મીઠી મૂંઝવણ:મારી ગર્લફ્રેન્ડ મારી ગેરહાજરીમાં મારો ફોન ચેક કરે છે...

12 દિવસ પહેલાલેખક: મોહિની મહેતા
  • કૉપી લિંક

પ્રશ્ન : હું કોલેજના ફાઇનલ યરમાં અભ્યાસ કરું છું. મારા કોલેજના મિત્રવતૃળમાં છોકરીઓ અને છોકરાઓ બંને છે. મને બોયફ્રેન્ડ બનાવવામાં કોઇ રસ જ નથી. હાલમાં પરીક્ષા પછી ગ્રુપના એક છોકરાએ મને પ્રપોઝ કર્યું હતું પણ મેં ના પાડી દીધી અને અમારી વચ્ચે લગભગ ત્રણ મહિના સુધી વાતચીતનો કોઇ વ્યવહાર નહોતો. જોકે એક દિવસ અમારી વચ્ચે વાતચીત થઇ ત્યારે તેણે કહ્યું કે જો જીવનસાથી નહીં તો મિત્ર તરીકે તો રહી શકીએને? મને પણ એમાં કોઈ વાંધો નહોતો. જોકે એ પછી ફ્રેન્ડશિપ નોર્મલ થઈ ગઈ એ પછી કેલેજમાં અમારું નામ સાથે ચર્ચાવા લાગ્યું. આ વાત ઘરે પહોંચી અને મને ઘરમાં બહુ વઢ પડી. હવે મારા પરિવારજનો મારા પર વિશ્વાસ જ નથી રહ્યો. મારો કોઇ વાંક ન હોવા છતાં મારી સમસ્યા વધી ગઇ છે. મારે પરિવારને કેવી રીતે હેન્ડલ કરવો? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : તમારી ચિંતા સમજી શકાય એવી છે. હવે કોલેજમાં મુક્ત વાતાવરણ હોય છે અને આ વાતાવરણમાં રિલેશનશિપને પાંગરવાની મોકળાશ મળે છે. આ સંજોગોમાં સામાન્ય રીતે લોકો એમ જ સમજતા હોય છે કે દરેક છોકરી અને છોકરાને ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ હોય જ. આ માનસિકતાને કારણે જો કોઇ યુવતી એમ કહે કે તેનો કોઇ બોયફ્રેન્ડ નથી તો ભાગ્યે જ કોઇ એની વાતનો વિશ્વાસ કરે છે. જોકે આ મામલે પહેલાં જાતને સવાલ કરી જુઓ કે તમને ખરેખર તમારા ફ્રેન્ડ માટે કોઇ કુણી લાગણી તો નથી ને? એવું નથી ને કે પરિવાર રૂઢિચુસ્ત છે એટલે તમે તમારી લાગણીનો જાહેરમાં સ્વીકાર નથી કરી શકતા પણ આમ છતાં મિત્રતાના ઓઠા નીચે તેની સાથે રહેવા માગો છો. જો તમે તમારી લાગણીઓ વિશે સ્પષ્ટ ન હો તો પહેલાં એ વિશે સ્પષ્ટ બનો. જો તમે ખરેખર તેને મિત્ર જ માનતા હો તો તમારા પરિવારને પોતાની લાગણી સ્પષ્ટ રીતે જણાવી દો. જો તમારી વાત સાચી હશે અને અફેરની વાત થોડા સમય બાદ ખોટી સાબિત થશે અને આપોઆપ એના પર પૂર્ણવિરામ લાગી જશે. આ મામલે તમારે બહુ ચિંતા કરવાની જરૂર નથી. પ્રશ્ન : હું 30 વર્ષનો યુવક છું. હું મારા માતા-પિતાનું એકમાત્ર સંતાન છું. બાળપણથી મારા જીવન પર મારા માતાનો બહુ પ્રભાવ રહ્યો છે અને તેમની સલાહ એકદમ યોગ્ય હોવાથી હું કોઇ નિર્ણય લેતા પહેલાં તેમનો અભિપ્રાય ચોક્કસ લઉં છું. મારા લગ્ન બે વર્ષ પહેલાં થયાં છે અને પછી મારી સમસ્યાની શરૂઆત થઇ છે. લગ્ન પછી મારી પત્ની મને ‘માવડિયો’ કહીને ટોણાં મારે છે. મારા કેટલાક મિત્રોને પણ આવું લાગે છે. શું માતાની નજીક હોવું એ ગુનો છે? એક યુવક (વડોદરા) ઉત્તર : ઘણી વખત દીકરો માતાની બહુ નજીક હોય છે. આમાં કંઇ ખોટું નથી પણ ઘણી વખત આના કારણે લગ્નજીવનમાં થોડી સમસ્યા સર્જાય છે. આ કારણે લગ્ન બાદ આ સ્વભાવમાં થોડો સુધારો લાવવો જરૂરી છે કારણ કે પતિની માતા સાથે વધારે પડતી નિકટતા ઘણીવાર પત્ની સાથેના ઝઘડાનું મૂળ બને છે. મોટાભાગના કિસ્સાઓમાં છોકરીઓ સાસુને પોતાનું લગ્નજીવન ખરાબ કરવા બદલ દોષિત માને છે. પરંતુ અહીં સમસ્યા પુરુષોની આદતના કારણે થાય છે અને તે જ તેમના લગ્નજીવનમાં ગેરસમજણો ઊભી કરે છે. જોકે એવું સહેજ પણ નથી કે લગ્ન બાદ છોકરાઓએ પોતાની મમ્મી સાથે એકપણ વાત શેર ના કરવી જોઈએ પરંતુ લગ્ન પહેલાં જ એક સીમા બાંધી લેવી જરૂરી છે. લગ્નજીવનની કઈ વાતો કરવી અને કઈ ના કરવી તે અંગેનો ભેદ છોકરાઓ સમજી જાય તો અડધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. આ પ્રકારે તમે મમ્મી અને જીવનસાથી બંનેને ખુશ રાખી શકો છો. લગ્ન બાદ પણ જે છોકરાઓ પોતાના નિર્ણય મમ્મીને પૂછીને લેતા હોય કે સંપૂર્ણપણે મમ્મી પર નિર્ભર હોય તેમના લગ્નજીવનમાં ખટપટ થવાનું નક્કી છે. ઘણાં યુવકોને એવી ટેવ હોય છે કે મમ્મીનો નિર્ણય તેમના માટે અંતિમ હોય છે અને પત્ની સાથે ચર્ચા કર્યા પછી પણ મમ્મી પાસે નિર્ણયની પુષ્ટિ કરાવવા જાય છે. આવું વર્તન યુવકોમાં સમજદારી અને પરિપક્વતાની કમી દર્શાવે છે. જેનું પરિણામ તેમણે ભવિષ્યમાં ભોગવવું પડે છે. તમારે સંતુલિત વર્તન કરતા શીખવું છે. પ્રશ્ન : હું 27 વર્ષનો યુવક છું અને છેલ્લા ચાર વર્ષથી સિિરયસ રિલેશનશિપમાં છું. હું મારી ગર્લફ્રેન્ડ સાથે આવતા વર્ષે લગ્ન કરવાનું પ્લાનિંગ પણ કરી રહ્યો છું. મારી સમસ્યા એ છે કે હું મારા સંબંધો પ્રત્યે બહુ ગંભીર અને વફાદાર હોવા છતાં મારી ગર્લફ્રેન્ડ તક મળે ત્યારે મારી ગેરહાજરીમાં મારો ફોન ચેક કરતી રહે છે. મેં તેને બે-ચાર વખત પકડી પણ છે પણ તે લાજવાને બદલે ગાજે છે અને કહે છે કે એમાં ખોટું શું છે? મને તેની આ ટેવ બિલકુલ નથી ગમતી. મારે શું કરવું જોઇએ? એક યુવક (રાજકોટ) ઉત્તર : તમને ભલે વિચિત્ર લાગતું હોય પણ આખી દુનિયામાં ઘણાં લોકોને આ સમસ્યા સતાવે છે. એક સર્વે મુજબ 34 ટકા મહિલાઓ અને 62 ટકા પુરુષો પોતાના સાથીના ફોનમાં જોવાનું પસંદ કરે છે. સામાન્ય રીતે પાર્ટનર બીજા પાર્ટનરની ગેરહાજરીમાં ફોન ચેક કરે છે ત્યારે એવું માની લેવાય છે કે પાર્ટનર પર વિશ્વાસ ન હોવાને કારણે તે ફોન અને મેસેજ ચેક કરે છે પરંતુ સ્થિતિ આનાથી બિલકુલ ઊંધી છે. જ્યારે વ્યક્તિ પોતાના પાર્ટનરના મેસેજ ચેક કરે છે કે ઈ-મેઈલ જુએ છે તો ક્યાંક ને ક્યાંક તેમને પોતાની જાત પર વિશ્વાસ નથી હોતો. તેમને એવું લાગે છે કે તે પાર્ટનરને ખુશ નથી રાખી શકતા .એક સ્વસ્થ સંબંધમાં બંને વ્યક્તિ પોતાના પાર્ટનરની પ્રાઈવસીને માન આપે છે. જો તમારો પાર્ટનર તમારો ફોન ચેક કરે, વ્હોટ્સએપ કે ટેક્સ્ટ વાંચે તો ક્યાંકને ક્યાંક તેને ખાતરી નથી કે તમારો સંબંધ યોગ્ય દિશામાં આગળ વધી રહ્યો છે. જો તમારો પાર્ટનર તમારી સાથે વાત કરતા વધારે તમારો ફોન ચેક કરવામાં રસ ધરાવતો હોય તો શક્ય છે કે તે અત્યારે ગંભીર રિલેશનશીપ માટે થોડા અપરિપક્વ છે. ઘણીવાર પાર્ટનરને તમારું અટેન્શન જોઈતું હોય તો પણ આવું કરે છે. આ સંજોગોમાં તમે તેની સાથે સ્પષ્ટતાથી વાત કરી શકો છો. પ્રશ્ન : હું 24 વર્ષનો યુવાન છું અને હાલમાં જ મારી કરિયરની શરૂઆત થઇ છે. મારા પરિવારમાં હવે મારા લગ્નની ચર્ચા શરૂ થઇ ગઇ છે. મારી સમસ્યા એ છે કે મને કુંવારી યુવતીઓ કરતા મારી આસપાસની પરિણીત મહિલાઓ સાથે ઘનિષ્ટ સંબંધો કેળવવામાં વધારે રસ પડે છે. શું મને કોઇ માનસિક સમસ્યા હશે? એક યુવક (જામનગર) ઉત્તર : તમારે ગભરાવાની કોઇ જરૂર નથી. ઘણા યુવાનો સાથે આવું બનતું હોય છે. જ્યાં સુધી તમને વાસ્તવિકતાનો અહેસાસ છે ત્યાં સુધી કોઇ મોટી સમસ્યા નથી, પણ તમારી આ લાગણી એકતરફી પ્રેમમાં બદલાઇ ન જાય એ વાતની ખાસ કાળજી રાખજો નહીંતર આખો મામલો ગુંચવાઇ જશે. હાલમાં થયેલા એક સંશોધનમાં પુરવાર થયું છે કે યુવકોને કુંવારી છોકરીઓ કરતા પરિણીત મહિલાઓમાં યુવકોને વધુ રસ હોય છે. લગ્ન કરેલી સ્ત્રીઓ વધારે આત્મવિશ્વાસ ધરાવે છે જેના કારણે છોકરાઓે તેમની તરફ આકર્ષિત થાય છે. મહિલાઓમાં આવેલો આ બદલાવ પુરૂષોને પોતાની તરફ આકર્ષિત કરે છે. તમે તમારા મનને સારી રીતે સમજવાનો પ્રયાસ કરો અને જ્યાં સુધી આ લાગણીમાંથી બહાર ન આવી જાઓ ત્યાં સુધી લગ્ન કરવાની ઉતાવળ ન કરશો.

અન્ય સમાચારો પણ છે...