તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લઘુનવલ:મીરા... જીવતી લાશ બની રહેવાની સજા તેં ખુદ સ્વીકારી છે?

કિન્નરી શ્રોફ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગરીબ મા-બાપની હું એકની એક દીકરી. પિતાજી ખાનગી પેઢીમાં કારકુન. પગાર ઝાઝો મળે નહીં, બચત તો શું હોય! મને જોકે હેતની કમી નહોતી, હોં...’

પ્રકરણ -6 ‘મીરા, કેચ!’ બરફનો ગોળો બનાવી અદિતીએ મીરા તરફ ફેંક્યો. એટલે એને પણ ચાનક ચડી. બે ઠાવકી સ્ત્રીઓ ચંચળ યૌવના બની એવી ખેલકૂદ કરવા લાગી જાણે વરસોના બહેનપણા હોય! બોથ લુક લવલી! એમાં પણ અદિતી તો... દૂરથી એમને નિહાળતા શેખરથી સિસકારો થઇ ગયો. ખરેખર તો પોતે એસ્કોર્ટ સાથે આવવાનો હોવાથી એ પ્રમાણે ટૂર પ્લાન કરેલી પણ દામિનીએ આખા પ્લાનનો સત્યાનાશ વાળી નાખ્યો. સિમલા જેવી જગ્યાએ એની કંપનીમાં શું મજા આવે! જોકે અદિતીને જોતાં જ હૈયું ધડકી ગયેલું. ભલે એ પરણેલી હોય, મારે કયાં એની સાથે લગ્ન કરવા છે? જસ્ટ એટલું કે આ મસ્ત મોસમમાં એના જેવીનો સંગાથ મળી રહે તો તબિયત થોડી રંગીન રહે! એટલે તો કાલે સાંજે દામિનીની ગેરહાજરીમાં એની સાથે વાત કરવાની તક ઝડપી પ્રસ્તાવ મૂકી દીધેલો: અમે કાલે રોહતંગ પાસ જવાનાં છીએ. રાત્રે ત્યાં રોકાઇ પરમ દહાડે પાછા. તમે ન ગયા હોવ તો જોડાઇ જાઓ, ઇટ્સ વર્થ જર્ની...બાકી આન્ટીની કંપનીમાં હું બોર થઇ જઇ. હરવાફરવાની મજા તો સરખેસરખામાં જ આવેને! એનો પ્રસ્તાવ અદિતીને જચી ગયો, ‘તો આપણે મીરાના પરિવારને પણ લઇ લઈએ...એનાં સાસુ-સસરાને તમારા આન્ટીની કંપની મળી રહેશે!’ ઠીક છે, એ બહાને અદિતી આવતી હોય તો વાંધો શું! ‘પણ જોજો, અચાનક જ પ્રોગ્રામ બને છે એવું જતાવજો. શું છે કે આન્ટી થોડા એકલગંધા છે, મેં ચાડી ખાધાનંુ જાણશે તો અંકલ સુધી રાવ પહોંચી જશે!’ અદિતી સમજુ તો ગણાય઼. રાત્રે ડિનર માટે બધાં ભેગાં થયા એટલે સિફતથી વાત મૂકી: મારા હસબંડ કહે છે કે સિમલા ફરી લીધું હોય તો રોહતંગ પાસ જઇ આવો...મેં કહ્યંુ, હોટલના અન્ય સહેલાણીઓ સાથ આપે તો જરૂર પ્રોગ્રામ બનાવીએ..શેખરબાબુ, તમારો શું પ્રોગ્રામ છે?’ હવે તો કહેવું જ પડે એવા ભાવ દામિનીને દર્શાવી શેખરે ખંચકાતા કહ્યું, ‘ અમે રોહતંગ પાસ જ જઇએ છીએ. અર્લી મોર્નિંગ નીકળવાનું છે.’ તો તો આપણે બધા જ જઇએ એમ કહીને અદિતીએ વિદ્યાગૌરીને સાંકળ્યાં, ‘કોટેજમાં રહી રહીને તમે કંટાળ્યા હશો, આન્ટી. તમને દામિની આન્ટીની કંપની પણ રહેશે.’ એ પણ વળી તૈયાર થઇ ગયા. Â Â Â ‘હવે બસ!’ રોહતાંગ પાસ પહોંચીને ફર્યા બાદ છેવટે થાકીને અદિતી અને મીરા પત્થરનાં આસન પર બેઠાં. મીરાને નિહાળતી અદિતીથી બોલી જવાયંુ, ‘આ મીરા ક્યાં હતી? ક્યારેક મને એવું કેમ લાગે છે મીરા કે જીવતી લાશ બની રહેવાની સજા તેં ખુદ સ્વીકારી છે?’ મીરાએ હોઠ કરડ્યો. ટૂંકા સહેવાસમાં અદિતી પ્રત્યે આત્મીયતા અનુભવાઇ હતી. એને મારી પરવાહ છે. એનાં કહેવાથી જ મારાં સાસુ-સસરા અહીં આવવા તૈયાર થયાં, એ જ મને આમ રમવા ખેંચી લાવી... ‘ચાલ, આજે તને મીરા સાથે મેળવી જ દઉં.’ આપમેળે મીરા ખુલતી ગઈ, ‘નવસારી નજીક વેસ્મા ગામનાં ગરીબ મા-બાપની હું એકની એક દીકરી. પિતાજી ખાનગી પેઢીમાં કારકુન. પગાર ઝાઝો મળે નહીં, બચત તો શું હોય! મને જોકે હેતની કમી નહોતી, હોં...’ અદિતી સાંભળી રહી. ‘વખત વીત્યો, અંગે યૌવન બેઠું, હું કોલેજમાં આવી અને મારા હૈયે પ્રેમની દસ્તક પડી.’ મતલબ મીરાનાં પ્રેમલગ્ન હતાં? ‘નહીં...આ તો લગ્ન પહેલાંની પ્રણયગાથા છે. નવસારીને કોલેજનાં ત્રણ વરસ મારી જિંદગીનાં શ્રેષ્ઠ વર્ષ રહ્યાં. અમે એક જ ક્લાસમાં ભણતાં. ભણવામાં એ હોશિયાર, કામદેવથી પણ સવાયો રૂપાળો અને હૃદયનો ઉર્મિશીલ. એની આર્થિક હાલત અમારાથી ખાસ જુદી નહોતી. એ તો કોલેજ સાથે પાર્ટ ટાઇમ જોબ પણ કરતો. સહજીવનનાં કેવાં કેવાં શમણા અમે સજાવતાં. તારાથી શું છૂપાવવંુ પણ અદિતી એકાંતની પળોમાં હું બહાવરી બની જતી, પણ અેનો સંયમ નિશ્ચલ રહેતો: હું તારું કોઇ સુખ અધૂરું નહીં રાખું પણ મારા હકના દાયરામાં તું આવે પછી! વાહ. ત્યારે તો મીરાનો પ્રેમી સમજુ ગણાય. ‘અમે વિચારેલું કે કોલેજના અભ્યાસ પછી ઘરે જાણ કરીશંુ,પણ માણસનું ધાર્યુ કુદરત ક્યાં થવા દે છે. કોલેજની પરીક્ષા પતી, પણ ઘરે કહેવાનો જોગ સર્જાય એ પહેલાં બે ઘટના સમાંતરે ઘટી. મારા માટે વડોદરાથી કહેણ આવ્યું ને બીજી બાજુ પિતાજી પર હૃદયરોગનો હુમલો થયો.’ મીરાએ વ્યથા વ્યક્ત કરતા કહ્યું, ‘મારી પાસે બીજો વિક્લ્પ ક્યાં હતો? હોસ્પિટલના બેડ પર પપ્પા કહેતા કે તારું સગપણ જોઇને જાઉં તો મૃત્યુનો વસવસો ન રહે! એમની અવસ્થા જ એવી નહોતી કે મારો પ્રણયભેદ કહી શકું. વળી પિતાના ઓપરેશન માટે સહેજે ચારેક લાખની જરૂર હતી, શ્રવણની ફેમિલી મદદ કરવા તત્પર હતી, બીજી કોઇ રીતે રૂપિયાનો જોગ થવાનો નહોતો.’ ‘અને તારો પ્રેમી?’ ‘એ ત્યારે મોસાળ ગયેલો. એને હું અપડેટ કરતી રહેતી. એણે જોકે શ્રવણને હા પાડવાની ના પાડી પણ રૂપિયાનો મેળ ન પડયો. ઓપરેશન માટે વધુ રાહ જોવાઇ એમ નહોતી અને બસ, મેં શ્રવણને હા પાડી દીધી. હોસ્પિટલમાં એણે મને વીંટી પહેરાવી ને સંતોષભેર પિતાજી ઓપરેશન થિયેટરમાં ગયા.’ પછી? ‘વધુ વસમંુ એ કે ઓપરેશન ટેબલ પર જ પિતાજીએ પ્રાણ છોડ્યા. એમના દેહાંતનું સાંભળી મારો પ્રેમી દોડી આવ્યો, પણ એનો અર્થ રહ્યો નહોતો. એ જોકે માન્યો નહીં: તું સગાઇ તોડી નાખ. હવે તારે લગ્ન શું કામ કરવા? શ્રવણના રૂપિયા હું વ્યાજ સાથે પાછા વાળીશ.’ અદિતી આગળનો વળાંક કલ્પી શકી. ‘અમારી હાલત જોતા આ કંઇ રાતોરાત બનવાનું નહોતું. મૂળત: મને આ વાત નીતિ વિરૂદ્ધની લાગી. સ્વાર્થ સર્યો એટલે સગાઇ તોડી દઉં તો મારા મૃત પિતાનું નામ ડૂબે, મારી માની કેળવણી વગોવાય...પણ એ મને સમજી ન શક્યો. મારા લગ્નને અનિરુદ્ધે બેવફાઇ તરીકે જોયાં: શ્રવણનો પૈસો જોઇ તારો પ્યાર ચળી ગયો, મહેરબાની કરી તારી બેવફાઇને બલિદાનનું રૂપાળું નામ ન આપીશ. આવું કંઇ કંઇ બોલી ગયેલો એ અમારી આખરી મુલાકાતમાં.’ અનિરુદ્ધ. કેવું રૂપાળું નામ. ‘છેલ્લા ખબર એ હતા કે મારાં લગ્ન સાથે એણે પણ ગામ છોડ્યંુ, મુંબઇ તરફ જતો રહ્યો. ભૂતકાળને ભૂલીને હું ચોરીના ચાર ફેરા ફરી હતી હું, પણ એ સુખ પણ ઝાંઝવાનાં જળ જેવંુ નીકળ્યંુ. ત્યારે તો સાસુ-સસરાનો મારા પ્રત્યેનો વહેવાર સારો, શ્રવણ મારી પૂરી આમન્યા જાળવે. આમન્યા એટલી કે સુહાગરાતે શું, લગ્નના મહિના પછી એણે ઝેર ખાઇ આત્મહત્યા કરી ત્યાં સુધી મને સ્પર્શ સુધ્ધાં નહોતો કર્યો!’ હેં...શ્રવણે આત્મહત્યા કરી? શું કામ! ‘એમાં નિમિત્ત બની શ્રવણનાં મા-બાપની જૂનવાણી માનસિકતા.’ મીરા હાંફી ગઇ, ‘શ્રવણ અંતિમ ચિઠ્ઠીમાં લખતા ગયા કે એમને સ્ત્રીઓમાં રસ જ નહોતો! દીકરાના સજાતીયતાના ગુણથી પૂરેપૂરા વાકેફ હોવા છતાં મા-બાપે રોનાધોના આદરી પરાણે એને પરણાવ્યો. ગરીબ ઘરની મજબૂર દીકરીને એટલા જ માટે પસંદ કરી કે એ અહેસાનવશ પતિની એબ ખમી ખાય ને જતે દહાડે દીકરાને વંશનો વારસ દેવા મનાવી-સમજાવી શકાય.’ અરેરે. પોતાના સ્વાર્થે મા-બાપ બીજાની દીકરીનો ભવ બગાડવા જેટલા મતલબી કેમ થઇ શકતા હશે? ‘શ્રવણને આની ગૂંગળામણ હતી. પોતાની રુચિ અનુસાર નહીં જીવી શકાતા જીવનનો અંત આણવામાં એણે મુક્તિ જોઇ. બસ, આ છે મારી કથા. જેને ચાહતી હતી એને પરણી ન શકી અને જેને પરણી એને ચાહવાનો અવકાશ જ ન મળ્યો. મારું સુખ તો અધૂરું જ રહ્યુ, પ્રેમિકા તરીકે પણ અને પત્ની તરીકે પણ.’ એનો પહોંચો પસવારતી અદિતીને બોલવાનું સૂઝ્યંુ, ‘દીકરાની એબ મા-બાપને ખબર છે, છતાં પોતાનો વાંક દેખાતો નથી ને તને રાતદિવસ મેણાં મારતાં રહે છે, અપમાનિત કરતા રહે છે?’ ‘એ એમની ગિલ્ટ છે, અદિતી. દીકરો જેવો છે એવો એને સ્વીકારાયો નહીં, એની આત્મહત્યા ખરેખર તો ખુદના વાંકે થયેલી હત્યા છે એ દર્દ એમનંુ કાળજુ ચીરે છે.’ કેટલંુ સચોટ મનોવિશ્લેષણ. ‘મને એમની દૌલતનો મોહ નથી, મારા સંસ્કારમાં કહેવાપણું નથી એ બધું જ તેઓ સમજે છે, પણ સ્વીકારી શકતાં નથી. બીજાનો દોષ ઘૂંટીઘૂંટી પોતાને ચોખ્ખાં રાખવાની આ કવાયત છે. હશે. કોઇ સ્પંદન હવે મને સ્પર્શતા નથી. હું તો મારી ફરજ સમજી એમને સાચવું છું.’ ‘મારી દૃષ્ટિએ આ તપસ્યા છે, મીરા. આજે તારા મનદ્વાર ઉઘડયાં, મીરા... એનું થોડું શ્રેય શેખરને મળવું જોઇએ.’ અદિતીએ કહ્યું. શેખર. મીરાએ દમ ભીડયો. આ ટૂર માટે શેખરે જ અદિતીને હિન્ટ આપેલી એની માહિતી હતી પણ હવે અદિતી જે નથી જાણતી એ કહી દેવા દે. ‘એક ભેદ આ શેખરનો પણ જાણી લે, અદિતી. મને તો આ આન્ટી-ભત્રીજામાં પણ કશી ગરબડ લાગે છે. બન્યું એવું કે બે મળસ્કાથી રોજ આન્ટીને શેખરના કોટેજમાંથી નીકળતી ભાળું છું. પાછા બેઉ...’ મીરાના હેવાલે અદિતીને જુગુપ્સા થઇ: વિષયવૃત્તિમાં માણસ સંબંધના સીમાડા ભૂલે એ કેવું! કે પછી આ ખરેખર આન્ટી-ભત્રીજો હોય જ નહીં? અદિતીને ઝબકારો થયો ને એ જ ઘડીએ ગિરીમથકમાં વાદળ ઘેરાવા લાગ્યા, વાતાવરણમાં પલટો આવ્યો. (ક્રમશ:)

અન્ય સમાચારો પણ છે...