લઘુનવલ:ચિતા પરથી મડદું બેઠું થાય એમ ઉભા થઇ નારણભાઇએ અનમોલને હેબતાવ્યો...

કિન્નરી શ્રોફ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અને એ ઘડી આવી પહોંચી. અંતરાએ કેમેરા સંભાળ્યો, અડધા ઉઘાડા થઇ નારણભાઇના પડખે ગોઠવાતા અનમોલને અરુચિ થતી હતી, પણ અંતરા ધરાર રોલ બદલી માટે ન માની. હશે, લેટ મી કમ્પલિટ ઇટ ક્વિકલી!

પ્રકરણ -10 ‘ડોન્ટ ટચ મી!’ રાતે રૂમનાં એકાંતમાં અંતરાનો ગુસ્સો ફાટ્યો, ‘મારો હક વસુધાને આપ્યા પછી પણ મને અડવાની તારી હિંમત!’ એનાં વર્તને અનમોલ ડઘાયો, વસુધાના કોલ- ફોટાના ખુલાસાએ બઘવાયો. ‘ધીસ ઇઝ ટેરિબલ.’ એનો અવાજ ધ્રૂજ્યો, ‘હું વસુધાને મળ્યો જરૂર, એના પ્રત્યે આકર્ષાવાનો અભિનય પણ કર્યો, પરંતુ એ તો એની પચાસ-સાઠ કરોડની મિલકતનો દાવ કરવા...’ પોરસભેર કહેવા ધારેલી વાત અનમોલે બચાવની ઢબે કહેવી પડી. પછી ઉમેર્યુ, ‘આ ફોટા બનાવટી છે અને વસુધા એને સાચા ઠેરવી અમે આવેગમાં હોવાનું કહેતી હોય તો એ જૂઠ બોલે છે, આ તો આપણામાં ફાટ પાડવાની એની રમત છે, અંતરા!’ અનમોલને હવે વસુધામાં કશીક ગરબડ ગંધાતી હતી. એને મળ્યા પછી જ આ બધું શું થવા બેઠું? ‘અફકોર્સ, હવે તમે તો આમ જ કહેવાના પણ હવે મને બરાબર સમજાય છે...’અંતરા એમ શાની માને, ‘ખરેખર તો વસુધા સાથે તારું ચક્કર શરું થયું, એટલે હું તને કણાની જેમ ખટકવા લાગી. મને ગભરાવવા તે જ સુલુબાનુ ભૂત ઉભું કર્યુ... ભૂતના નામે મને પાગલ ઠેરવી છૂટાછેડા લેવાની તારી ગણતરી સ્પષ્ટ છે. વસુધાની મિલકત ખાતર ડિવોર્સનું નાટક કરવાનું તું જ બોલી ગયો, એમાં નાટક શબ્દ તો મને ભોળવવા ખાતર. પચાસ કરોડની મિલકત મળી પછી કોણ અંતરા!’ બીજાને લૂંટવાની એમની બદનિયત એની જગ્યાએ, પણ અનમોલને એ ચાહતી. આજે એ હક પર તરાપ પડતા એનું વાઘણની જેમ વિફરવું સ્વાભાવિક હતું. અનમોલને સમજાયુ કે અંતરાને અત્યારે સમજાવવી વ્યર્થ હતી. ખરેખર તો જે કંઇ બની રહ્યુ છે એ વિશે શાંત મગજે વિચારવું છે. ‘સુલુબા’નો ફોન, વસુધાનું અણધાર્યુ આગમન અને મોર્ફ કરેલી તસવીરો... આ બધાનું ક્યાંક ને ક્યાંક કોઇ કનેક્શન છે. બીજાને તો અમારી સાથે શું દુશ્મની હોય. વેર હોય એવી કેવળ બે વ્યક્તિ; એમાનાં એક સુલબાને તો અમે સ્વધામ પહોંચાડી ચૂક્યાં, બાકી રહી વસુધા! એની પાસે મોટિવ છે, આજની તસવીરો પાછળ એનું જ ભેજું હોવાનું માની લઈએ તો પણ સુલુબા સાથે એનું કનેક્શન કઇ રીતે! વસુધા એ જાણે તો કઇ રીતે? નહીં, નહીં, અંતરાની બુદ્ધિએ ચાલી હું વસુધા પર નકામો વહેમાઉ છું... અને વસુધા કે પછી જે કોઇ આ રમત રમી રહ્યું છે એની પાસે અમારી વિરુદ્ધ પાકા પુરાવા નહીં હોય તો જ આવા ગિમિકની એને જરૂર પડે. અધરવાઇઝ સીધો એ પોલીસમાં ન જાય? એક તરફ વિચારોને તાણ્યા પછી પણ કન્ક્લુઝન નીકળતું નહોતું, એમાં અંતરાનો બબડાટ. ‘સ્ટોપ ઇટ અંતરા’ એકાએક એ ચીખ્યો. અંતરા રોવા લાગી... વંતરી વસુધાના પાપે તુ મને ખીજાવા ય લાગ્યો! ‘અંતરા, પ્લીઝ દિમાગથી કામ લે. આ કોઇની સાજિશ છે, આપણે તેમાં ફસાવું નથી. ઓહ, હું શું કરું તો તને વિશ્વાસ બેસે!’ એના શબ્દો અંતરાના દિમાગમાં ઘૂમરાવા લાગ્યાં. યસ, ધેર ઇઝ અ વે... મારે અનમોલ પાસે કંઈક એવું કરાવવું રહ્યું જે એની દુખતી રગ બની મારા કબજામાં રહે. પછી હું સેફ! અને પ્રભાતના કિરણો સાથે એનામાં કાવતરાનો પ્રકાશ પથરાયો. ‘તને લાગતું હોય અનમોલ કે કોઇ આપણી સાથે રમત રમી રહ્યું છે તો તો નારણનો ખેલ સમેટી સરકી જવામાં સલામતી નથી?’ અનમોલે ડોક ધુણાવી. પોતે ય આખી રાતના વિચાર બાદ એ જ નતીજા પર પહોંચ્યો હતો. આ વખતે મકાનનો મોહ નથી રાખવો. નારણ ખમતીધર આસામી છે, પોતાની ‘વાંધાજનક’ તસવીરો ફરતી ન કરવાના બદલામાં મોં માગ્યા દામ ચૂકવવાનો. અત્યારે તો એ લઈને દૂર જવામાં જ શાણપણ છે. પાછળથી વસુધાની સચ્ચાઇ તરાશી આગળ વધી શકાય. જો એ ફ્રોડ નીકળી તો એને સબક પણ શીખવાડાય પણ અત્યારે વસુધાનું નામ લઇ અંતરાને પાછી છંછેડવી નથી. ‘તુ સાચું કહે છે.’ ઝડપથી સંમતિ દર્શાવી અનમોલે અંતરાનો અહમ પંપાળવા જેવુ કર્યું, ‘આજકાલમાં જ નારણને બકરો બનાવી દઈએ. નોકરીમાં ટ્રાન્સફરનું પછી જોયું જાશે.’ ‘આજકાલમાં નહીં, આજે રાતે જ. એનાં રાતનાં દૂધમાં હું ઘેનની ગોળી ભેળવી દઇશ.’ અંતરાએ નજરમાં ધાર ઉપસાવી, ‘પછી એની આબરૂ સાથે રમત તારે માંડવાની, એની ફિલ્મ હું ઉતારીશ!’ સાંભળીને ચોંકી ગયો અનમોલ. ‘આમાં મીનમેખ નહીં થાય.’ અંતરાએ મક્ક્મપણે ઉમેર્યું, ‘મારી સાથે નારણના ફોટા પાડવા દઇ તને હું ડિવોર્સનો પુરાવો આપવા નથી માગતી. એના બદલે તારા પુરૂષ સાથેના ફોટા મારા કબજામાં હશે તો તુ પણ મારા તાબામાં રહેવાનો!’ એની ગણતરીએ અનમોલને કપાળ કૂટવાની ઇચ્છા થઇ. શું કહેવું આ સ્ત્રીના દિમાગને! અનમોલને સમજ હતી કે અત્યારે હા-નાનો અવકાશ નથી. હાલ અંતરાને કંઇ પણ કહેવું એ પથ્થર પર પાણી છે. ‘ઠીક છે, જેવી તારી મરજી... પણ આટલું થયા પછી તો તને મારા પર ભરોસો રહેશેને?’ ‘અફકોર્સ’ બાકીનું મનમાં બોલી: પછી તો તુ જ ભરોસો જાળવીશ...નહીંતર નારણ સાથેના ફોટા ફરતા ગે તરીકે વગર વાંકે વગોવાઇ ન જાય સમાજમાં! અનમોલ-અંતરાએ મૂરત તો નક્કી કર્યું પણ બિચારા જાણતા નહોતાં કે વસુધા નારણભાઇને ચેતવી ચૂકી છે અને એણે સૂચવેલી તરકીબ અનુસાર અનમોલ-અંતરાની ગેરહાજરીમાં ખાનગી ઢબે ઘરમાં છૂપા કેમેરા – માઇક્રોફોન ગોઠવાવી નારણભાઇ પોતાના ભાડૂતની રગરગથી વાકેફ થઇ ચૂક્યા છે! Â Â Â અને એ ઘડી આવી પહોંચી. અંતરાએ કેમેરા સંભાળ્યો, અડધા ઉઘાડા થઇ નારણભાઇના પડખે ગોઠવાતા અનમોલને અરુચિ થતી હતી, પણ અંતરા ધરાર રોલ બદલી માટે ન માની. હશે, લેટ મી કમ્પલિટ ઇટ ક્વિકલી! અને જેવો અનમોલ નારણભાઇના ચહેરા પર ઝૂક્યો કે ચિતા પરથી મડદું બેઠું થાય એમ ઉભા થઇ નારણભાઇએ અનમોલને હેબતાવી દીધો, ચીસ નાખતી અંતરાના હાથમાંથી કેમેરા સરકી પડ્યો. ‘હરામી’ કાળઝાળ નારણભાઇનો દિવસોથી ધબરાઇ રહેલો ગુસ્સો ફાટ્યો. અનમોલને તમાચા વીંઝી એમણે શબ્દોથી ફિટકારવા માંડ્યો, ‘તમારા પર ભરોસો મૂકનારને તમે આમ છેતરો છો! મારા રામે મને બચાવ્યો. અંતરાને દૂધમાં કશુંક નાખતા હું જોઈ ગયો, એ દૂધ મેં પીધુ જ નહીં! હવે તમારી વાતો સાંભળ્યા પછી...’ નારણભાઇના વાક્યોએ અનમોલની કુટિલતા સજીવન થઈ : ના, જે થયું એ બાય ચાન્સ થયું. નારણ મૂરખ છે. શંકા જવા છતાં અમારી સાથે એકલો રહ્યો! દાવ ખૂલ્યા પછી એને ખંખેરવાનો જ હોય! ‘બસ, બુઢ્ઢે...’ એણે નારણભાઇને પાછળથી પકડી મોં દબાવ્યું, ‘એકદમ ચૂપ. જીવ વ્હાલો હોય તો જે કંઇ નગદ-ઝવેરાત ઘરે ચોરખાનામાં પડ્યું છે એ અમારે હવાલે કરી દે...અંતરા, ચાકુ!’ અંતરા હરકતમાં આવી. રસોડામાંથી ચાકુ લાવી નારણની ગરદને અણી ટેકવી, ‘ચાવી!’ પછી દમ ભીડ્યો, ‘તુ જાણતો નથી પણ અમે ઓલરેડી અમારી એક બુઢી મકાન માલિકણને સ્વધામ પહોંચાડી ચૂક્યાં છીએ..’ સાંભળીને ડર્યા હોય એમ નારણભાઇએ કફનીનાં ગજવામાંથી તિજોરીની ચાવી કાઢી ફેંકી. અંતરાએ ચાવી લેવા પીઠ ફેરવી કે નારણભાઇએ કચકચાવીને એને લાત ઠોકી. અણધાર્યા ધક્કાએ એ સીધી ગડથોલિયું ખાતી ઊંબરે પટકાઇ. અને... ‘બહુ વાગ્યું તો નથીને!’ અંતરાના વાળ ખેંચી એને સીધી કરનારાં હતાં વસુધા! સાથે ખાખી વર્દીમાં પોલીસને જોઇ અંતરાને તમ્મર આવ્યાં, નારણભાઇને પકડીને ઉભો અનમોલ આ અણધાર્યા દૃશ્યે પૂતળાં જેવો થયો. વસુધા ખરેખર તો નારણભાઇને મળી ચૂકેલી, અમને ગૂંચવાવી, ઉશ્કેરી સપડાવવાની એની જ આખી રમત હતી. અરે, કેમેરા-માઇક્રોફોનથી અમારું આજનું કાવત્રું જાણી ગયેલા નારણભાઇએ ટેરેસનો દરવાજો ખુલ્લો રાખી અણીના સમયે વસુધા-પોલીસના આવવાની સવલત કરી રાખેલી એ જાણી અનમોલ-અંતરા ધ્રૂજવા લાગ્યાં. આખરે વસુધામાં આવો પલ્ટો આવ્યો કેમ! ‘એ બધું તમારું જ પાપ’ વસુધાએ આગળ આવી અનમોલને તમાચો વીંઝતા મોઘમ કહ્યું. આખા કિસ્સામાં વસુધા નાનકડી કિશોરીને ક્યાંય વચ્ચે લાવવા માગતા નહોતાં. નાહક એ બાળકી ગુનેગારોની આંખે ચડે એવું શું કામ થવા દેવું! પછી એમણે ઇન્સ્પેક્ટરને કહ્યુ, ‘અનમોલ-અંતરાએ મકાન માલિકણની હત્યા કર્યાની કબૂલાત પણ તમે રેકોર્ડ કરી લીધી છે, બેઉને એવી સજા અપાવજો કે ફરી કોઇ ભાડૂત નિર્દોષ મકાનમાલિક સાથે દાવ રમવાની જુર્રાત ન કરે.’ ક્યાંય સુધી વસુધાના શબ્દો પડઘાયા કર્યા. Â Â Â પાકા પુરાવાને કારણે બહુ જલ્દી કેસનો ચુકાદો આવી ગયો. અનમોલ-અંતરાને ઘટતી સજા થઈ, હવે એ કંઇ કરી શકવાના નહીં! દરમિયાન એમની કરણીનું જાણી એમને ‘ભગવાને મોકલેલા ભાડૂત’ ગણતા ચીખલીના લોકો, નારણભાઇના દીકરા-વહુઓ આઘાત પામી ગયેલાં. સુલુબાની હત્યાનો પડઘો મહેસાણાના ગામે પડ્યો તો અનમોલ-અંતરાને ઝડપાવવામાં વસુધાની ભૂમિકા જાણી દેવગઢ ગામનું પંચ એને માનભેર તેડવા આવ્યું : તમારા ગુણ-ચારિત્રમા કોઇને શંકા હોય જ નહીં, વહુ. તમે એ જ વખતે કહ્યુ હોત તો અમે ગુનેગારોને ત્યાં જ દબોચ્યા હોત... તમે તો રાજપૂતાણીની જેમ વેરીનો વિનાશ કર્યો, હવે ગામ પાછા વળો, નહીંતર અખિલેશ્વરબાપાને અમે શું જવાબ દઇશું! વસુધા ગદગદ થયેલા. પંચને ઇન્કાર કેમ હોય! વસુધાનું ઘર અનમોલે હજુ વેચ્યું નહોતું એટલે ફરી કબજો મેળવાવામાં ખાસ વાર ન લાગી. સુલુબાનાં મકાનના રૂપિયા ગામનાં પંચને મળે અને એમાંથી ગામનાં સિનિયર સિટીઝનની સુરક્ષાના ઉપાયો થાય, બાળાઓને સ્કોલરશિપ મળતી રહે એવું ગોઠવાયું. વસુધાની વિદાયનાં વમળ દેવલ ગામમાં ય ઉઠ્યાં. મંજુલા શેઠાણીએ આશીર્વાદભેર નોકરીમાંથી રજા આપી. ‘તારી વિતક અમે હવે જાણી!’ નંદામાસીએ માથે હાથ ફેરવેલો, ‘ઘણું વેઠ્યું તે. હવે સુખેથી તારા ગામ જા, પણ યાદ રાખ, એથી આપણી સગાઇ તૂટવાની નથી.’ રાધિકા-સુરેશકુમાર કહીને ગયાં : તમે મારી કિશોરીનાં તારણહાર બન્યાં. અમને આખા કિસ્સામાં બાકાત રાખી તમે અહેસાન જ કર્યું છે... હા, એક સુધાભાભી જેવાને ‘અમે સાવ અંધારામાં રહ્યા’ની લાગણી પજવતી હતી, મોસાળમાં મામી હજુય ટલ્લા જ ફોડતાં હતાં, જેવો જેનો સ્વભાવ! ઘર છોડી પોતે આ વર્ષોમાં શું મેળવ્યું એ વસુધાને પરખાતું હતું. નંદામાસી- નારણકાકાએ મને દીકરી માની છે, રાધિકા બહેન જેવી ગણે છે, મંજુલા શેઠાણીની વત્સલતા પણ કેમ ભૂલાય! આ સંબધો હવે જીવનભરના રહેવાના! Â Â Â મારું ઘર! વસુધા દોડી ગયા. એ જ આંગણું, એ જ તુલસી ક્યારો.. સૌથી પહેલા એમણે અમૂલખની છબી કાઢી હૈયે ચાંપી : આપણે ઘરે આવી ગયાં, અમૂલખ... આપણાં ઘરે! એને વધાવતા મોરલા દોડી આવ્યા. એમના ગહેકાટમાં દૂર મંદિરમાં સંધ્યા આરતીનો ઘંટારવ ભળ્યો ને વસુધાનાં હૈયે પરમ તૃપ્તિ અનુભવી. (સમાપ્ત)

અન્ય સમાચારો પણ છે...