મૂડ એન્ડ માઇન્ડ:મેન્ટલ હેલ્થ ફોર ઓલ

ડો. સ્પંદન ઠાકર4 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગામડામાં રહેતી સવિતાને લઇને તેનાં માતાપિતા સાઇક્યિાટ્રિસ્ટ પાસે પહોંચ્યાં. સવિતાની ઉંમર 32 વર્ષની. સૂકલકડી શરીર. નૂર વગરનો ચહેરો. વિખરાયેલા વાળ. બાહ્ય વાતાવરણથી એકદમ અલિપ્ત. જે સવાલો પૂછવામાં આવે તેના જવાબો સાવ અસંબદ્ધ આપે. સાઇક્યિાટ્રિસ્ટે હિસ્ટ્રી લીધી તો જાણવા મળ્યું કે છેલ્લાં દસ વર્ષથી માનસિક બીમારી ચાલુ હતી. શરૂઆતમાં સ્થિતિ ગંભીર ન હતી. પરંતુ ગામડામાં સારવારનો અભાવ, માતાપિતાની નબળી આર્થિક સ્થિતિ અને બીમારી વિશે જાગૃતિનો પણ અભાવ. આ બધાંને કારણે પૂરાં દસ વર્ષ અંધશ્રદ્ધામાં વેડફાઇ ગયાં અને સવિતા યોગ્ય સારવાર વગર રહી ગઇ. જે રોગ ક્યારનોય ઠીક થઇ ગયો હોત તે આટલાં વર્ષોમાં સવિતાને શારીરિક અને માનસિક બંને રીતે ભાંગતો રહ્યો. તેનું ભણતર, લગ્ન અને સામાજિક જીવન પણ બગડી ગયું. કેટલું બધું નુકસાન માત્ર માનસિક આરોગ્ય વિશેની જાગૃતિ ન હોવાનાં કારણે થઇ ગયું. અમદાવાદ જેવા શહેરમાં માતાપિતા પોતાનાં છ વર્ષનાં બાળકને લઇને ડોક્ટર પાસે આવ્યાં. તકલીફ એ હતી કે બાળક પથારીમાં પેશાબ કરતું હતું. જ્યારે બાળકની ઉંમર 12-13 ‌‌વર્ષની થાય ત્યારે પણ આ સ્થિતિ ચાલુ રહે તો એના તરફ ધ્યાન આપવાની જરૂર રહે છે. આ તકલીફને ‘નોક્ટરનલ એનયુરેસિસ’ કહેવાય છે. ચિંતાતુર પેરેન્ટ્સને ડોક્ટરે માર્ગદર્શન આપીને સમજાવ્યું કે છ વર્ષનું બાળક પથારીમાં પેશાબ કરે એ કોઇ સાઇક્યિાટ્રી રિલેટેડ સમસ્યા નથી. આ બાળકનાં પેરેન્ટ્સ શિક્ષિત હતાં, આર્થિક રીતે સમૃદ્ધ હતાં અને મેડિકલ સારવારમાં શ્રદ્ધા ધરાવતાં હતાં. આનાં કારણે કેટલો મોટો ફરક પડી ગયો! સમસ્યા શરૂ થાય તે પહેલાં જ તેનું સમાધાન થઇ ગયું.બંને અલગ અલગ કિસ્સાઓમાંથી એ સ્પષ્ટ થાય છે કે આપણા સમાજમાં શારીરિક સ્વાસ્થ્ય માટે ઘણી સારી સભાનતા છે પરંતુ માનસિક સ્વાસ્થ્ય અંગે ઓછી જાગૃતિ છે. સાઇક્યિાટ્રિસ્ટ પાસે કઇ બીમારીમાં જવાય? દવા ક્યાં સુધી લેવી જોઇએ? આવા તો ઘણા પ્રશ્નો છે. જે માટેની સભાનતા અને જ્ઞાન પૂરતાં પ્રમાણમાં નથી. મોટાં શહેરોમાં ડોક્ટરોનો ભરાવો છે, ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને જ્ઞાન પણ નથી અને ડોક્ટરો પણ નથી. દસ ઓક્ટોબર ‘મેન્ટલ હેલ્થ ડે’ તરીકે મનાવાયો. આ વર્ષે થીમ રાખવામાં આવી હતી: ‘મેન્ટલ હેલ્થ ઇન અનઇક્વલ વર્લ્ડ.’ ઇકોનોમી, સેક્સ, જાતિ, જ્ઞાતિ, એજ્યુકેશન જેવાં અનેક કારણોથી મેન્ટલ હેલ્થની જાણ અને જરૂર લોકો સુધી એકસમાન રીતે પહોંચતી નથી. આ માટે આપણે બધાનો સહકાર મેળવીએ અને તમામ વર્ગના દર્દીઓને હૂંફ અને પ્રેમ સાથે મેન્ટલ કેર પહોંચાડીએ. મૂડમંત્ર: ઉદાસ વ્યક્તિની દુનિયાને જોવાની દૃષ્ટિ બદલવા માટે પહેલાં તે વ્યક્તિની ઉદાસી સમજવાની દુનિયાની દૃષ્ટિ બદલવાની વધારે જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...