મૂડ એન્ડ માઇન્ડ:માઈન્ડ બ્લોઇંગ

એક મહિનો પહેલાલેખક: ડો. સ્પંદન ઠાકર
  • કૉપી લિંક

રાજુબહેનને અચાનક છેલ્લા 7-8 દિવસથી માથામાં સખત દુખાવો થવા લાગેલો. અમદાવાદના નજીકના ગામડાથી આવેલા 55 વર્ષના રાજુબહેનને આ ઉપરાંત ઊંઘ ના આવવી, કંઈ જ ના ગમવું, ભૂખ ના લાગવી અને ઉદાસીનતા અનુભવવી જેવી મુખ્ય તકલીફ હતી. તેમના સાથે આવેલા તેમના પતિ અને દીકરાનું કહેવું હતું કે અચાનક ઘરમાં વહુ અને સાસુ વચ્ચેની માથાકૂટના લીધે લાગણીશીલ રાજુબહેનનને આ લક્ષણો આવેલાં હતાં. વાત કરતાં કરતાં રાજુબહેનને ખુબ જ તકલીફ પડી રહી હતી. જવાબ આપતા પણ જીભ પણ થોથવાતી હતી અને ડાબી બાજુના હાથ પણ ધ્રુજતા હતા. પહેલી નજરે ઘરમાં બનેલી ઘટના જ આ પરિસ્થિતિ માટેનું કારણ હોય તેમ જણાતું હતું. MRI કરવું જરૂરી જણાતા સલાહ અપાઈ પણ આર્થિક પરિસ્થિતિના લીધે સગાના ચહેરા ઉપર પ્રશ્ન આવ્યો કે ઉદાસીનતાની દવાથી બધું ઠીક થઇ જશે તો રિપોર્ટ્સ કેમ જરૂરી? અમુક કેસમાં વય અને લક્ષણો જોઈને MRI કરાવવો જરૂરી બની જાય છે. થોડી રકઝક પછી પરિવારજનો તૈયાર થઇ ગયા. બે કલાક પછી જયારે રિપોર્ટ આવ્યો ત્યારે આખો કેસ જ બદલાઈ ગયો. રાજુબેહનને રિપોર્ટમાં સબડ્યુરલ હીમેટોમા જણાઈ રહ્યો હતો. મગજની અંદરના બ્રેઇન ટિશ્યૂ અને સ્કલ વચ્ચેની જગ્યા ધીમે ધીમે ઉંમરના કારણે વધી રહી હોય છે. આ ખાલી જગ્યામાં ધીરે ધીરે નાની ઇન્જરીના લીધે લોહીનો ભરાવો થાય છે અને ખાલી જગ્યા ભરાઈ જાય છે. આના કારણે મગજના કોષ ઉપર દબાણ આવે છે જેના કારણે માથાનો દુખાવો થવો, નિષ્ક્રિયતા લાગવી અને ન્યુરોલોજિકલ લક્ષણો દેખાવા સામાન્ય છે. આ પ્રકારના કેસમાં ન્યુરોસર્જનની મદદથી આ ભાગને ડ્રેઇન કરી દેવામાં આવે તો લક્ષણમાંથી છૂટકારો મળે છે. મગજની વિવિધ જાતની તકલીફો ક્યારેક માનસિક લક્ષણોની ઝાંખી કરાવતી હોય છે. આ માટે જ નિષ્ણાતો દ્વારા ઘણાબધા રિપોર્ટ્સ કરાવવાની સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને MRI અને સીટી સ્કેન આ માટે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. વ્યક્તિને થતા હેડેક એટલેકે માથાના દુખાવો થવા માટે ઘણાં બધાં કારણો છે જેમાં આ પ્રકારની સલાહ અપાય છે. આ રિપોર્ટ પછી જ હેડેકનું કારણ શોધી શકાય. મૂડ મંત્ર : આંખો તે જોઈ શકતી નથી જે માઈન્ડ વિચારતું નથી. જયારે તમે કંઇક સ્પેશિયલ કરવા માગો છો ત્યારે પોતાની કલ્પના કરતાં વધારે વિચારવું જરૂરી બની જાય છે. drspandanthaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...