વુમન ઇન ન્યૂઝ:નેહા નરખેડે : 37 વર્ષે 13,380 કરોડ નેટવર્થ ધરાવતી આંત્રપ્રિન્યોર

2 મહિનો પહેલાલેખક: મીતા શાહ
  • કૉપી લિંક

સ્ટ્રિમિંગ ડેટા ટેક્નોલોજી કંપની ‘કંફ્લુએન્ટ’ની કો-ફાઉન્ડર નેહા નરખેડેએ માત્ર 37 વર્ષની ભારતના સૌથી નાની વયના સેલ્ફ મેડ વુમન આંત્રપ્રિન્યોરના લિસ્ટમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. હાલમાં આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022 (IIFL WEALTH HURUN INDIA RICH LIST) જાહેર કરવામાં આ‌વ્યું હતું. આ લિસ્ટમાં નેહા નરખેડેનું નામ પણ શામેલ છે. થોડા સમય પહેલાં જાહેર થયેલા આ લિસ્ટ પ્રમાણે દેશની સૌથી 10 ધનવાન મહિલાઓની યાદીમાં નેહા આઠમા સ્થાન પર છે. 37 વર્ષની નેહા નરખેડેની નેટ વર્થ 13,380 કરોડ રૂપિયા છે. નોંધનીય છે કે ભારતના સૌથી ધનવાન વ્યક્તિનું આ 11મું વાર્ષિક રેન્કિંગ છે. કોણ છે નેહા નરખેડે? નેહાનો જન્મ તેમજ પાલન પોષણ મહારાષ્ટ્રના પુણેમાં થયો છે. તેણે પુણે યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે અને એનસીટીઆરના પુણે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર ટેક્નોલોજી કોલેજમાંથી એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું. આ પછી જ્યોર્જિયા ટેકમાં કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી કરવા માટે 2006માં ભારત છોડી દીધું અને અભ્યાસ પછી પહેલાં ઓરેકલમાં અને પછી લિંક્ડઇનમાં પોતાની કરિયર શરૂ કરી. આ કંપનીમાં તેમણે સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામગીરી કરી હતી અને પછી તેમણે પોતાની કંપની ‘કંફ્લુએન્ટ’ શરૂ કરી. નવી શરૂઆત ઓરેકલમાં કામ કર્યા પછી જ્યારે નેહા લિંક્ડઇનમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરી રહી હતી ત્યાં તેણે અપાચે કાફ્કાના ડેવલપમેન્ટમાં પોતાનો ફાળો આપ્યો હતો. અપાચે કાફ્કા એક ઓપન-સોર્સ મેસેજિંગ સિસ્ટમ છે જેને નેટવર્કિંગ સાઇટના મોટા ડેટા ઇનપુટને સંભાળવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. 2014માં નેહા અને લિંક્ડઇનના બે સાથીઓએ કંપની છોડીને ‘કંફ્લુએન્ટ’ની શરૂઆત કરી હતી. માતા-પિતાનો ફાળો કોમ્પ્યૂટર ટેક્નોલોજી વિશે પોતાના લગાવ વિશે વાત કરતા એક ઇન્ટરવ્યૂમાં નેહા કહે છે કે, ‘હું જ્યારે આઠ વર્ષની હતી ત્યારે મારા માતા-પિતાએ મને કોમ્પ્યૂટર લાવી આપી દીધું હતું અને ત્યારથી મને એમાં રસ પડવા લાગ્યો હતો. મારી સફળતામાં મારા માતા-પિતાનો મોટો ફાળો છે. તેમણે મને બાળપણથી જ શિક્ષણનું મહત્વ સમજાવ્યો અને મારામાં એવો આત્મવિશ્વાસ જગાવ્યો કે હું દુનિયાનું કોઇ પણ કામ કરી શકું છું. બાળપણમાં તેઓ મને એવી તમામ વ્યક્તિઓ અને ખાસ કરીને મહિલાઓ વિશે જણાવતા હતા જેમણે પોતાના દમ પર સિદ્ધિ મેળવી છે. હું જે મહિલાઓથી પ્રભાવિત થઇ છું એમાં ઇલેક્ટ્રિક કાર બનાવનારી અમેરિકન સ્ટાર્ટઅપ કંપની એનઆઇઓના મુખ્ય કાર્યકારી પદ્માસ્રી વોરિયર, ભારતના પહેલા મહિલા આઇપીએસ અધિકારી કિરણ બેદી અને પેપ્સીકોના અધ્યક્ષ તેમજ મુખ્ય કાર્યકારી અધિકારી ઇન્દ્રા નુઇનો સમાવેશ થાય છે.’

અન્ય સમાચારો પણ છે...