નિયમિત યોગ કરવાથી દુખાવામાં રાહત, સ્ટ્રેન્થ અને ફ્લેક્સિબિલિટીમાં વધારો, સ્ટ્રેસમાં રાહત, બ્રિધિંગ ક્ષમતામાં વધારો, વેઇટ મેનેજમેન્ટ, કાર્ડિયોવસ્ક્યુલર કન્ડિશનિંગ, લોહીનું વધારે સારું સરક્યુલેશન અને મૂડમાં હકારાત્મક પરિવર્તન જેવા અનેક ફાયદા થાય છે. દરેક પ્રકારના યોગ કરવાથી સ્ટ્રેન્થ, ફ્લેક્સિબિલિટી અને બ્રિધિંગ ક્ષમતામાં વધારો થવાથી એની માનસિક અને શારીરિક રીતે હકારાત્મક અસર થાય છે પણ દરેક પ્રકારના યોગની પ્રેક્ટિસ એકસમાન રીતે નથી કરવામાં આવતી. યોગમાં પણ હળવા યોગથી માંડીને ભારે વર્કઆઉટ જેવો અહેસાસ કરાવતા યોગ જેવા અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. જો તમને નિયમિત યોગ કરતા એની સાથે સંકળાયેલી ભ્રામક માન્યતાઓ અટકાવી રહી હોય તો એની હકીકત જાણવી બહુ જરૂરી છે. 1. હું ફ્લેક્સિબલ નથી સોશિયલ મીડિયામાં યોગ કરતી વ્યક્તિઓની એવી અનેક તસવીરો જવા મળે છે જેમાં તેઓ પોતાના શરીરને રબરની જેમ વાળીને અનેક યોગાસન કરતા હદોય છે. આ તસવીરો જોઇને એવી ખોટી માન્યતા બંધાય છે કે જે વ્યક્તિનું શરીર ફ્લેકિસબલ હોય એ જ યોગ કરી શકે છે. હકીકતમાં તમે ફ્લેક્સિબલ છો એટલે યોગ નથી કરતા પણ શરીરની ફ્લેક્સિબિલિટી વધે એ માટે યોગ કરો છો. દરેક વ્યક્તિએ કોઇને કોઇ તબક્કે શરૂઆત તો કરવી જ પડે છે અને તમે તમારી ફ્લેક્સિબિલિટી પ્રમાણે યોગના આસનની પસંદગી કરી શકો છો. તમે સોશિયલ મીડિયામાં છવાયેલા યોગગુરુની જેમ તમારી જાતને સ્ટ્રેચ ન કરી શકો તો ચિંતા કરવાની જરૂર નથી, સમયની સાથે સાથે ફ્લેક્સિબિલિટીમાં ચોક્કસ વધારો થશે. રોજ નિયમિત યોગની પ્રેક્ટિસ કરવાથી ત્રણથી ચાર અઠવાડિયામાં ફ્લેક્સિબિલિટીમાં થયેલો સુધારો અનુભવી શકાશે. આ રીતે નિયમિત યોગ કરવાથી ફ્લેક્સિબિલિટીમાં વધારવામાં મદદ મળશે. 2. મને પીઠનો દુખાવો છે કોઇ પણ મેડિકલ સમસ્યા માટે યોગના આસનોમાં થોડો ફેરફાર કરવાનું શક્ય છે. દર વખતે તબીબી સમસ્યા યોગની પ્રેક્ટિસ અટકાવી નથી શકતી પણ જો તમને તમારી તબીબી પરિસ્થિતિ વિશે કોઇ શંકા હોય તો એ સંજોગોમાં યોગની પ્રેક્ટિસ કરી શકાય કે નહીં એ માટે તબીબી સલાહ લઇ લેવી જોઇએ. ડોક્ટરની સલાહ લીધા પછી તમારે યોગ ક્લાસમાં પ્રેક્ટિસ શરૂ કરતાં પહેલાં તમારા યોગ ઇન્સ્ટ્રક્ટરને તમારી સમસ્યાની જાણ કરી દેવી જોઇએ જેથી જો કોઇ ચોક્કસ મૂવમેન્ટ ન કરવાની હોય તો એ વિશે તે સારી રીતે સૂચના આપી શકે અને તમારા યોગના આસનમાં જરૂરી મોડિફિકેશન કરી શકે. 3. યોગ એટલે સ્ટ્રેચિંગ એક્ટિવિટી યોગ પ્રેક્ટિસ કરતી વખતે સારી એવી સ્ટ્રેચિંગ એક્ટિવિટી કરવી પડે છે પણ યોગ એટલે માત્ર સ્ટ્રેચિંગ એક્ટિવિટી નથી. યોગ પ્રેક્ટિસ કરવાથી શરીરની સ્ટ્રેન્થમાં પણ વધારો થાય છે. યોગ દરમિયાન કરવામાં આવતી અનેક મૂવમેન્ટથી મસલ્સની મજબૂતાઇ પણ વધે છે. આમ, યોગ પ્રેક્ટિસ સમગ્ર શરીર માટે હકારાત્મક વાતાવરણનું સર્જન કરે છે જેનો સ્વાસ્થ્યને ફાયદો થાય જ છે. 4. મારે પાસે યોગ કરવા માટે વધારાનો સમય નથી તમારી પાસે હંમેશાં સમય હોય છે પણ તમે એનો ઉપયોગ કઇ પ્રવૃત્તિ માટે કરો છો એના પર તમારા જીવનની ગુણવત્તાનો આધાર હોય છે. યોગ કરવા માટે કોઇ નિશ્ચિત સમયની જરૂર નથી હોતી. યોગ પ્રેક્ટિસના લાંબા સેશનથી તમે જે હેતુ માટે યોગ કરી રહ્યા હોય એમાં ઝડપી અને સારું પરિણામ મળી શકે છે પણ નાનાં-નાનાં સેશન્સ પણ મૂડ સુધારે છે, સ્ટ્રેસમાં ઘટાડો કરે છે તેમજ ફિઝિકલ ફિટનેસ વધારે છે. તમે ડેસ્ક પર બેઠાં બેઠાં યોગની નાની મૂવમેન્ટ કરીને દુખાવા અને સ્ટ્રેસમાં રાહત મેળવીને કાર્યક્ષમતામાં વધારો કરી શકો છો. આમ, જો તમારી પાસે રોજ લાંબો સમય યોગ કરવાનો સમય ન હોય તો દિવસમાં દસ-દસ મિનિટના ચારથી પાંચ સેશન્સમાં યોગ કરીને એનો ફાયદો ઉઠાવી શકો છો. જો તમે ઇચ્છો તો સવારે અથવા તો રાત્રે પાંચ મિનિટ સૂર્યનમસ્કાર કરીને એનો ફાયદો મેળવી શકો છો. આ એક સારી પ્રેક્ટિસ છે. 5. યોગ બીજી ફિટનેસ ટ્રેનિંગમાં અવરોધ સર્જે છે શરીરની સ્ટ્રેન્થ અને ક્ષમતામાં વધારો કરતી યોગ ટ્રેનિંગની ખાસિયતને કારણે તે બીજી ફિઝિકલ ટ્રેનિંગમાં મદદરૂપ થાય છે, એમાં અવરોધ નથી સર્જતી. જો તમારા સ્નાયુઓ વધારે પડતા કડક કે નબળા હશે અથવા તો એમાં ફ્લેક્સિબિલિટી નહીં હોય તો તમે મસલ્સના પાવરનો સંપૂર્ણ રીતે ઉપયોગ નહીં કરી શકો. આમ, જો બીજી ફિટનેસ ટ્રેનિંગનો મહત્તમ ફાયદો ઉઠાવવો હોય તો એની સાથે યોગનું કોમ્બિનેશન કરવાથી સારામાં સારું પરિણામ મળી શકે છે. નિયમિત યોગ પ્રેક્ટિસ કરવાથી સ્નાયુઓ મજબૂત બનશે અને તમે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કે પછી એરોબિક એક્સરસાઇઝ વધારે સારી રીતે કરી શકશો. નિયમિત યોગ કરવાથી મસલ્સને થોડી રાહત મળે છે. યોગ કરવાથી રિકવરી ઝડપી બને છે. યોગ્ય ફિઝિકલ ફિટનેસને જાળવવા માટે તમામ પ્રકારની એક્ટિવિટીનું સંતુલન જળવાઇ રહે એ બહુ જરૂરી છે. જો તમારું લક્ષ્ય સ્ટ્રેન્થ ટ્રેનિંગ હોય તો યોગ પ્રેક્ટિસ વખતે ફ્લેક્સિબિલિટી પર ધ્યાન કેન્દ્રિત કરો. જો તમારા એક્સરસાઇઝ રૂટિનમાં કાર્ડિયો એક્સરસાઇઝને સૌથી વધારે મળતું હોય તો એની સાથે યોગ પ્રેક્ટિસ કરીને સ્ટ્રેન્થ વધારવાનો પ્રયાસ કરો. જો તમે રેસ કે ઇવેન્ટમાં ભાગ લેવા માટે ઇન્ટેન્સ ટ્રેનિંગ લઇ રહ્યા હો તો ઊર્જામાં વધારો કરે એવા યોગાસનોની પ્રેક્ટિસ કરવી જોઇએ. એનાથી ચોક્કસ ફાયદો થશે. hello@coachsapna.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.