તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હળવાશ:‘દા’ એટલે દાંતિયા કરવાના અને ‘જ’ એટલે જીભડા કાઢવાના

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તમે એક કામ કરો. એને માનસિક ત્રાસ આલો. એનાં કપડાં હુકાતાં હોય ત્યારે જ તમે નીતરતાં કપડાં નાખો. રોજ બપોરે બપોરે કંઇક નું કંઇક ટીચ્યા કરો. આખી બપોર એને હુવા જ નઇ દેવાની...

- જિગીષા ત્રિવેદી

મહિલા મંડળના સૌ સભ્યો ઓટલે બાંકડે બેઠેલાં અને મંજુબહેન નીચે ઉતર્યાં. કપડાંમાં બધંુ જ મીસ મેચ. મારે ઓટલે આવીને વીલે મોઢે બેઠા એટલે બધાને શંકા તો ગઇ જ કે કંઇક ગરબડ છે. ‘અનલોક થયું તમારું ?’ હંસામાસીએ ટહુકો કર્યો. ‘એ જ નથી હમજાતું કે કરવું શું?‘ મંજુબહેન ભોંયમાં તાકતા જ બોલ્યાં એટલે કલાકાકીથી ના રહેવાયું. ‘તો આ બાબતમાં તમે મોળાં પડો છો મંજુબહેન. જગતમાં એવું કસ્સું છે જ નઇ કે હાવ આવો પ્રસ્ન આપણને ઉદભવે.’ ‘અને તમે આ રીતે મૂંઝાતા હો ને તો આમાં અમારી આબરૂ જાય કે ‘આ’ પોળના લોકો ય મનમાં ને મનમાં કોઈ વાતે ડિસ્ટબ છે? વેરી બેડ મંજુબહેન...વેરી બેડ...તમને આ પોળમાં રહીને આવું વર્તન ના શોભે.’ હંસામાસીને આમાં પોળની આબરૂને ઠેસ લાગતી હોય એવી લાગણી થઇ એટલે તેમણે પોતાની લાગણી વ્યક્ત કરી. ‘સારું ચાલો. પહેલા તો એમ કહો કે થયું છે સું?’ કંકુકાકીએ સવાલ કર્યો એટલે મંજુબહેને ટૂંકો જવાબ આપ્યો, ‘દાજ ચડી છે...’ ‘હાય હાય લે... આટલી અમથી વાતમાં હું કરવું ઇ નથ હમજાતું? અરર... ઓકે... દાજનું પ્રમાણ કેટલું? મોઢું ચડાઈને પતે એમ હોય તો બહુ હેરાન ના થવું અને તડને ફડ થઇ શકતું હોય, તો તો એના જેવું ઉત્તમ કંઇ નઇ. હમજ્યા...! અને જો તમારાથી આમાનું કસુ બી થાય એવું ના હોય તો એનાં ઓળખીતા પાળખીતામાં ફોનાફોની કરીને એનાં નામનો કકરાટ કરી નાખો...’ સવિતાકાકીએ બને તેટલું શોર્ટમાં પતાવવા સલાહ આપી.

‘ના ના...એ બધું પછી આવે. પહેલા તો એ કહો કે એ છે કોણ? રિલેશનમાં છે? તો કોના? તમારા કે મારા ભાઈના? નજીકના છે કે દૂરના? ફ્રેન્ડ છે તો કોના છે? તમારા કે મારા ભાઈના?’કંકુકાકીએ દાઝ મેળવવા પાત્ર વ્યક્તિ અંગે કેટલાંક પ્રશ્નો રજૂ કર્યા. ‘એમાનું કોઈ બી હોય તો તો હું પહોંચી ના વળું યાર! તમે લોકો મને આટલી બધી અંડરએસ્ટિમેટ કરો છો એની તો મને આજે જ ખબર પડી.’ મંજુબહેનને લાગી આવ્યું એટલે કલાકાકી કહે, ‘અરે તમે પેલી દાજની વાત જ કરો ને. મને એમ કહો કે જેના પર દાજ ચડી છે એ રિલેશનમાં હોય કે ફ્રેન્ડશીપમાં પણ મૂળ પ્રસ્ન એ છે કે એ તમારાથી બળવાન છે? સરીર કે મગજથી નઇ હોં, હોદ્દાની વાત કરું છું હું...એનો હોદ્દો ઊંચો કે નીચો અને હા...ઉમર કેટલી છે? કારણ કે દરેક ઉપર દાજ કાઢવાની રીત જુદી જુદી હોય. તમે મને તમારી દાજનું પ્રમાણ કહો અને સામેવાળાનો પ્રકાર કહો. એના પરથી દાજ કાઢવાની રીત નક્કી થાય.’ ‘દાજ તો એવી ચડી છે ને...કે એનું સુ નું સુ કરી નાખું. કચુંબર કરું કે ખરલ પથરો લઈને ટીચી નાખું.’ મંજુબહેન દાંત ભીંસીને બોલ્યા. ‘અને સામેવાળાનો પ્રકાર? કલાકાકી દાઝનો પ્રકાર જાણ્યા બાદ આગળ વધ્યા એટલે મંજુબહેને એના પર પ્રકાશ પાડ્યો,

‘એ સરીરથી તો બહુ એ બળવાન છે. દીવાલે ઊભી હોય તો ફ્રિજ મૂક્યું હોય એવી લાગે અને હોદ્દો બી ઊંચો છે. લોહી પી ગઇ છે મારું. મારા ઘરમાં તો એ બહુ જ દાદાગીરીઓ કરે છે.’ આટલું સાંભળીને સવિતાબહેન સમજી ગયા. ‘અચ્છા...તો તમે તમારાં મકાનમાલિક કોકિલાબહેનની વાત કરો છો? અરે, ઇ કોકલી તો છે જ માથાની ફરેલી. નીચે રહે છે, પણ કોઈ દિવસ જાળીએ ડોકિયું ય કર્યું છે અત્તાર હુધીમાં? અભિમાનનું પોટલું નો જોઈ હોય તો!’ ‘હમ્મ...એટલે એનો અર્થ એમ થયો, કે દાજ કાઢવી થોડી અઘરી છે પણ વાંધો નઇ...એનો બી ઉપાય નીકળસે.’ કલાકાકીએ મગજના તાર ઊંચાનીચા કરતાં કહ્યું ત્યાં લીનાબહેનેને વિચાર ઝબક્યો, ‘પોળના તોફાની છોકરાને કહીને એનું ચાર્જર ગાયબ કરી દઈએ તો? કે પછી એનું વેલણ ગાયબ કરી દઈએ? કે એનું બારણું બહારથી બંધ કરી દેવું છે?’ ‘અરે...આમાં બીજા કોઈને જોડાવા નક્કામાં. એમણે અત્યારે અહિંસાની જ લડાઈ લડવી પડે.’ કલાકાકીએ શાંત ચિત્તે જવાબ આપ્યો. ‘શ્રાપ આલીએ તો?’ લીનાબહેનનું મગજ ચમકારા કરતું’તું.

‘જો, સતી શ્રાપ દે નઇ ને શંખણીના લાગે નઇ એટલે શ્રાપનો આઇડિયા તો આપડા માટે ફ્લોપ જ થાય.’ લીનાબહેનને ટૂંકમાં સમજાવીને એમણે મંજુબહેનને તત્ત્વજ્ઞાન આપતાં હોય તેમ ચાલુ કર્યું, ‘તમે એક કામ કરો. એને માનસિક ત્રાસ આલો. એનાં કપડાં હુકાતાં હોય ત્યારે જ તમે નીતરતાં કપડાં નાખો. રોજ બપોરે બપોરે કંઇક નું કંઇક ટીચ્યા કરો. આખી બપોર એને હુવા જ નઇ દેવાની. તમે આવું કરસો એટલે નેચરલી એ તમારી જોડે ઝગડો કરસે જ...અને આળસૂડી છે, એટલે એ ઉપર ઝગડવા નઇ જ આવે. નીચેથી જ બરાડા પાડસે. પોળના નવરા લોકો તો ઝગડો જોવા બહાર નીકળવાના જ ત્યારે તમારે તમારી બારીએ આઈને એક પણ સબ્દ બોલ્યા વગર ‘દાજ’ સબ્દમાં છુપાએલો ભેદ બહાર કાઢવાનો...’ ‘એટલે ?’મારાથી સ્વાભાવિક રીતે જ પૂછાઈ ગયું. ‘દા’ એટલે દાંતિયા કરવાના અને ‘જ’ એટલે જીભડા કાઢવાના. અને મારુ માથું અજાણ્યે જ એમના તરફ નમી ગયું અને હું તલપાપડ થઇને ઘટનાની રાહ જોવા લાગી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો