મીઠી મૂંઝવણ:નવરાત્રિમાં મારા માતા-પિતા મારી જાસૂસી કરાવે છે!

મોહિની મહેતા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : મારી છ મહિના પહેલાં અરેન્જ્ડ સગાઇ થઇ છે. હું મુંબઇમાં રહું છું જ્યારે મારી ફિયાન્સી વલસાડમાં રહે છે. સગાઇ પછી અમારી પહેલી નવરાત્રિ છે. મારી ઇચ્છા હતી કે આ નવરાત્રિ કરવા માટે મારી ફિયાન્સે મુંબઇ આવે અથવા તો હું વલસાડ તેની પાસે જાઉં. અમારા ઘરમાં મુક્ત વાતાવરણ છે. મેં મારી ઇચ્છા મારા માતા-પિતા પાસે વ્યક્ત કરી અને મારી મમ્મીએ મારા સાસરે આ પ્રસ્તાવ મૂક્યો. મારા આશ્ચર્ય વચ્ચે તેમણે આ વાતની ઘસીને ના પાડી દીધી. તેમણે પોતાની દીકરીને લગ્ન પહેલાં સાસરી મોકલવાની તો ના પાડી જ પણ સાથે સાથે મને પણ તેમનાં ઘરે રાતવાસો કરવાની સારા શબ્દોમાં ના પાડી દીધી. મેં મારી ફિયાન્સેને તેના પરિવારને સમજાવાનું કહ્યું તો તેણે પણ કહી દીધું કે આ મામલે તે કંઇ નહીં કરી શકે. મારું તો મન ઉતરી ગયું છે. જે લોકો લગ્ન પહેલાં મારી આટલી નાની ઇચ્છી પૂરી ન કરી શકે એ લગ્ન પછી મારું શું માન જાળવશે? મારે હવે શું કરવું? એક યુવક (મુંબઇ) ઉત્તર : તમારે માત્ર ધીરજ રાખવાની જરૂર છે. તમારી માત્ર 6 મહિના પહેલાં અરેન્જ્ડ સગાઇ થઇ છે એટલે સ્વાભાવિક છે કે બંને પરિવારોને એકબીજાની વિચારસરણીની સંપૂર્ણપણે ખબર ન હોય. વળી, તમે મુંબઇ જેવા શહેરમાં મુક્ત વિચારસરણી ધરાવતા પરિવારમાં રહો છો અને તમારી ફિયાન્સે વલસાડ જેવા શહેરમાં રહે છે. આ કારણે બંને પરિવારની માનસિકતામાં તફાવત હોય એ સ્વાભાવિક છે. ઘણા પરિવારોમાં દીકરીને લગ્ન પહેલાં સાસરે રાતવાસો કરવાની પરવાનગી નથી હોતી અને તેઓ આવી છૂટ ભાવિ જમાઇને પણ નથી આપતા. જો તમારું સાસરું આવી વિચારસરણી ધરાવતું હોય તો તેમને નિર્ણય બહુ સ્વાભાવિક છે અને આ મામલામાં તમારી ફિયાન્સે કંઇ ન કરી શકે એ પણ નોર્મલ છે. આ સંજોગોમાં કારણ વગર ઇમોશનલ થવાથી બાજી બગડી શકે છે. જો તમને તમારી ફિયાન્સે કે તેના પરિવાર સાથે કોઇ બીજી સમસ્યા ન હોય તો માત્ર આ ક્ષુલ્લક કારણોસર સંબંધોમાં ઝેર ફેલાઇ ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. જો સંબંધોમાં મીઠાશ હશે તો ભવિષ્યમાં પણ તમે આનંદપૂર્વક સજોડે તહેવાર મનાવશો. જો તમારે આ નવરાત્રિમાં તમારી ફિયાન્સે સાથે ગરબા રમવા હોય તો તમે એકાદ દિવસ માટે વલસાડ જવાના વિકલ્પ વિશે વિચાર કરી શકો છો અને તેમના ઘરે રાત રોકાવાના બદલે એકાદ દિવસ માટે હોટેલમાં સ્ટે કરી શકો છો. તમારી ઇચ્છા પૂરી કરવા માટે આ વચગાળાનો વિકલ્પ વિચારીને પેરેન્ટ્સનાં માધ્યમથી સાસરિયાંને સમજાવાનો પ્રયાસ કરી શકાય. પ્રશ્ન : હું મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરતી 26 વર્ષીય યુવતી છું અને ત્રણ વર્ષથી સ્ટેડી રિલેશનશીપમાં છું. મારો બોયફ્રેન્ડ થોડો જુનવાણી છે. હું મારા અન્ય મિત્રો સાથે ગરબા રમવા જાઉં તો એને બિલકુલ નથી ગમતું અને તે મારી સાથે મોટો ઝઘડો કરે છે. ગયા વર્ષે તો તેણે બ્રેક-અપ કરી નાખવાની ધમકી પણ આપી દીધી હતી. મને તેનું આવું વર્તન બિલકુલ નથી ગમતું પણ સાથે સાથે હું તેને બહુ પ્રેમ કરતી હોવાથી ગુમાવવા પણ નથી ઇચ્છતી. મારે શું કરવું જોઇએ? એક યુવતી (સુરત) ઉત્તર : તમે ત્રણ વર્ષથી સ્ટેડી રિલેશનશીપમાં હો તો એવું ધારી શકાય કે તમે એકબીજાને સારી રીતે ઓળખવા લાગ્યા છો. તમારે સૌથી પહેલાં તો એ સમજવાની જરૂર છે કે સંબંધ ગમે તેટલો ગાઢ હોય પણ બીજી વ્યક્તિના દબાણથી કોઇ વ્યક્તિના વિચાર અને સ્વભાવમાં બદલાવ લાવવો શક્ય નથી. આ બદલાવ જો વ્યક્તિ આપમેળે પરિસ્થિતિ સમજે તો જ આવી શકે છે. જો તમે આટલી વાત સમજી જશો તો તમારી સમસ્યા હળવી થઇ જશે. જો તમારા બોયફ્રેન્ડનું માનસ બધી વાતમાં જુનવાણી હશે તો એને એ પોતે જ બદલી શકશે, તમે તો ક્યારેય નહીં બદલી શકો. રહી વાત તમારી સમસ્યાની તો જો આ સમસ્યા માત્ર નવરાત્રિમાં બીજા મિત્રો સાથે ગરબા રમવા જાઓ ત્યાં સુધી જ સિમિત હોય તો એનો ઉકેલ શક્ય છે. તમે બોયફ્રેન્ડને તમારી લાગણી જણાવીને તમારી સાથે આવવા માટે સમજાવી શકો છો અથવા તો સાથે મળીને શાંતિપૂર્વક અહમ્્ને વચ્ચે લાવ્યા વગર આ સમસ્યાનો ઉકેલ શોધી શકો છો. જો માત્ર આ સમસ્યા જ હોય તો આ બહુ નાની સમસ્યા છે. તમે મળીને આટલી નાની વાતનો ઉકેલ ન લાવી શકતા હો અને સીધી બ્રેક-અપની ચર્ચા થતી હોય તો તમે ભલે ત્રણ વર્ષથી સ્ટેડી રિલેશનશીપમાં હો પણ બંનેએ આ સંબંધને થોડો સમય આપવાની અને એના પર હકારાત્મક રીતે કામ કરવાની જરૂર છે. જો થોડા સમય પછી પણ બોયફ્રેન્ડનાં વર્તનમાં બદલાવ ન આવે તો કોઈ નિર્ણય લેતા પહેલાં વિચારજો.

પ્રશ્ન : હું કોલેજના બીજા વર્ષમાં ભણતી યુવતી છું. મારું ફ્રેન્ડસર્કલ બહુ વિશાળ છે અને આ કારણે હું રોજ અલગ અલગ મિત્રો સાથે તેમની સોસાયટી કે તેમના બીજા ગ્રુપમાં ગરબા રમવા જવાનું પસંદ કરું છું. મને મારી જાત પર ભરોસો છે અને હું મારી સલામતી વિશે સતર્ક જ રહું છું. મારાં માતા-પિતાએ મને ક્યારેય મિત્રો સાથે ગરબા રમવા જતા નથી રોકી. જોકે હાલમાં કબાટ સાફ કરતી વખતે મારા હાથમાં એક બિલ આવ્યું જેને ધ્યાનથી જોતા મને ખબર પડી કે મારાં માતા-પિતા નવરાત્રિ દરમિયાન મારી પર નજર રાખવા પ્રોફેશનલ જાસૂસની સર્વિસ લે છે. મને આ વાત જાણીને બહુ ખરાબ લાગ્યું. શું મારાં માતા-પિતાને મારી પર વિશ્વાસ નહીં હોય? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : નવરાત્રિમાં રાત્રે દીકરી બહાર જાય ત્યારે માતા-પિતાને ચિંતા થાય એ સ્વાભાવિક છે, પરંતુ યુવાન દીકરી પર વધારે પડતી શંકા-કુશંકા કરવામાં આવે તો સ્પ્રિંગને વધારે દબાવવાથી જેવી સ્થિતિ સર્જાય એવી પરિસ્થિતિ ઉભી થાય છે. વધારે પડતા દબાણથી સ્પ્રિંગરૂપી દીકરીની વિકૃતિઓ એવી ઉછળીને બહાર નીકળે કે સાચવવું મુશ્કેલ થઇ જાય. તમે નસીબદાર છો કે તમારાં માતા-પિતા આ હકીકતથી વાકેફ છે એટલે તેમણે તમારા પર ક્યારેય ખોટો અંકુશ મૂકવાનો પ્રયાસ નથી કર્યો. જોકે તમારાં માતા-પિતાને તમારી ચિંતા થાય એ પણ સ્વાભાવિક છે. તમારે એ સમજવાની જરૂર છે કે જો તેમણે તમારી પર નજર રાખવા માટે જાસૂસની પ્રોફેશનલ મદદ લીધી હોય તો એનો મતલબ એ નથી કે તેમને તમારા પર વિશ્વાસ નથી. શક્ય છે કે તેમને તમારાં મિત્રવર્તુળ પર શંકા હોય અથવા તો તમારી ચિંતા થતી હોય એટલે તમારી સલામતી માટે આ વિકલ્પ અજમાવ્યો હોય. તમારે આ હકીકત જાણીને માતા-પિતા પ્રત્યે નકારાત્મક અભિગમ અપનાવવાને બદલે આ મામલે તેમની સાથે ખુલ્લા દિલથી વાત કરવાની જરૂર છે. તમારે માતા-પિતાના કોઇ નજીકના મિત્રના માધ્યમથી અથવા તો પોતે જ સ્પષ્ટ શબ્દોમાં વાતચીત કરીને સમજાવાનો પ્રયાસ કરવો જોઇએ કે સંતાન સાથે જો કમ્યુનિકેશનનો તંતુ મજબૂત હશે તો એ ક્યાંય પણ જશે એને પોતાની જવાબદારીનું ભાન હશે, આ માટે જાસૂસી કરવાની જરૂર નથી. અત્યારના યુવક-યુવતીઓની પોતાની એક દુનિયા છે અને માતા-પિતાએ આ દુનિયાને ધિક્કારવાને બદલે સંતાનને એટલી માનસિક મોકળાશ આપવી જોઇએ કે તે આ દુનિયામાં પેરેન્ટ્સને પણ એન્ટ્રી આપે. સંતાન જ્યારે દુનિયાના વિચારોથી કંઇક અલગ કરે ત્યારે તે હંમેશાં સ્વચ્છંદી કે ખરાબ જ હોય એવું નથી. હા, કેટલાક અપવાદ હોઇ શકે, પરંતુ માતા-પિતાને પોતાના ઉછેર, સંસ્કાર અને કેળવણીમાં વિશ્વાસ હોવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...