અમે અમારા સંબંધ માટે ઘણું વિચાર્યું અને તેના પર કામ પણ કર્યું, સત્યાવીસ વર્ષનાં અમારા વૈવાહિક જીવનમાં ત્રણ અમૂલ્ય સંતાનો છે અને ફાઉન્ડેશનની રચના થઇ જેના થકી અમે સમગ્ર વિશ્વના અનેક લોકોને ઉપયોગી થઇ શક્યા. પરંતુ હવે અમે એક યુગલ તરીકે સાથે આગળ નહીં વધી શકી. અમે અમારા ફાઉન્ડેશનની મુખ્ય વિચારધારા મુજબ સંયુક્ત રીતે કામ કરીશું પરંતુ લગ્ન જીવનનો હવે અંત લાવીએ છીએ.’ વિશ્વના બહુ ચર્ચિત, પ્રસિદ્ધ અને સમૃદ્ધ યુગલ બિલ અને મેલિન્ડા ગેટ્સે સહજીવન પર પૂર્ણવિરામ મૂકવાની ઘોષણા કરી. સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચા થઇ એમાં આ નિર્ણયને પણ મોટાભાગે સન્માન મળ્યું છે. આપસી સમજણ અને આપસી નિખાલસ ચર્ચા માત્ર પ્રેમ કરવા કે સાથે રહેવા માટે જ નહિ પરંતુ અલગ થવા માટે પણ કેટલી અગત્યની છે તે સમજવા જેવું છે. ધારોકે આ મેલિન્ડા ને બદલે અહીંના કોઈ મધુબેન હોત તો? (નામ માત્ર પ્રતીકાત્મક છે...) મેલિન્ડાને પતિથી અલગ થવા માટે વ્યક્તિગત નિર્ણયની જરૂર હોય છે, જ્યારે એક સામાન્ય ભારતીય સ્ત્રીને છૂટાછેડાનો વિચાર કરતા પહેલા અનેક ચહેરા અને અનેક પ્રશ્નોનો સામનો કરવો પડે છે. અલબત્ત આ સમસ્યા સ્ત્રી અને પુરુષ બંનેને અસર કરે છે. મૂળે ભારતીય સમાજમાં લગ્ન સંસ્થા અને સંસ્કાર છે આથી લગ્ન વિચ્છેદ કાયમ અસ્વીકૃત ઘટના હોય છે. અપવાદ બાદ કરતા હજી આજે પણ બહુમતી સમાજમાં વિવાહના સંબંધ બાંધવા માટેના નિયમોનું સંચાલન પણ સમાજ જ કરે છે. બીજી અતિ મહત્ત્વની વાત છે સ્ત્રીનું આર્થિક સ્વાવલંબન અને સુરક્ષા. સ્ત્રીને ને આર્થિક અસલામતી અને નિંદાનો સમાન ભય હોય છે. પતિ અને પત્ની પોતાનાં અંગત કારણને લઈને એકબીજા સાથે એક છતની નીચે રહેવા ન માગતા હોય ત્યારે એ વાતને કલંક, નામોશી કે નિષ્ફ્ળતાની સાથે શા માટે જોડવી જોઈએ? એક જ પાત્ર સાથે જીવનભર રહેવું, એકબીજાને સહકાર આપવો, સંતાન મોટાં કરવાં, પરિવારની વૃદ્ધિ કરવી કે આદર્શ પ્રેમનો દાખલો બેસાડવો તે બધી જ ક્રિયા સામાજિક સંતુલન માટેની છે. એને સ્ત્રી ધર્મ કે પુરુષ ધર્મ સાથે જોડીને સમાજે વધુ એક ભાર આપ્યો જેથી અલગ પડવાનો નિર્ણય બને ત્યાં સુધી લેવાય નહીં અને છતા કોઈ હિંમત બતાવે તો સમજણ અને ડારો આપી સંબંધને વેંઢારવા મજબૂર કરી દેવામાં આવે છે. અલગ પડવું બહુ સારું કે બહુ ખરાબ એ મુદ્દો જ નથી. જો ખરેખર અલગ પડીને જ બંનેને સુખ દેખાતું હોય તો એ નિર્ણય અને એ યુગલને સન્માન આપવું જ જોઈએ. પશ્ચિમમાં લગ્ન અને છૂટાછેડા બે વ્યક્તિ વચ્ચે રચાતી કે વિખેરાતી ઘટના છે, આપણા સમાજમાં લગ્ન અને છૂટાછેડાનાં ચિત્રોનું કેન્વાસ સમાજ છે. meghanajoshi74@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.