પહેલું સુખ તે...:નવરાત્રિ એટલે આનંદની સાથે સાથે આખા શરીરની એક્સરસાઇઝ

વેઇટ મેનેજમેન્ટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગરબા રમતી વખતે ટ્વિસ્ટ, ટર્ન, બેન્ડિંગ, હાથનું હલનચલન, પગનો થનગનાટ જેવી અનેક ફિઝિકલ એક્ટિવિટી કરવી પડે છે. આ એક સંપૂર્ણ બોડી વર્કઆઉટ છે

નવરાત્રિને હવે ગણતરીના દિવસોની વાર છે ત્યારે બધા એને ઉજવવાની તૈયારીનું પ્લાનિંગ કરી રહ્યા છે. કેટલીક વ્યક્તિઓ નવ રાત સુધી રોજ ગરબા રમશે તો કેટલાક ઉપવાસ કરશે પણ બધા પોતપોતાની રીતે શ્રદ્ધાપૂર્વક આ તહેવારની ઉજવણી કરશે. ગરબા રમવાથી માત્ર આ‌નંદ નથી મળતો પણ એનાથી સ્ટ્રેસ દૂર થાય છે અને થોડું વજન પણ ઘટાડી શકાય છે. ડાન્સિંગથી આખા શરીરને એક્સરસાઇઝ મળે છે લગભગ આખા શરીરના તમામ સ્નાયુ સ્ટ્રેચ થાય છે. જો તમે નવરાત્રિ દરમિયાન સ્વસ્થ અને ફિટ રહેવા ઇચ્છતા હો તો આ રહી તમારા માટે મહત્ત્વની ટિપ્સ... 1. શરીરને આપો પોષણ ગરબા રમવા એ એક પ્રકારની એક્સરસાઇજ પણ છે અને આ કારણે ગરબા રમવા હોય તો શરીરને પૂરતું પોષણ મળી રહે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઇએ. ગરબા રમવાથી શારીરિક કસરત થાય છે અને ઘણી બધી કેલરી વપરાય છે. ગરબા રમતી વખતે ટ્વિસ્ટ, ટર્ન, બેન્ડિંગ, હાથનું હલનચલન, પગનો થનગનાટ જેવી અનેક ફિઝિકલ એક્ટિવિટી કરવી પડે છે. આ એક સંપૂર્ણ બોડી વર્કઆઉટ છે. સતત ગરબા કરવાથી થાક લાગે છે એટલે શરીરને પૂરતા પ્રમાણમાં પોષણ અને આરામ મળે એ જરૂરી છે. પૂરતું પોષણ મળે તો સ્ટેમિનામાં પણ વધારો થાય છે. આમ, શરીરમાં કાર્બોહાઇડ્રેટ, ફેટ, પ્રોટીન અને માઇક્રોન્યુટ્રિઅન્ટ્સનું સંતુલન જળવાઇ રહે એ જરૂરી છે. 2. પૂરતું પાણી શરીરને રાખે હાઇડ્રેટેડ ગરબા રમવા જાઓ એની પહેલાં પૂરતાં પ્રમાણમાં પાણી પીઓ. ગરબા રમતી વખતે પણ વચ્ચે વચ્ચે પાણી પીતા રહો. જ્યારે તમે ગરબા જેવી આકરી શારીરિક પ્રવૃત્તિ કરી રહ્યા હો ત્યારે શરીરમાં પાણીનું સ્તર જળવાઇ રહે એ જરૂરી છે. ફ્લુઇડ લોસ જેવી પરિસ્થિતિ ઉભી થાય તો ડિહાઇડ્રેશન જેવી સ્થિતિ સર્જાઇ શકે છે જેની અસર માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે. આના કારણે ગરબાના અઘરાં સ્ટેપ સમજવાનું પણ મુશ્કેલ સાબિત

થઇ શકે છે. 3. લીંબુ પાણીનું સેવન ફાયદાકારક ગરબા કરતી વખતે લીંબુ પાણી પીવાથી શરીર હાઇડ્રેટેડ રહે છે અને શરીરને ઊર્જા પણ મળે છે. ગરબા રમતી વખતે બહુ પરસેવો થાય છે અને આના કારણે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું પ્રમાણ ઘટી જાય છે. આ સંજોગોમાં લીંબુ પાણીનું સેવન શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે. 4. એનર્જી જાળવવા લો પૂરતી નિંદર જો તમે ગરબાપ્રેમી હો અને તમને એકપણ બ્રેક લીધા વગર સતત ગરબા રમવાનું પસંદ હોય તો તમારે બાકીના સમયમાં પૂરતી નિંદર લઈને સંતુલન સાધવાનો પ્રયાસ કરવો જોઇએ. રાત્રે ઉજાગરા થતા હોય તો બપોરે થોડું સુઇને બેલેન્સ જાળવી શકાય છે. નવરાત્રિમાં ગમે તેટલા ગરબા રમો પણ યાદ રાખો કે શરીર માટે આરામ પણ એટલો જ જરૂરી છે. શરીરના થાકને દૂર કરવા પૂરતી નિંદર જરૂરી છે. 5. ફ્રૂટ્સ ખાઓ શરીરમાં એનર્જી જળવાઇ રહે એ માટે ફ્રૂટ્સ ખાવાનો વિકલ્પ પસંદ કરો. ફ્રૂટ્સ ખાવાથી શરીરને ઊર્જા તો મળે જ છે પણ સાથે સાથે પૂરતા પોષક તત્ત્વો પણ મળી રહે છે. જો તમે નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરતા હો તો થોડા થોડા સમયે કંઇક ફરાળ કરવાથી શરીરનું મેટાબોલિઝમ જળવાઇ રહે છે. 6. વધારે ચા કે કોફીનું સેવન ટાળો નવરાત્રિ દરમિયાન વધારે પડતી ચા કે કોફીનું સેવન ટાળવું જોઇએ. ઉપવાસ કરતા હો તો આ કાળજી ખાસ લેવી જોઇએ. આ પીણાંમાં કેફીનનું પ્રમાણ બહુ વધારે હોય છે અને એના સેવનથી શરીર ડિહાઇડ્રેટ થઇ જાય છે તેમજ સ્ટ્રેસ અનુભવે છે. ચા કે કોફી પીવાથી નિંદર નથી આવતી અને એના કારણે સ્લિપ પેટર્ન પણ ડિસ્ટર્બ થઇ જાય છે. 7. ઓઇલી ફૂડ ન ખાઓ જો તમે ઉપવાસ કરતા હો તો વધારે પડતું તળેલું અને ઓઇલી ફૂડ ન ખાઓ. આના બદલે ગ્રિલ્ડ કે બોઇલ્ડ સ્નેક્સનો વિકલ્પ પસંદ કરો. આહારમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીનનું સેવન કરો. પ્રોટીનસભર સ્નેક્સથી પેટ લાંબા સમય સુધી ભરાયેલું રહે છે અને જલ્દી ભૂખ નથી લાગતી તેમજ એનર્જીમાં પણ ઘટાડો નથી થતો. 8. સમજદારીથી પસંદ કરો મિડનાઇટ સ્નેક્સ ગરબા રમ્યા પછી ભૂખ લાગે એ સ્વાભાવિક છે પણ આ સમયે આઇસ્ક્રીમ અને જંક ફૂડનું સેવન ટાળવું જોઇએ. આવું ભોજન કરવાથી શરીરને પોષણ નહીં મળે અને માત્ર વજનમાં વધારો થશે. નવરાત્રિ દરમિયાન સમજદારીપૂર્વક આહાર આયોજન કરવું જોઇએ. ગરબા કર્યા પછી ભૂખ લાગે તો વેજિટેબલ જ્યુસ, ગ્રિલ્ડ ઓપ્શન અને ખાંડ વગરની સ્મુધીઝની પસંદગી કરી શકો છો. જો રાત્રે ભોજન કરવું હોય ભરપેટ ભોજન કરવાને બદલે થોડું થોડું સેવન કરવું જોઇએ. contact@sapnavyas.com

અન્ય સમાચારો પણ છે...