મીઠી મૂંઝવણ:બહેનપણીને પીઠ પાછળ મારી બુરાઇ કરવાની આદત છે...!

19 દિવસ પહેલાલેખક: મોહિની મહેતા
  • કૉપી લિંક

પ્રશ્ન : હું મારાથી સાત વર્ષ નાની યુવતીને ડેટ કરી રહ્યો છું. મારી વય 30 વર્ષની છે જ્યારે મારી ગર્લફ્રેન્ડ માંડ 23 વર્ષની છે. અમારી વચ્ચે બહુ પ્રેમ છે પણ આમ છતાં અમારી વચ્ચે ઘણી વખત ઉગ્ર ચર્ચા થઇ જાય છે. હકીકતમાં મને લાગે છે કે મારી ગર્લફ્રેન્ડ થોડી બાલિશ છે. તે મારા માટે અત્યંત પઝેસિવ છે. હું મારા ફ્રેન્ડની પત્ની સાથે પાંચ-દસ મિનિટ વાત કરું તો પણ તેને તકલીફ પડે છે. મારી ગર્લફ્રેન્ડને લાગે છે કે મારે દરેક વાતમાં તેનો મત તો લેવો જ જોઈએ. તેનો આગ્રહ હોય છે કે ફ્રેન્ડ્સની વચ્ચે પણ મારે તેને જ અટેન્શન આપવાનું. આના કારણે મેં હવે ફ્રેન્ડ્સ સાથે કપલમાં ક્યાંય જવાનું ઓછું કરી નાખ્યું છે. હું મારી ગર્લફ્રેન્ડને બહુ પ્રેમ કરું છું પણ મને લાગે છે કે અમારો સંબંધ લાંબો નહીં ચાલે. મારે શું કરવું જોઇએ? એક યુવક (વડોદરા) ઉત્તર : સંબંધોની શરૂઆતમાં જ જ્યારે પાર્ટનરને ઇર્ષા આવતી હોય તો સમજવું કે હજી તમારા સંબંધમાં ઊંડાણ નથી આવ્યું. પ્રેમ કદી પોતાની સાથે પ્રતિબંધોની બેડી નથી લાવતો. રિલેશનશિપમાં માનવામાં આવે છે કે પઝેસિવનેસ એ પ્રેમનું લક્ષણ છે, પણ આ વાત સાચી નથી. પઝેસિવનેસ શરૂમાં જેટલી સુંવાળી લાગે એટલી જ પાછળથી ગુંગળાવનારી હોઈ શકે છે. તમારા વચ્ચે બહુ પ્રેમ હોય પણ તમારી ગર્લફ્રેન્ડ એવી દલીલ કરે કે તમારે દરેક વાતમાં તેનો મત લેવો જ જોઇએ તો એ બિલકુલ યોગ્ય નથી. હકીકતમાં કોઇ સંબંધ ત્યારે ત્યારે જ સારી રીતે વિકાસ પામે જ્યારે એમાં મુક્તતાની લાગણી હોય. બંધિયારપણું સંબંધને કોહવી નાખે છે. હાલમાં તો તમે ફ્રેન્ડ્સ સાથે કપલમાં જવાનું ટાળી રહ્યા છો, પણ શું આવું આખી જિંદગી કરશો? જો તમારે આ રિલેશનશિપ પ્રત્યે બહુ લગાવ હોય તો પણ એમાં બ્લાઇન્ડલી આગળ વધવાની પણ જરૂર નથી. તમે તેલ જુઓ અને તેલની ધાર જુઓ. તમારે આ સંબંધને સમજવાની જરૂર છે. હાલમાં તમે નવી રિલેશનશિપમાં છો અને તમારી વચ્ચે વયનો તફાવત પણ વધારે છે. હાલમાં શરૂ-શરૂમાં આવેલો પ્રેમની ઉત્કટતાનો ઊભરો ઠંડો થવા દો. એ પછી પણ જો તમને લાગે કે પાર્ટનર ઇનસિક્યોરિટી કે ઇર્ષામાંથી બહાર નથી આવતો તો ફેરવિચારણા જરૂરી બને. પ્રશ્ન : હું 30 વરસની છું. મારા લગ્ન થયે ચાર વર્ષ થયા છે. મારા પતિનો સ્વભાવ ઘણો શંકાશીલ છે. તેઓ મને કોઇ સાથે વાત કરવા દેતા નથી. તેમજ ઘરમાં પુરુષ કામવાળો પણ રાખતા નથી. મારે પાર્લરમાં જવું હોય તો પણ તેઓ એક કલાક સુધી પાર્લરની બહાર ઉભા રહે છે પણ મને એકલીને પાર્લર જવા નથી દેતા. હવે હું કંટાળી ગઇ છું. શું કરવું એ મને સમજ પડતી નથી. યોગ્ય સલાહ આપશો. એક મહિલા (સુરત) ઉત્તર : તમારી સ્થિતિ સમજી શકાય એમ છે. લગ્ન એટલે ભરોસા અને વિશ્વાસનો સંબંધ. લગ્નજીવન ટકાવી રાખવા માટે વિશ્વાસ સૌથી મોટી જરૂરિયાત છે. જો વિશ્વાસ આઉટ થયો તો અનેક સમસ્યાઓ પ્રવેશ કરશે. જીવન માટે શ્વાસ અને સંબંધ માટે વિશ્વાસ સૌથી વધારે અનિવાર્ય છે. કોઈપણ સંબંધમાં વિશ્વાસ અનિવાર્ય છે. પરંતુ પતિ-પત્નીના સંબંધમાં તો તેના વગર એક ડગલુંય ન ચાલે. શંકા ન કરશો, કુશંકા તો બિલકુલ ન કરશો. એકબીજા પર મૂકેલો ભરોસો ટકાવી રાખો. ભરોસો ડગુમગુ થાય ત્યારે સંવાદ રચો. લાગે છે કે તમારા પતિને લગ્ન એટલે શું એ વાતનો અહેસાસ જ નથી. તમે તમારી તકલીફને મનમાં દબાવી રાખવાના બદલે આ વાતની ચર્ચા પતિ સાથે કરો. શક્ય હોય તો તમારા પતિના પરિવારને વિશ્વાસમાં લો. તમારે તમારી જિંદગીની તેમજ ભવિષ્યની ચિંતા કરવાની છે. તમારા પતિ માને નહીં તો તમારી પાસે બે વિકલ્પ છે. એક તેમને છોડી દેવાનો અને બીજો કાનુની મદદ લેવાનો. પતિને છોડીને એકલા રહેવું હોય તો સૌ પ્રથમ તમારે પગભર બનવું પડશે. શું તમે નોકરી કરી એકલા રહી શકો છો? આ માટે તમારામાં આત્મવિશ્વાસ છે? આ બધો વિચાર કરીને જ આગળ વધજો. તમારું જીવન કેવો વળાંક લેશે એ વાતનો આધાર તમારા નિર્ણય પર રહે છે. આ કારણે સમજી વિચારીને નિર્ણય લેવો જરૂરી છે.

પ્રશ્ન : હું કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતી છું. કોલેજમાં મારી એક બેસ્ટ ફ્રેન્ડ છે અને તે 11મા ધોરણથી મારી સાથે જ ભણે છે. અમે બંને એકબીજાની બહુ નજીક છીએ અને અમારા સિક્રેટ પણ એકબીજા સાથે શેર કરીએ છીએ. અમારી વચ્ચે ચાર વર્ષની ગાઢ મિત્રતા છે. જોકે હાલમાં જ મને ખબર પડી છે કે મારી ફ્રેન્ડ મારી પીઠ પાછળ બીજા મિત્રો પાસે મારી બુરાઇ કરે છે. તેના આ વર્તનથી મને બહુ ખરાબ લાગ્યું છે. મારે હવે શું કરવું જોઇએ? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : થોડીઘણી ઈર્ષ્યા દરેક વ્યક્તિમાં હોય છે જેના કારણે વ્યક્તિ નિંદા કરવા માટે પ્રેરાય છે. જોકે અમુક લોકો વધુ પડતા નિંદાખોર હોય છે અને સમસ્યા આ લોકોની જ હોય છે. આવા લોકો હકીકતમાં અર્ધસત્યને ખોટી રીતે રજૂ કરીને, સાવ જૂઠું બોલીને પણ નિંદા કરતા રહે છે. વિઘ્નસંતોષી પ્રકારના આ લોકો સતત અન્યનું ખરાબ ઇચ્છતા હોય છે અને એમાં જ એમને આનંદ મળતો હોય છે. જો તમારી આસપાસ એવા લોકો હોય તો એમની સાથેનો સંબંધ ભલે ગમે તેટલો ગાઢ હોય તો પણ આ સંબંધ તોડી નાખવામાં કે પછી ઓછો કરી નાખવામાં જ ભલાઇ છે. આપણી ગેરહાજરીમાં આપણા વિશે કોઈ આપણી નિંદા કરે તો એની ફિકર આપણે ન કરીએ એ અભિગમ એક રીતે બરોબર છે, કારણ કે લોકોના મોઢે આપણે તાળા મારવા નથી જઈ શકવાના, પરંતુ આ વિશે થોડા સતર્ક રહેવાની જરૂર છે. આપણી ગેરહાજરીમાં આપણા વિશે કોઈ ખરાબ બોલે ત્યારે આપણી છાપ નિશ્ચિતપણે બગડતી હોય છે, આપણી ઇમેજને ઘસારો પહોંચતો હોય છે. ટ્રેજડી એ છે કે કોઈએ કરેલી નિંદાના કારણે જે વ્યક્તિના મનમાં આપણી છાપ બગડી હોય છે એ વ્યક્તિ આપણને સીધી રીતે કંઈ કહેતી નથી, બસ એ મનમાં જ કંઈક માની લે છે. આપણે વિના કારણનો ખુલાસો પણ નથી કરતા. સમસ્યા ત્યારે થાય જ્યારે એ વ્યક્તિએ આપણા સંદર્ભમાં કોઈ નિર્ણય લેવાનો હોય અને એમાં આપણી બગડેલી છાપ વચ્ચે આવે. મોટે ભાગે આપણે આવી વ્યક્તિઓને અવગણતા હોઈએ છીએ અને એમની સાથેનો સંબંધ ઓછો કરી નાંખતા હોઈએ છીએ. આટલું પૂરતું નથી. આ વાતને બહુ જ ગંભીરતાથી લઈને આવી વ્યક્તિ સાથેનો સંબંધ સદંતર તોડી નાંખવાનું ખૂબ જરૂરી છે. આવી નિંદાખોર વ્યક્તિઓ સાથેનો સંબંધ તોડી નાંખવાનો સૌથી મોટો લાભ એ થાય કે એ જ્યારે આપણી ગેરહાજરીમાં આપણી નિંદા કરશે ત્યારે એની કોઈ વિશ્વસનીયતા નહીં રહે.

સંબંધોની જટિલ સમસ્યામાં તમે પણ અટવાયા હો તો તમારા મનની મૂંઝવણ અમને જણાવો madhurimamagazine@gmail.com પર. તમને મળશે માનસિક હળવાશ આપે એવી સમજણ.

અન્ય સમાચારો પણ છે...