ફેશન:મુખડાની માયા લાગી રે...

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગરબે ઘૂમતી વખતે પરસેવો પણ ખૂબ થતો હોય છે, તેથી મેકઅપ રાત્રીને અનુરૂપ બ્રાઈટ અને વોટરપ્રૂફ હોય તો વધુ અનુકૂળ રહે છે

નવરાત્રિ વખતે દરેક યુવતીઓ ઇચ્છતી હોય કે તેનું રૂપ એવું નિખરે કે તેના ચહેરા પરથી કોઇની નજર ન હટે. નવરાત્રિ વખતે સુંદરતા સોળ કળાએ ખીલે એ માટે યોગ્ય રીતે મેકઅપ કરવો જોઇએ. આ મેકઅપ કરતી વખતે દિવસના સમયગાળાનું અને ત્વચાના શેડનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જો આટલું ધ્યાન રાખવામાં આવે સારી રીતે કરેલો મેકઅપ સુંદરતામાં ચોક્કસ વધારો કરે છે. ગરબે ઘૂમતી વખતે પરસેવો પણ ખૂબ થતો હોય છે, તેથી મેકઅપ રાત્રીને અનુરૂપ બ્રાઈટ કલરનો અને વોટર પ્રૂફ હોય તો વધુ અનુકૂળ રહે છે. રાત્રિ દરમિયાન ડલ મેકઅપ નિસ્તેજ લાગે છે અને બ્રાઈટ મેકઅપથી ચહેરો ખીલી ઊઠે છે. }આગોતરી તૈયારી મેકઅપના બેઝિક સ્ટેપ્સમાં ફેસિયલ, વેક્સિંગ અને બ્લીચિંગ બે-ત્રણ દિવસ પહેલાં જ કરાવી લેવા જોઈએ. મેકઅપને વધુ ગ્લો આપવા માટે, તેની સારી ઈમ્પેક્ટ ઊભી કરવા માટે બ્લીચિંગ કરતાં ફેસ વેક્સ કરાવી લેવું સારું છે. તેનાથી ચહેરો ક્લીન દેખાય છે અને મેકઅપ સાથે સારી રીતે મેચિંગ થઇ શકે છે. જો કે આ કામ કોઈ સારા નિષ્ણાત પાસેથી જ કરાવવું જોઈએ, નહીંતર ચહેરા પર ધાબાં પડી શકે છે. આ સિવાય ગરબામાં રમવાનો અને મેકઅપ વચ્ચેનો ગાળો બરાબર સેટ કરી લો. આમ, કરવાથી મેકઅપ બહુ ઝડપથી ખરાબ નહીં થાય. }મેકઅપ લાંબો સમય ટકાવી રાખવાની ટિપ્સ શક્ય હોય તો નવરાત્રિના અઠવાડિયા પહેલાં બ્લીચિંગ અને ફેસિયલ જાતે જ કરી લો અથવા પાર્લરમાં જઇને પણ કરાવી લો. મેકઅપ કરતી વખતે સૌથી પ્રથમ ક્લિન્સરથી ચહેરો સાફ કરીને પછી જો તમારી ત્વચા ઓઇલી હોય તો એસ્ટ્રિન્જન્ટ લગાવો. જો ડ્રાય સ્કિન હોય તો મોઇશ્વરાઇઝર લગાવો. આ પછી સ્કિનટોન સાથે મેચ થાય એવા ટોનનું ફાઉન્ડેશન લગાવીને આંગળીનાં ટેરવાંથી આખા ચહેરા પર એકસરખું ફેલાવી દો. ચહેરા પર ખીલના ડાઘ, ચકામાં કે આંખો નીચે ડાર્ક સર્કલ્સ હોય તો લાઇટ કન્સીલર લગાવો. આનાથી તે ઢંકાઇ જશે. હવે વોટર સ્પ્રે કરો અને તે સૂકાઇ જાય એટલે પાઉડર લગાવો. આમ કરવાથી મેકઅપ લાંબો સમય સારો રહે છે. }આંખનો મેકઅપ નવરાત્રિમાં મોટાભાગે રાત્રે જ મેકઅપ કરવાનો હોવાથી થોડો ડાર્ક મેકઅપ કરવાનો હોય છે. રાત્રે મોટાભાગે આઈ મેકઅપનું મહત્ત્વ જ વધારે હોય છે. સામાન્ય રીતે મરુન અને રેડ રંગના આઈ શેડો તથા લિપસ્ટિક દરેક પ્રકારની ત્વચા માટે યોગ્ય છે. જોકે ગોરી ત્વચા ધરાવતી યુવતીઓ પર્પલ, પિન્ક અને લેવેન્ડર કલરના આઈ શેડો કે આઈ લાઈનર લગાવે તો વધુ આકર્ષક દેખાય. શ્યામ રંગની યુવતીઓ પર બ્રાઉન અને મરુન શેડનો આઈ શેડો સારો લાગે છે. આંખને સુંદર લુક આપવા માટે આઈ લાઈનરથી આંખોને આઉટલાઈન આપો. સ્મગ ઈફેક્ટ માટે ઉપરના પોપચા પર આઈલેશીસની પાસે ડાર્ક આઈ શેડ લગાવો અને તેને સહેજ ઉપરની તરફ આંખના ખૂણાં સુધી લંબાવો બ્લેક આઈલાઈનર સાથે તમે કલર્ડ આઈ લાઈનર પણ વાપરી શકો છો. તમે પેસ્ટલ આઈ લાઈનરમાં બ્લ્યૂ, યલો અને ઓરેન્જ પણ વાપરી શકો છો. નવરાત્રિમાં તમે આંખોના ઉપરના પોપચાં પર ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ શેડ અજમાવી શકો છો. આઈબ્રોની નીચે ગોલ્ડ કે બ્રોન્ઝ શેડ અજમાવી શકો છો. }બ્લશરના યોગ્ય શેડની પસંદગી બેઝિક મેકઅપ કર્યા પછી ગાલ પર સહેજ બ્લશર લગાવો. તેને ગાલ પર આઉટ વર્ડ અને અપવર્ડ ફેરવો. પાઉડર બ્લશર લગાવવામાં સરળ છે ત્યાર બાદ ગાલ પર કલર્ડ હાઈલાઈટને બરાબર એકરૂપ કરીને લગાવો. બ્લશરનો રંગ લિપસ્ટિકના રંગને અનુરૂપ રહે તેનું ધ્યાન રાખવું. ફેર સ્કિન ધરાવતી યુવતીને પિન્ક કે રેડ બ્લશર સારા લાગે છે. ઘઉંવર્ણી ત્વચા ધરાવતી સુંદરીને રોઝ, કોરલ કે ક્રોપર કલર ખૂબ સરસ લાગે છે. ડાર્ક કોમ્પ્લેક્સ માટે પ્લમ, વાઈન, બ્રોન્ઝ યોગ્ય પસંદગી છે. }લિપસ્ટિકની સુંદરતા સારી રીતે લિપસ્ટિક લગાવવાથી હોઠની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. લિપસ્ટિક લગાવો એ પહેલાં તમારી લિપસ્ટિક સાથે મેચિંગ કલરનાં લીપ લાઈનરને હોઠના આકાર પ્રમાણે લગાવો. ઓરેન્જ કલરની લિપસ્ટિક લગભગ તમામ ત્વચા પર સારી લાગે છે. ગૌરવર્ણી ત્વચા પર ઓરેન્જ અને પીચ શેડ આકર્ષક લાગે છે. ડાર્ક સ્કિન પર ઓરેન્જથી કોરલ કલરની લિપસ્ટિક સારી દેખાય છે. ભારતીય નારીની ત્વચાના રંગને કોરલ, વાઈન, સ્ટ્રોબેરી, પ્લમ અને રેડ લિપસ્ટિક સારી લાગે છે. લિપસ્ટિક લગાવ્યા પછી હોઠને ચમક આપવા લીપ ગ્લોસ હોઠની મધ્યમાં લગાવો. લિપસ્ટિક બને ત્યાં સુધી મેટ ફિનિશ ધરાવતી હોય એવી જ લગાવવી. તે માટે પહેલાં હોઠની આઉટલાઇન બનાવો. તેની અંદર તમારા પોશાક સાથે મેળ ખાતાં શેડની લિપસ્ટિક લગાવો. આ પછી કપાળ પર મેચિંગ બિંદી લગાવો. તમે ઇચ્છો તો સિંગલ બિંદી અથવા ચણિયા-ચોળીના કલર સાથે મેચિંગ કરીને બે-ત્રણ કલરની બિંદી પણ એકસાથે અલગ અલગ ડિઝાઇનમાં લગાવી શકો છો.

અન્ય સમાચારો પણ છે...