તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મીઠી મૂંઝવણ:મારો ફિયાન્સે બીજીના પ્રેમમાં, લગ્ન કરું કે નહીંં?

મોહિની મહેતા7 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : હું 35 વર્ષનો યુવક છું. મેં મારા પેરેન્ટ્સની ઈચ્છા વિરુદ્ધ જ મારાથી ચાર વર્ષ મોટી ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યાં છે. તેમને મારા લગ્ન સામે એક જ વાંધો છે કે અમારા વચ્ચે મોટો એજ ગેપ છે અને સંતાન નથી. મારા માતા-પિતા અમે નિ:સંતાન હોવાથી પત્નીને મેણાં મારે છે. હું મારા માતા-પિતા કે પત્ની બંનેમાંથી કોઈને સમજાવી નથી શકતો. મહેરબાની કરી મને કહો કે હું શું કરું? એક યુવક (સુરત) ઉત્તર : તમારી સ્થિતિ સમજી શકાય એમ છે. તમે પ્રેમને મહત્ત્વ આપીને ચાર વર્ષ મોટી યુવતી સાથે લગ્ન કરવાની હિંમત કરી છે તો હવે આ પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત પણ દર્શાવવી પડશે. પત્ની અને પેરેન્ટ્સ વચ્ચે તાલમેલ સધાય અને સારો સંબંધ જળવાઇ રહે એ માટે તમારે સાચો અભિગમ અપનાવવો પડશે. જો તમારો બંનેનો એકબીજા સાથે યોગ્ય શારીરિક અને માનસિક તાલમેલ હોય તો એજ ગેપ કોઇ મોટી સમસ્યા નથી. સંતાન ન હોવાની સ્થિતિને એજ ગેપ સાથે કોઇ સંબંધ નથી. કોઈ સારા ગાયનેકોલોજિસ્ટને કન્સલ્ટ કરીને સંતાન ન થવાનાં કારણોની તપાસ કરાવવી જરૂરી છે. આ સ્થિતિમાં તમારે પત્નીને સપોર્ટ આપવાની જરૂર છે. તમે તમારા માતા-પિતાને સમજાવો કે આ રીતે કોઈને પણ સ્ટ્રેસ આપવાથી અનેક મુશ્કેલીઓ સર્જાઇ શકે છે અને તબિયતને પણ અસર પહોંચી શકે છે. તમારે પેરેન્ટ્સને સમજાવવું પડશે કે સફળ લગ્નજીવન માટે ઉંમરનું કોઈ જ મહત્ત્વ નથી. આ સમય તમારી ધીરજની પરીક્ષાનો છે. જે તમે શાંતિપૂર્ણ પસાર કરી લો. આ સમસ્યાના ઉકેલ માટે તમે પ્રોફેશનલ કાઉન્સેલિંગની પણ મદદ લઈ શકો છો. પ્રશ્ન : મેં એક યુવતી સાથે સંબંધ માણ્યો હતો. એનાં લગ્ન થોડા સમય પહેલાં જ થઇ ગયાં. મેં એને સાથ માણવા માટે કહ્યું, પણ એ કહે છે કે લગ્ન પછી એ પતિનો વિશ્વાસ તોડવા નથી ઇચ્છતી. એણે મારી સાથે લગ્ન પહેલાં શા માટે સંબંધ બાંધ્યો? એક યુવક (મહેસાણા) ઉત્તર : તમે જે યુવતી સાથે પહેલાં સાથ માણ્યો ત્યારે એ યુવતી સ્વેચ્છાએ તમારી સાથે સંબંધ માણવા તૈયાર થઇ હોય. એ સમયની તેની ભાવનાત્મક સ્થિતિ અને લગ્ન પછી એની ભાવનાત્મક સ્થિતિ અલગ અલગ હોય છે સ્વાભાવિક છે. લગ્ન પછી તમારી પ્રેમિકા પરિણીતા પોતાના પતિને અને પોતાનાં લગ્નજીવનને વફાદાર રહેવા ઇચ્છતી હોય તો એ એ અભિગમ બિલકુલ યોગ્ય છે. લગ્ન થયા પછી તમારી પ્રેમિકા જો તમારી સાથેના સંબંધો જાળવી રાખે તો એ અનૈતિક તો છે પણ એના કારણે તમારા અને અને તેના બંનેનાં જીવનમાં અનેક સમસ્યાઓ ઊભી થઇ શકે છે. જોકે લગ્ન પહેલાં પણ સંબંધ માણવાની વાત અયોગ્ય તો છે જ, કેમ કે આપણા સમાજમાં લગ્ન પહેલાં સાથ માણવાને યોગ્ય માનતા નથી. જ્યારે હવે તો એ કોઇની પરિણીતા છે. તેમ જ કોઇ પણ યુવતી પોતાનું દાંપત્યજીવન વણસે એવું ન ઇચ્છે. તમે એને સાથ માણવા માટે કહો તે ઉચિત નથી. પ્રશ્ન : હું 19 વર્ષની યુવતી છું. મને એવું લાગે છે કે મારા માતા-પિતા મારા કરતા મારી મોટી બહેનને વધારે પ્રેમ કરે છે. ઘરમાં બધું જ અટેન્શન મારી મોટી બહેનને જ અપાય છે. મને લાગે છે કે તે ભણવામાં પણ સારી છે એટલે તેને વધુ માનપાન મળે છે. હું નાની હતી ત્યારે મારી મોટી બહેનનાં ઊતરેલાં કપડાં જ પહેરવાનાં આવ્યાં છે. મારા માતા-પિતાના આવા વર્તનને કારણે મને ક્યારેક તો ઘર છોડીને જતા રહેવાનું મન થાય છે. હું શું કરું? એક યુવતી (વડોદરા) ઉત્તર : આપણા હાથના પંજામાં પાંચેય આંગળીઓ સરખી નથી હોતી એમ એક પરિવારમાં ઊછરતાં બધાં જ સંતાન સરખાં નથી હોતાં. એટલું જ નહીંં, દરેક આંગળીનું આગવું મહત્ત્વ હોય છે છતાં દરેક આંગળી પાસેથી એકસરખું કામ લઈ શકાતું નથી. દરેક પેરન્ટ્સનો તેમનાં સંતાનો સાથેનો સંબંધ પણ અલગ અલગ હોય છે. પેરન્ટ્સ મોટા ભાગે દરેક સંતાનને તેમની જરૂરિયાત મુજબ ટ્રીટ કરતા હોય છે જેને તમે પક્ષપાતનું નામ આપી દીધું છે. નબળું બાળક હોય તો તેને વધુ અટેન્શન આપવું પડે. તમારી સાથે ન્યાય થાય છે કે અન્યાય એ તમે પરિસ્થિતિને કયા દૃષ્ટિકોણથી જુઓ છો એના પર પણ આધારિત છે. જ્યારે જે અટેન્શન પોતાને મળે એવી ઇચ્છા હોય ત્યારે એ બીજાને મળે તો ખૂંચે પણ ખરું. તમે જે ઉંમરે છો ત્યાં આવી લાગણી થવી સ્વાભાવિક છે. આ સમયે ગમેએટલાં પ્રેમ, હૂંફ અને સહાનુભૂતિ મળે એ ઓછાં જ લાગતાં હોય છે. ધારો કે તેઓ પક્ષપાત કરતા હોય તો પણ એને નજરઅંદાજ કરો. ફરિયાદ કરવાથી તમને પ્રેમ નથી મળવાનો. માગીને કે લડીને પણ પ્રેમ નથી મળતો, પણ જો તમે તમારા પેરન્ટ્સને પ્રેમ અને કાળજી સામેથી આપશો તો બંને તમને રિટર્નમાં જરૂર મળશે. તમને માતા-પિતાના વર્તન સામે ફરિયાદ છે. કદાચ એ ફરિયાદમાં થોડુંઘણું સત્ય પણ હશે. આ વાતની ફરિયાદ કરવાને બદલે એમનાં આ વર્તન પાછળનું કારણ સમજવાનો પ્રયાસ કરો. શક્ય છે કે સમગ્ર મામલાને નવીન દૃષ્ટિકોણથી જોવાનો પ્રયાસ કરવાથી તમારી સમસ્યાનો કાયમી ઉકેલ આવી જાય અને માતા-પિતા સાથેના સંબંધો વધારે પ્રગાઢ બની જાય.

પ્રશ્ન : હું 25 વર્ષની યુવતી છું. મારી હાલમાં જ સગાઇ કરવામાં આવી છે પણ સગાઇ પછી મને ખબર પડી છે કે મારા ફિયાન્સેએ માતા-પિતાનાં દબાણવશ આ સગાઇ કરી છે અને હકીકતમાં તે બીજી યુવતીને ચાહે છે. મારા ફિયાન્સેએ આ વાત પ્રામાણિકતાથી મને જણાવી દીધી છે. તે તેના માતા-પિતા તે દુઃખ પહોંચાડવા માગતો નથી અને તેની પ્રેમિકાને પણ ભૂલી શકે એમ નથી. આ સંજોગોમાં તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય કેટલો યોગ્ય?મારે શું કરવું? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : આ પરિસ્થિતિ બહુ જટિલ છે. જો તમે લાંબા ગાળાનો વિચાર કરતા હો તો લગ્ન માટે તમે જ ના પાડી દો એ જ યોગ્ય છે. આમ પણ લગ્ન થશે તો એક સાથે ત્રણ જિંદગી બરબાદ થવાની શક્યતા છે. આ છોકરો તેની પ્રેમિકાને ભૂલી જાય એ શક્ય નથી. તમે તમારા મમ્મી-પપ્પાને આ હકીકતની જાણ કરો અને કોઈ પણ કારણ જણાવી આ સગાઇ તોડી નાખવા માટે કહો. તેમને સમજાવો કે તેઓ આ પગલું નહીંં લે તો ભવિષ્યમાં તમારી જિંદગીમાં મોટી સમસ્યા ઊભી થઇ શકે છે. પોતાની દીકરીને પ્રેમ કરતા કોઇ પણ માતા-પિતા તેમના સંતાનની જિંદગી દાવ પર લગાડવા તૈયાર થશે નહીંં એ વાત સ્પષ્ટ છે. તમારા માતા-પિતા ચોક્કસપણે તમારી વાત સમજી જશે.

અન્ય સમાચારો પણ છે...