સજાવટ:ઘરના સુપર સ્માર્ટ સંચાલનમાં મદદરૂપ આધુનિક ઉપકરણો

દિવ્યા દેસાઇ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

અત્યાર સુધી તો આપણા ઘરમાં સિમ્પલ વસ્તુઓથી જ સજાવટ કરતાં આવ્યાં છીએ, પણ હવે આધુનિક ટેક્નિકની મદદથી ઘરને સ્માર્ટ લુક આપ્યો હોય તો કેવું રહે? લગભગ તમામ કામ સરળ થવાની સાથે સુવિધા પણ મળી રહે. સ્માર્ટ હોમ એટલે કે હોમ ઓટોમેશન એવી ટેક્નિક છે, જેનાથી તમે એક રૂમમાં હો, તો પણ બીજા રૂમનો ખ્યાલ રાખી શકો છો. એ તો ઠીક, તમે બહાર ગયાં હો, તો પણ ઘરની અંદર અને બહાર શું બની રહ્યું છે તે પણ જાણી શકો છો. આજે જાણીએ આવી કેટલીક સ્માર્ટ હોમ ટેક્નિક અંગે.

સિસ્ટમ : તમારા ઘરમાં ટીવી, એલઇડી બલ્બ, પંખા, વોશિંગ મશીન વગેરે મોબાઇલ સાથે કનેક્ટ થઇ શકે છે. અન્ય સભ્યો માટે ઘરની વચ્ચે એક કંટ્રોલ સિસ્ટમ પણ હોય છે. એ સ્માર્ટ સ્પિકર સાથે જોડાયેલી હોય છે જેથી સિસ્ટમની સાથોસાથ તમારા અવાજથી પણ પંખો, ટીવી વગેરે ચાલુ કરી શકો છો. તમારા મોબાઇલના બ્લુટૂથ અથવા સારી સ્પીડ ધરાવતા વાઇફાઇ રાઉટર આના માટે જરૂરી છે. આવી સિસ્ટમ બહુ ફાયદાકારક છે પણ એની યોગ્ય રીતે જાળવણી પણ જરૂરી છે. આ સિસ્ટમને નિયમિત રીતે સમયાંતરે અપડેટ કરાવવાથી એનો મહત્તમ ફાયદો લઇ શકાય છે.

સ્માર્ટ બલ્બ : આવા બલ્બથી તમે ઘરમાં તમારી ઇચ્છા અનુસારનો કલર બદલી શકો છો. એ ઉપરાંત, તમારી જરૂરિયાત મુજબ પ્રકાશને વધારે કે ઓછો પણ કરી શકો છો. એવી જ રીતે ડિજિટલ પ્લગ અને બટન પણ મોબાઇલનાં બ્લુટૂથથી ચાલુ કે બંધ કરી શકાય છે. કેટલીક સ્માર્ટ સ્વિચમાં મોશન સેન્સર હોય છે. તમે રૂમમાં જાવ તો આપોઆપ સેન્સરને કારણે લાઇટ ચાલુ થઇ જાય છે અને બહાર નીકળતાં જ તે બંધ થઇ જાય છે. આને પણ તમે ઇચ્છો તો મોબાઇલના બ્લુટૂથથી કનેક્ટ કરી શકો છો. જેમને લાઇટ સતત ઓન રાખવાની કુટેવ હોય અને ઘરની બહાર જતી વખતે લાઇટ્સ બંધ કરવાનું ભુલી જતા હોય તેમના માટે આ ટેક્નોલોજી બહુ જ ફાયદાકારક સાબિત થાય છે. વ્યક્તિ જ્યારે ઘર કે રૂમની બહાર જાય છે ત્યારે આ સ્માર્ટ બલ્બ આપોઆપ બંધ થઇ જાય છે. આ કારણે વીજળીની બચત તો થાય જ છે પણ સાથે સાથે લાઇટ બંધ કરવાનો જે માનસિક સ્ટ્રેસ રહેતો હોય એ પણ ઓછો થાય છે.

સ્માર્ટ ફેન વિથ એલઇડી :

આજકાલ પંખા પણ પહેલાં કરતાં આકર્ષક, નાનાં અને બિલકુલ અવાજ ન થાય એ રીતના મળે છે. આને રિમોટ દ્વારા ઊંચા કે નીચા પણ કરી શકાય છે. આમાં એલઇડી લગાવેલ હોય છે, જેના પ્રકાશને પણ વધારે કે ઓછો કરી શકાય છે. આ ઉપરાંત, બારી-બારણાં પર લગાવેલા પડદા કે બ્લાઇન્ડ્સમાં કન્ટ્રોલર લગાવી તેને પણ રિમોટ દ્વારા ખોલ-બંધ કરી શકો છો. હાલમાં માર્કેટમાં ઈન્ટરનેટ ઓફ થિંગ્સ(IoT) ટેક્નોલોજીવાળા સીલિંગ ફેન પણ ઉપલબ્ધ છે. આ સ્માર્ટ પંખા ઈન્ટરનેટ સાથે જોડાયેલા હોય છે અને વાતાવરણના તાપમાનના આધારે તેની સ્પીડમાં ઓટોમેટિક વધારો કે ઘટાડો થઇ જશે. ક્લાઉડ કમ્પ્યુટિંગના માધ્યમથી પંખાને ગમે ત્યાંથી કંટ્રોલ કરી શકાશે. આ પંખાના પાર્ટ્સને અલગ કરી શકાય છે અને તેની સફાઇ પણ સરળતાથી કરી શકાય છે.

વિડિયો ડોરબેલ : આ ડોરબેલમાં કેમેરાની સાથોસાથ વાત કરવા માટે સ્પિકર પણ હોય છે. તમે બારણાંની બહાર ઊભેલી વ્યક્તિને જોઇ અને તેની સાથે વાત પણ કરી શકો છો. બહાર ઊભેલી વ્યક્તિ માત્ર તમારો અવાજ સાંભળી શકે છે. આ ડોરબેલ ઘરના ચોક્કસ ભાગ પર નજર રાખે છે. જો એ ભાગમાં કોઇ હલચલ થતી હોય તો ડોરબેલ મોબાઇલ પર તમને મેસેજ આપે છે. આ ડોરબેલના અન્ય પણ લાભ છે. જો તમે ઘરે ન હો, તો પણ મોબાઇલ દ્વારા ઘર પર નજર રાખી શકો છો. તે સાથે બહાર આવેલા વ્યક્તિ સાથે વાત પણ કરી શકો છો. આમ, વિડિયો ડોરબેલ ઘરની સુરક્ષાને મજબૂત બનાવે છે.

અન્ય સમાચારો પણ છે...