પ્રશ્ન : મારી આંગળીઓ પાતળી અને લાંબી છે. તેથી મને નખ વધારવા ગમે છે, પણ મારા નખ થોડા વધે કે તરત તૂટી જાય છે. આવું કેમ થતું હશે? મારા નખ સારી રીતે વધે તે માટે મારે શું ધ્યાન રાખવું જોઇએ?
એક યુવતી (અમદાવાદ)
ઉત્તર : તમારી આંગળીઓ લાંબી અને પાતળી હોવાથી તમે નખ વધારો તો ચોક્કસ તે સારા લાગે. જોકે તમારા નખ સતત તૂટી જાય છે, તેનું કારણ તમારા શરીરમાં પોષણ ઓછું હોવું જોઇએ. તમે બને તો કેલ્શિયમ અને દૂધ વધારે લેવાનું રાખો. આ સાથે નખ પર લીંબુનું ફાડિયું ઘસો, જેથી પણ તમારા નખ મજબૂત બનશે અને તૂટી નહીં જાય. બને ત્યાં સુધી જ્યારે પાણીમાં કામ કરતાં હો, ત્યારે કામ કરી લીધા પછી નેપ્કિનથી હળવા હાથે નખને સારી રીતે સાફ કરી વિટામિન-ઇથી મસાજ કરો. નખની સુંદરતા વધારવા માટે નવશેકા પાણીની અંદર બેકિંગ સોડામાં દસ મિનિટ સુધી નખને ડૂબાડી રાખો. આ પ્રયોગથી એક અઠવાડિયામાં તમારા નખમાં ચમક આવી જશે. અઠવાડિયામાં એક વખત એરંડિયાથી હાથની આંગળી અને નખનો મસાજ કરવાથી પણ નખની સુંદરતામાં વધારો થાય છે અને એ ચમકીલા બને છે.
પ્રશ્ન : મારી ઉંમર ચોવીસ વર્ષ છે. મારા ચહેરાના પોર્સ ખુલી ગયાં હોવાથી ચહેરો સારો નથી લાગતો અને કોઇ પણ ક્રીમ લગાવું કે મેકઅપ કરું તો તે પોર્સમાં ભરાઇ જવાથી ખરાબ દેખાય છે. મારા ઓપન પોર્સને બંધ કરવા માટે કોઇ ઉપાય જણાવશો?
એક યુવતી (વડોદરા)
ઉત્તર : તમારા પ્રશ્ન પરથી લાગે છે કે તમે વારંવાર સ્ટીમ લેતાં હશો. તેના લીધે તમારા ચહેરાના પોર્સ ઓપન થઇ ગયા છે. પોર્સ ઓપન થઇ જવાથી ચહેરાની ત્વચામાં રહેલું પ્રાકૃતિક ઓઇલ બહાર આવે છે અને તેથી ચહેરો ચીકણો લાગે છે. તમે આ ઓપન પોર્સને બંધ કરવા માટે જ્યારે પણ ચહેરો ધૂઓ તે પછી એસ્ટ્રિન્જન્ટ લગાવવાનું રાખો. બહાર જવા માટે તૈયાર થાવ ત્યારે સૌથી પહેલાં ચહેરા પર આઇસક્યૂબ એક સ્વચ્છ રૂમાલ કે કાપડમાં રાખી હળવા હાથે પાંચેક મિનિટ ઘસો. એ જ રીતે બહારથી આવો ત્યારે પણ ચહેરાને સારી રીતે સાફ કર્યા પછી એસ્ટ્રિન્જન્ટ લગાવો અથવા આઇસક્યૂબ ઘસો. આ રીતે નિયમિત કરવાથી ધીરે ધીરે ઓપન પોર્સ સંકોચાવા લાગશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.