સાથ માણતાં રહ્યાં. અંતે સાંજ ઢળવા આવી ત્યારે અંગના બોલી, ‘હવે આપણે જવું જોઇએ.’ અલ્પેશે મૂક સંમતિ આપી અને એ અંગનાથી છૂટો પડ્યો. અંગના બાથરૂમમાં જઇ હાથ-મોં ધોઇ ફ્રેશ થઇ અને બહાર આવી ત્યારે ફરી અલ્પેશે એને પોતાના બાહુપાશમાં જકડી દીર્ઘ ચુંબન લઇ લીધું. પછી બંને ઘરે જવા માટે નીકળ્યાં. બાઇકની સીટ પર અલ્પેશને પકડીને બેઠેલી અંગનાના અંગોના ઉભારનો સ્પર્શ અલ્પેશની પીઠને થઇ રહ્યો હતો. એ પણ રોમાંચ અનુભવી રહ્યો હતો. આજે બંને ઓર જ મદહોશીમાં હતાં. અંધારું થવા લાગ્યું હોવાથી અલ્પેશ ઝડપથી બાઇક ચલાવી રહ્યો હતો. એવામાં ચાર રસ્તા પાસે સિગ્નલ રેડ થવાની તૈયારી હોવા છતાં અલ્પેશે બાઇક ન રોકી અને સામેથી આવતા ટ્રકે બાઇકને જોરદાર ટક્કર મારી. અંગના ક્યાંય ફંગોળાઇ ગઇ અને અલ્પેશ ટ્રકમાં ફસાયેલી બાઇક સાથે પંદર-વીસ ફૂટ ઘસડાયો. લોકો ભેગાં થઇ ગયાં. ટ્રક ડ્રાઇવરનો દોષ નહોતો. એ તો સિગ્નલ પ્રમાણે જ આવી રહ્યો હતો, પણ બાઇક ચાલકનો પણ વાંક કાઢી શકાય એમ નહોતો. બાઇક ચલાવનાર અલ્પેશ તો ટ્રક સાથે આટલો ઘસડાયા પછી ક્યારેય ઊભો થઇ શકે એમ નહોતો. જ્યારે ફંગોળાઇ ગયેલી અંગનાનું માથું ડિવાઇડર સાથે અથડાતાં એનું પ્રાણપંખેરું પણ ત્યાં જ ઊડી ગયું હતું. આખરે અલ્પેશના વોલેટમાંથી એના ઘરનું એડ્રેસ મેળવી કોઇએ ફોન કર્યો. અંગના અને અલ્પેશ બંનેના પરિવાર માથે જાણે આભ તૂટી પડ્યું. અંગના અને અલ્પેશે એ દિવસે સાથ માણતી વખતે જ એકમેકને પ્રોમિસ આપેલું, ‘આપણો સાથ ક્યારેય નહીં છૂટે.’ કોણ જાણે કયા ચોઘડિયામાં આ વાક્ય બોલાયેલું કે કોડભર્યાં અંગના-અલ્પેશનો શ્વાસ એકસાથે જ છૂટ્યો!
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.