તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શરીર પૂછે સવાલ:દર મહિને માસિક મોડું આવે છે, શું મને કોઇ મોટી બીમારી હશે?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : હું 38 વર્ષની મહિલા છું. છેલ્લા કેટલાક સમયથી મારું માસિક નિયત સમય કરતા મોડું આવે છે. આવું કેમ થતું હશે? એક મહિલા (સુરત) ઉત્તર : માસિકમાં વિલંબ થવાનાં ઘણાં કારણો હોય છે. વધારે પડતી માનસિક તાણ પણ માસિકની અનિયમિતતા માટે જવાબદાર હોઈ શકે. નિષ્ણાત તબીબો કહે છે કે જે યુવતીઓ હંમેશાં માનસિક તણાવ હેઠળ રહેતી હોય તેમને વાળ ખરવા, રાત્રે ઊંઘ ન આવવી, ત્વચામાં પરિવર્તન આવવું, વજન વધ-ઘટ થવું જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આનું કારણ એ છે કે આપણા મગજના જે ભાગમાં હોર્મોન્સ પેદા થતાં હોય છે તેના ઉપર માનસિક તણાવની ઘેરી અસર પડે છે. તેને કારણે હોર્મોન્સ પેદા થવામાં અડચણ આવે છે. આનાં પરિણામે માસિક પણ અનિયમિત થાય છે. કોઈક કેસમાં માસિક આવવાનું બંધ થઈ જાય એવું પણ બને. બહેતર છે કે આવી સ્થિતિમાં ટેન્શનને અંકુશમાં લેવામાં આવે. કેટલીક વખત વધારે કસરત કરવાથી પણ માસિકમાં વિલંબ થઇ શકે છે. જ્યારે કસરત વધારે પ્રમાણમાં કરવામાં આવે ત્યારે તેમાં ભરપૂર ઊર્જાનો વપરાશ થાય છે. આવી સ્થિતિમાં શરીર સ્વયં પોતાનું ઓછું જરૂરી જણાતું કાર્ય અટકાવી દે છે. શરીરની આવી પ્રતિક્રિયામાં માસિકનો સમાવેશ પણ થાય છે. જોકે મહત્ત્વની વાત એ છે કે જો સંબંધિત યુવતી કસરતનું પ્રમાણ ઓછું કરી નાખે તો તેનું માસિક અગાઉની જેમ નિયમિત થઈ જાય છે. ચોક્કસ પ્રકારની દવાઓ પણ માસિકના સમયને બદલી નાખે છે. તેવી જ રીતે જે મહિલાઓની કામની શિફ્ટ વારંવાર બદલાતી હોય તેમને પણ માસિકની અનિયમિતતા નડે છે. તમે લાઇફસ્ટાઇલ અને ભોજનની આદતોમાં ફેરફાર કરી જુઓ. આટલું કરવાથી તમારી સમસ્યામાં ચોક્કસ રાહત મળશે. જો આમ છતાં તમારી સમસ્યા ઓછી ન થાય તો કોઇ સારા ડોક્ટરને કન્સલ્ટ કરો. ઘણીવાર હોર્મોન્સનાં સ્તરમાં વધારો-ઘટાડો થવાની આવી સમસ્યા થતી હોય અને દવાની મદદથી સારવાર કરીને સમસ્યા દૂર કરી શકાય છે. પ્રશ્ન : ઘણી વખત સવારે ઊઠ્યાં પછી શરીર ભારે લાગે છે. ઊંઘ ઊડ્યાં પછી પથારીમાંથી ઊભા થવાની ઇચ્છા જ નથી થતી. શું આ કોઇ મોટી બીમારીનું લક્ષણ છે. આવું થાય તો મારે શું કરવું જોઇએ? એક મહિલા (અમદાવાદ) ઉત્તર : શરીર ભારે રહેવું અને સવારે જાગ્યા પછી પણ પથારીમાંથી ઊભા થવાની ઇચ્છા ન થવી, આવી લાગણી થવા માટેનું એક કારણ થાઇરોઇડ હોર્મોન્સનું અસંતુલન હોઇ શકે છે. આ વિશે તમારા ડોક્ટરની સલાહ લો અને જો શક્ય હોય તો થાઇરોઇડની તપાસ કરાવો. આ સિવાય ચા કે કોફી (કેફીન)નું સેવન, માનસિક સ્વાસ્થ્ય, વર્તન સંબંધિત વિકાર અથવા દવાઓની અસર જેવા તમામ કારણોને લીધે શરીર અને સ્નાયુઓ પર અસર કરે છે. આવું થાય ત્યારે ડોક્ટરની સલાહ લઇ સારવાર લેવાની સાથે યોગ અને ધ્યાન પણ કરો. તે તણાવ અને ચિંતા દૂર કરવામાં મદદરૂપ થાય છે. થાઇરોઇડની સમસ્યા વધારે હોય તો ગભરામણ અને બેચેનીની લાગણી અનુભવાય છે. યોગ્ય નિદાન માટે ટેસ્ટ કરાવી લેવા વધારે હિતાવહ છે. આ સિવાય ડોક્ટરની સલાહ લઇને લીવર ફંક્શન, બ્લડ સુગર લેવલ તેમજ કિડની ફંક્શનનો પણ ટેસ્ટ કરાવી લો. પ્રશ્ન : મારી વાઇફની વય 38 વર્ષની છે. હાલમાં એને પેટમાં સખત દુખાવો ઊપડ્યો ત્યારે તપાસ કરાવતા ખબર પડી છે એને પેટમાં પથરી થઇ છે. ડોક્ટરે કહ્યું કે આ પથરી 6 એમએમ જેટલી મોટી છે એટલે એન્ડોસ્કોપી પણ કરી શકાય અને પથરી જાતે જ નીકળી જાય એ માટે રાહ પણ જોઈ શકાય. મારી પત્નીને સર્જરી નથી કરાવવી અને એને એમ થાય છે કે જાતે નીકળી જાય તો સારું. જોકે જ્યારે દુખાવો થાય છે ત્યારે અસહ્ય પીડા થાય છે. શું કરવું જોઇએ? એક પુરુષ (વડોદરા) ઉત્તર : આમ તો પથરી માટે થતી એન્ડોસ્કોપી એકદમ સામાન્ય હોય છે અને એમાં ગભરાવા જેવું નથી, પરંતુ મોટા ભાગે લોકોને પથરી થાય તો તેમને એવું લાગે છે કે પ્રોસિજર વગર જ નીકળી જાય તો સારું. જો પથરી 6 એમએમથી વધુ મોટી હોય તો ઓપરેશન કરવું પડે છે. જો એનાથી નાની હોય તો એની મેળે નીકળી જવાની શક્યતા વધુ રહે છે. તમારા સંજોગોમાં ડોક્ટરે કહ્યું કે બંને શક્યતા છે. જો તમે રાહ જુઓ તો વાંધો નથી, પરંતુ દર અઠવાડિયે સોનોગ્રાફી કરીને પથરીની પરિસ્થિતિ શું છે એ જોવી જરૂરી છે. જો તમે એને ભૂલી જશો અને દર અઠવાડિયે સોનોગ્રાફી નહીં કરાવો તો તકલીફ ઊભી થશે. ડોક્ટરે આપેલી દવા અને વધુ પાણી દ્વારા એ પથરી ધીમે-ધીમે મૂત્ર માર્ગે નીકળી જાય એવી શક્યતા છે. આ સિવાય પણ આ દર્દીઓએ ખૂબ પાણી પીતા રહેવું જરૂરી છે, કારણ કે તેમના શરીરની પ્રકૃતિ છે પથરી બનાવવાની માટે એક વાર નીકળી ગયા પછી પણ ફરીથી પથરી થવાની શક્યતા સામાન્ય કરતાં વધુ રહે છે. પ્રશ્ન : મારી વય 52 વર્ષની છે અને સંતાનો બહારગામ ભણતાં હોવાથી ઘરમાં હું અને મારી પત્ની જ છીએ. અમારું જાતીય જીવન એટલું સક્રિય નથી. થોડા સમય પહેલાંં લગભગ ત્રણ મહિનાના બ્રેક પછી અને જાતીય જીવન માણ્યું ત્યારે વીર્યને બદલે લોહીનાં પાંચ-છ ટીપાં નીકળ્યાં. આ પહેલાંં ક્યારેય એવું બન્યું નથી. બે-ત્રણ દિવસ પછી હસ્તમૈથુન કર્યું ત્યારે તો વીર્ય પણ ન નીકળ્યું. શું આ કોઈ ગંભીર બીમારીનાં લક્ષણો છે? એક પુરુષ (રાજકોટ) ઉત્તર : તમારે આ સમસ્યા વિશે ડોક્ટરની સલાહ લેવી જોઇએ. સામાન્ય રીતે વીર્યની સાથે લોહી પણ નીકળે એને મેડિકલ ભાષામાં હેમેટોસ્પર્મિયા કહે છે. પ્રોસ્ટેટ ગ્રંથિની અંદર આવેલી કોઈક રક્તવાહિની તૂટે ત્યારે આમ થઈ શકે છે. ઘણી વખત સમાગમમાં અનિયમિતતા રહેતી હોવાને કારણે પણ આવી તકલીફ જોવા મળે છે. આ સમસ્યા મોટી ઉંમરના પુરુષોમાં વધારે જોવા મળે છે. આ સમસ્યા ન થાય એ માટે થોડીક પરેજી પાળો. ખાવાપીવામાં તેલ, મરચાં, મરી-મસાલાવાળો ખોરાક ઓછો લેવો. ચા-કોફીની આદત ઘટાડી દો. વધુમાં વધુ એક જ કપ લો. આલ્કોહોલ કે સ્મોકિંગની આદત હોય તો સદંતર બંધ કરી દો. આ સમસ્યામાં કટિસ્નાન કારગર નીવડે છે. કટિસ્નાન માટે મોટું પ્લાસ્ટિકનું ટબ લઈને એમાં પાણી ભરવું. ત્યારબાદ બન્ને પગ બહાર રહે પણ કમર નીચેનો ભાગ પાણીમાં ડૂબેલો રહે એ રીતે બેસો. સવાર-સાંજ દસ-દસ મિનિટ માટે એમ બેસો. આ ઘટના પછી સમાગમથી ડરવાની જરૂર નથી, પણ એમાં નિયમિતતા જાળવવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...