વુમન ઇન ન્યૂઝ:મેહરુન્નિસા: આ છે ભારતની પહેલી મહિલા બાઉન્સર

16 દિવસ પહેલાલેખક: મીતા શાહ
  • કૉપી લિંક

ડિરેક્ટર મધુર ભંડારકરની આગામી ફિલ્મ છે ‘બબલી બાઉન્સર’. આ ફિલ્મમાં એક્ટ્રેસ તમન્ના ભાટિયા મહિલા બાઉન્સરનો રોલ ભજવી રહી છે. તમન્ના ભાટિયાનો રોલ બધા કરતા સાવ અલગ છે અને એની ચર્ચા થઇ રહી છે પણ બહુ ઓછા લોકોને ખબર છે કે ભારતની પહેલી મહિલા બાઉન્સર છે મેહરુન્નિસા શૌકત અલી. મેહરુન્નિસાએ એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો છે પણ પરંપરાગત વ્યવસાય કરતા અલગ એવી મહિલા બાઉન્સર તરીકેની કરિયર પસંદ કરીને સમાજની જડતા સામે પડકાર ફેંક્યો છે. રૂઢિવાદી પરિવારમાં જન્મ મેહરુન્નિસાનો જન્મ સહારનપુરના રૂઢિવાદી મુસ્લિમ પરિવારમાં થયો છે. તેના પરિવારમાં માતા-પિતા અને કુલ સાત બાળકોનો સમાવેશ થાય છે જેમાં મેહરુન્નિસા ત્રીજા નંબર પર હતી. પરિવાર એટલો રૂઢિચુસ્ત હતો કે છોકરીઓને ઘરની બહાર નીકળવાની કે પછી કોઇ સાથે વાતચીત કરવાની પરવાનગી નહોતી. મેહરુન્નિસાના પિતાએ ભણેલી હિંદુ બ્રાહ્મણ યુવતી સાથે લગ્ન કર્યા હતા પણ તેઓ છોકરીઓને ભણાવવાની વિરુદ્ધમાં હતાં. તેઓ માનતા હતા કે વધારે ભણીને છોકરીઓ આઝાદ મિજાજની થઇ જાય છે અને પછી પસંદગીના છોકરા સાથે ભાગી છે. જોકે મેહરુન્નિસાના માતાએ પિતાની રૂઢિવાદી વિચારસરણી સામે ઝીંક ઝીલીને દીકરીઓને યોગ્ય શિક્ષણ મળે એની તકેદારી રાખી. પરિવારનો ટેકો 2003ના વર્ષમાં મેહરુન્નિસા 10મા ધોરણમાં ભણતી હતી અને તેનું વજન સારું એવું વધી ગયું હતું. આ વજન ઘટાડવા મેહરુન્નિસાએ જિમ જવાનું શરૂ કરી દીધું હતું. એ સમયે તેના પિતા ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું કામ કરતા હતા પણ વધારે નફો મેળવવાની લાલચમાં તેમણે પોતાના તમામ પૈસા શેરમાર્કેટમાં લગાવી દીધા હતા. કમનસીબે આ તમામ પૈસા ડૂબી ગયા હતા અને આખો પરિવાર રસ્તા પર આવી ગયો. આખરે 2003માં મેહરુન્નિસાના પિતા સહારનપુરની તમામ સંપત્તિ વેચીને પરિવાર સાથે નસીબ અજમાવવા દિલ્હી આવી ગયા. અહીં મેહરુન્નિસાને બાઉન્સર તરીકે કામ કરવાનો પ્રસ્તાવ મળ્યો હતો. એ સમયે પરિવારને આવકની જરૂર હોવાથી મેહરુન્નિસાએ પિતાની મંજૂરી સાથે આ નોકરીની શરૂઆત કરી દીધી હતી. ભાઇ હતો નાખુશ મેહરુન્નિસા જરૂરિયાત સંતોષવા બાઉન્સર તો બની ગઇ પણ તેમના ભાઇએ આ માટે વિરોધ નોંધાવ્યો હતો. પોતાનો અનુભવ જણાવતા મેહરુન્નિસાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે ‘મારા માટે અહીં પહોંચવાનો સમય બહુ સંઘર્ષમય હતો. પાડોશીઓ અને પરિવારજનો પણ ભારે ટોણાં મારતા હતા કે આવી કેવી નોકરી છે કે સાંજે જાય છે અને મોડી રાતે પાછી આવે છે. જોકે તેમણે જ્યારે વિદ્યા બાલન, દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડા સાથે મારી તસવીરો જોઇ ત્યારે તેમનો અભિગમ સદંતર બદલાઇ ગયો. હવે તો કેટલાક સ્વજનો કહે છે કે ભગવાન ભલે એક દીકરી આપે પણ મેહરુન્નિસા જેવી આપે.’ ભારે પડ્યો કોરોનાકાળ મેહરુન્નિસાને કોરોનાકાળ બહુ ભારે પડ્યો હતો કારણ કે એ સમયે બધી નાઇટ ક્લબ બંધ હતી અને કોઇ મોટી ઇવેન્ટ પણ નહોતી થઇ રહી. આ સંજોગોમાં બાઉન્સર તરીકેની મેહરુન્નિસાની નોકરી છૂટી ગઇ અને તેના માટે ઘર ચલાવવાનું મુશ્કેલ થઇ ગયું. આ સમયે તેણે હાર માનવાને બદલે પોતાના બે સાથીદારો સાથે મળીને ‘મર્દાની બાઉન્સર અને ડોલ્ફિન સિક્યોરિટી સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ’ કંપની બનાવી અને આ કંપનીના માધ્યમથી લગભગ 2500 જેટલા છોકરા-છોકરીઓને ટ્રેઇન પણ કર્યા છે. હાલમાં મેહરુન્નિસા 36 વર્ષની થઇ ગઇ છે અને લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહી છે. જોકે આજે પણ તેના માટે તેની પ્રાથમિકતા તેનો પરિવાર જ છે.

અન્ય સમાચારો પણ છે...